T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 માટે કન્ફર્મ થઈ 5 ટીમો, આજે વધુ 2ને મળી શકે છે આગળના તબક્કાની ટિકિટ

T20 વર્લ્ડ કપ 2026ની સફર 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચીને શરૂ થઈ હતી. હવે ગ્રુપ સ્ટેજ તેના અંતિમ તબક્કામાં છે, જેમાં બે યજમાન (ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા) સહિત 5 દેશોની ટીમોએ સુપર 8માં સ્થાન મેળવ્યું છે. બે ટીમો આજે સુપર 8માં સ્થાન મેળવી શકે છે, ઓસ્ટ્રેલિયા બહાર થવાની કગાર પર છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન પણ હજુ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય નથી થઈ શક્યું અને તે પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
શું પાકિસ્તાન બહાર થઈ શકે છે?
ગ્રુપ Aમાંથી ફક્ત ટીમ ઈન્ડિયા સુપર 8 માટે ક્વોલિફાય થઈ છે. USA પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, તેણે તેની ચારેય મેચ રમી લીધીછે. પાકિસ્તાનના પણ ચાર પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે USAથી પાછળ છે. પાકિસ્તાન અને નામિબિયા વચ્ચેની મેચ બુધવારે છે. જો પાકિસ્તાન અપસેટનો સામનો કરે છે અને નામિબિયા મેચ જીતે છે, તો USA 2024ની જેમ જ સુપર 8માં આગળ વધશે.
ગ્રુપ Bમાંથી શ્રીલંકા ક્વોલિફાય થયું
યજમાન દેશ શ્રીલંકાએ ગ્રુપ Bમાંથી સુપર 8માં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. ટીમે સોમવારની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જેનાથી ઓસ્ટ્રેલિયાનું બહાર થવાનું જોખમ વધી ગયું છે. આજે (17 ફેબ્રુઆરી) જો ઝિમ્બાબ્વે આયર્લેન્ડ સામેની મેચ જીતશે, તો તેના 6 પોઈન્ટ થઈ જશે, જ્યારે ઓસ્ટ્રેલિયા મહત્તમ 4 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. આમ, ઝિમ્બાબ્વે સુપર 8માં આગળ વધશે અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે.
ગ્રુપ Cની બંને ટીમો કન્ફર્મ થઈ
ગ્રુપ Cમાંથી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સુપર 8માં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યા છે. સતત ત્રણ મેચ જીત્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝ 6 પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે. ઈંગ્લેન્ડે તેની ચારેય મેચ રમી લીધી છે અને તેના 6 પોઈન્ટ છે. આ ગ્રુપમાંથી હવે કોઈ અન્ય ટીમ 6 પોઈન્ટ સુધી નથી પહોંચી શકતી. તેથી આ બંને ટીમ સુપર 8 સ્ટેજમાં પહોંચી ગઈ છે.
ગ્રુપ Dના સમીકરણો
ગ્રુપ Dમાંથી સાઉથ આફ્રિકા સુપર 8માં આગળ વધી છે, બીજા સ્થાન માટે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. ન્યુઝીલેન્ડે તેની 3માંથી 2 મેચ જીતી છે અને તેના 4 પોઈન્ટ છે. જ્યારે અફઘાનિસ્તાને તેની 3 મેચમાંથી ફક્ત એક જ મેચ જીતી છે, તેના 2 પોઈન્ટ છે પરંતુ તે તેની અંતિમ મેચ જીતીને ચાર પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જોકે, તેણે ક્વોલિફાય થવા માટે ન્યુઝીલેન્ડ અને કેનેડાની મેચ પર આધાર રાખવો પડશે.
આ બંને ટીમો આજે સુપર 8 માટે ક્વોલિફાય થઈ શકે છે
આજે (17 ફેબ્રુઆરી) કેનેડાને હરાવીને ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 માં પહોંચનારી છઠ્ઠી ટીમ બની શકે. આજની બીજી મેચ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે છે, જે બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. ઝિમ્બાબ્વે જીતીને સુપર 8માં આગળ વધી શકે છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જશે, જે ઈતિહાસમાં ફક્ત એક જ વાર બન્યું છે.
સુપર 8 માટે આ પાંચ ટીમો કન્ફર્મ: ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા.

