VIDEO: Happy Birthday Hitman / રોહિત શર્માના 5 રેકોર્ડ્સ, જે તૂટવા છે લગભગ અશક્ય
આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. વિશ્વ ક્રિકેટમાં 'હિટમેન' તરીકે જાણીતો, રોહિત પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
1987માં જન્મેલા, રોહિતને દેશ અને દુનિયાભરમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. ફેન્સ તેની ક્રિકેટ કારકિર્દી અને તેના યોગદાનની પ્રશંસા કરી રહ્યા છે. જમણા હાથના બેટ્સમેન રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા રેકોર્ડ્સ બનાવ્યા છે જે કોઈપણ ખેલાડી માટે તોડવા લગભગ અશક્ય છે. તો, રોહિતના જન્મદિવસ પર ચાલો તેના અઆવા રેકોર્ડ્સ વિશે જાણીએ.
હિટમેનના અતૂટ રેકોર્ડ્સ
ODI ઈતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર - 264
2014માં, રોહિત શર્માએ શ્રીલંકા સામે 173 બોલમાં 264 રન બનાવીને ODI ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. તેણે આ ઈનિંગમાં 42 બાઉન્ડ્રી ફટકારી.
ODIમાં ત્રણ બેવડી સદી, વિશ્વનો એકમાત્ર બેટ્સમેન
જ્યારે અન્ય ખેલાડીઓ બેવડી સદી માટે ઝંખે છે, ત્યારે રોહિત શર્માએ ત્રણ વખત ODIમાં 200 રનનો આંકડો પાર કર્યો છે. રોહિતે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 209 રન બનાવ્યા હતા, ત્યારબાદ કોલકાતામાં શ્રીલંકા સામે 264 રન અને મોહાલીમાં શ્રીલંકા સામે 208 રનની ઈનિંગ રમી હતી.
એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં, રોહિત શર્માએ 9 ઈનિંગમાં 5 સદી ફટકારી હતી, જે એક જ એડિશનમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. વધુમાં, તેના નામે સાત વર્લ્ડ કપ સદી છે.
કેપ્ટન તરીકે એક વર્ષમાં બે ICC ટ્રોફી
રોહિત માત્ર એક બેટ્સમેન જ નહીં, પણ એક સફળ કેપ્ટન પણ છે. તેના નેતૃત્વ હેઠળ, ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી. તેણે 12 મહિનાના સમયગાળામાં બે ICC ટાઈટલ જીતીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા
રોહિતને 'હિટમેન' એમ જ નથી મળ્યું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા (637) નો રેકોર્ડ તેના નામે છે, આ સંદર્ભમાં તે ક્રિસ ગેલને પણ પાછળ છોડી દે છે. માત્ર છગ્ગા જ નહીં, રોહિત T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી પણ છે.
તેણે T20I માં 4231 રન બનાવ્યા છે. રોહિત દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જેણે ત્રણેય ફોર્મેટમાં છગ્ગાની સદી ફટકારી છે. તેની રેકોર્ડબ્રેક 264 રનની ઈનિંગ દરમિયાન, રોહિતે 33 ચોગ્ગા ફટકાર્યા હતા, જે એક ODI ઈનિંગમાં સૌથી વધુ છે.

