VIDEO: IND vs ENG / સંજુ સેમસન સહિત 3 ખેલાડી પર છે લટકતી તલવાર, આગામી મેચમાંથી કપાઈ શકે છે પત્તું
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર અને ઓપનર અભિષેક શર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે શિવમ દુબેએ 21 બોલમાં અણનમ 42 રનની તોફાની ઈનિંગ રમી હતી. જોકે, વરસાદના કારણે મેચનું કોઈ પરિણામ નહતું આવી શક્યું, પરંતુ કેટલાક ભારતીય ખેલાડીઓનું નબળું પ્રદર્શન ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે. આ ખેલાડીઓમાં સંજુ સેમસન, ઈશાન કિશન અને વાઈસ કેપ્ટન તિલક વર્માનો સમાવેશ થાય છે.
સંજુ સેમસન માટે મુશ્કેલીઓ વધી
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનનું બેટ આ UK પ્રવાસ પર અત્યાર સુધી તદ્દન શાંત રહ્યું છે. આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં પણ તે કોઈ મોટી ઈનિંગ નહતો રમી શક્યો અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં પણ તે સસ્તામાં આઉટ થઈ ગયો હતો. સતત ફ્લોપ પ્રદર્શનના કારણે હવે પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાન પર સવાલો ઉઠવા લાગ્યા છે. જો આગામી મેચોમાં પણ તે રન નહીં બનાવી શકે, તો ટીમ મેનેજમેન્ટ તેને પડતો મૂકીને અન્ય વિકલ્પ પર વિચાર કરી શકે છે.
ઈશાન કિશન પણ ભારે દબાણમાં
ICC T20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બનેલા ઈશાન કિશન માટે પણ આ પ્રવાસ અત્યાર સુધી ઘણો નિરાશાજનક રહ્યો છે. આયર્લેન્ડ સામે તે માત્ર 1 અને 12 રન જ બનાવી શક્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20માં તે ખાતું ખોલાવ્યા વિના જ પવેલિયન પરત ફર્યો હતો. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાંથી તે બે વાર રનઆઉટ થયો છે. જો આગામી મેચોમાં ઈશાન પોતાની લય પાછી નહીં મેળવે, તો તેની જગ્યા પણ જોખમમાં આવી શકે છે.
વાઈસ કેપ્ટન તિલક વર્માની ધીમી બેટિંગ બની ચિંતા
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન તિલક વર્માએ આ પ્રવાસ પર રન ચોક્કસ બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ સવાલોના ઘેરામાં છે. નંબર-5 પર બેટિંગ કરતા તેણે છેલ્લી ત્રણ ઈનિંગ્સમાં અનુક્રમે 19 (21 બોલ), 55 (46 બોલ) અને 13 (13 બોલ) રન કર્યા છે. મિડલ ઓર્ડરના આ ક્રમ પર બેટ્સમેન પાસેથી ઝડપી ગતિએ રન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તિલક હજુ સુધી આ ભૂમિકામાં સંપૂર્ણપણે સફળ સાબિત થયો નથી.
ટીમ ઈન્ડિયા પાસે શું છે વિકલ્પો?
ઈશાન કિશન અને તિલક વર્માને આ સિરીઝમાં હજુ વધુ તકો મળે તેવી પૂરેપૂરી સંભાવના છે. જોકે, જો તેમનું ફોર્મ સતત ખરાબ રહેશે તો ટીમ મેનેજમેન્ટ મોટો નિર્ણય લઈ શકે છે. બીજી તરફ, સંજુ સેમસન માટે ખતરાની ઘંટી સૌથી વધુ વાગી રહી છે, કારણ કે તેના સ્થાને યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે. આ ઉપરાંત, જો મિડલ ઓર્ડરમાં તિલક વર્માના સ્થાને કોઈ ફેરફાર કરવાની જરૂર પડશે, તો ટીમ મેનેજમેન્ટ પાસે રિંકુ સિંહનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

