ત્રણ દેશોની યજમાનીમાં રમાશે 2027 વર્લ્ડ કપ, ICCએ જાહેર કરી ક્વૉલિફાયરની તારીખો

આગામી વર્ષે રમાનારા 2027 વનડે વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર થઈ ગયુ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટૂર્નામેન્ટના ક્વૉલિફાયરની તારીખોની જાહેરાત કરી દીધી છે. 10 ટીમો વચ્ચે વર્ષ 2027ની ક્વૉલિફાયર 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ વચ્ચે રમાશે. તારીખોની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે, ક્વૉલિફાયર મેચ ક્યાં રમાશે, એટલે કે, વેન્યૂને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જોકે, આગામી વિશ્વકપ નવા ફોર્મેટમાં રમાશે, જેમાં 14 ટીમો ભાગ લેશે. ક્વૉલિફાયરમાં વિજેતા બનનારી ટીમ ડાયરેક્ટ 14 ટીમોના ગ્રુપમાં સ્થાન મેળવશે. ક્વૉલિફાયરમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચે 'સુપર સિરીઝ' રમાશે, જે વિશ્વકપનો પહેલો રાઉન્ડ હશે. આ રાઉન્ડમાં વિજેતા બનનારી ટીમ ટોપ-12માં સ્થાન પાકું કરશે.
ત્રણ દેશોની યજમાનીમાં રમાશે વર્લ્ડ કપ
આ વખતનો વિશ્વકપ ત્રણ દેશોની યજમાનીમાં રમાશે, જેમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સામેલ છે. ટૂર્નામેન્ટની તમામ મેચો 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે. જેમાં સૌથી વધુ 8 વેન્યૂ દક્ષિણ આફ્રિકાના હશે. બાકીના 3 વેન્યૂ ઝિમ્બાબ્વે અને 1 નામિબિયાનું હશે. વિશ્વકપ 04 ઓક્ટોબરથી 21 નવેમ્બર વચ્ચે રમાશે.
10 ટીમો વચ્ચે રમાશે ક્વૉલિફાયર
ક્વૉલિફાયરમાં 10 ટીમો સામેલ થશે, જેમાં 30 સપ્ટેમ્બર 2026 સુધી ODI રેન્કિંગમાં સૌથી નીચેની બે 'ફુલ મેમ્બર' ટીમો (યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને છોડીને), CWC લીગ 2 ની ટોપ ચાર ટીમો અને વર્લ્ડ કપ ક્વૉલિફાયર પ્લેઓફની ટોપ ચાર ટીમો ભાગ લેશે.
વેસ્ટ ઈન્ડિઝ પર મંડરાઈ રહ્યું છે સંકટ
છેલ્લા એટલે કે, 2023ના વનડે વર્લ્ડ કપમાં પણ વેસ્ટ ઈન્ડિઝ ક્વૉલિફાયરમાંથી બહાર થઈ ગયું હતું. હવે ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ પર ક્વૉલિફાયર રમવાનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ટીમ હાલમાં વનડે રેન્કિંગમાં 10મા સ્થાને છે. 30 સપ્ટેમ્બરની કટ ઓફ ડેટ પહેલા કેરેબિયન ટીમે માત્ર 2 વનડે રમવાની છે, જે ભારત સામે હશે. આ સિવાય અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી વનડે સિરીઝ પણ વેસ્ટ ઈન્ડિઝ પર અસર કરશે. જો આયર્લેન્ડ ઓછામાં ઓછું 4-1થી અથવા 5-0થી જીતે અને વેસ્ટ ઈન્ડિઝ પણ ભારત સામેની બંને વનડે જીતી લે, તો તેમની ટોપ-8માં પહોંચવાની આશા રહેશે.

