PKL 11 / આજથી શરૂ થશે 'કબડ્ડી'નો રોમાંચ, એકશનમાં હશે ભારતીય કેપ્ટનની ટીમ
પ્રો કબડ્ડી લીગ (PKL) ની 11મી સિઝન 18મી ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ રહી છે. સિઝનની શરૂઆત તેલુગુ ટાઈટ

પ્રો કબડ્ડી લીગ (PKL) ની 11મી સિઝન 18મી ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ રહી છે. સિઝનની શરૂઆત તેલુગુ ટાઈટન્સ અને બેંગલુરુ બુલ્સના મેચથી થશે. આ સિવાય PKLની બે ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમ યુ મુમ્બા અને દબંગ દિલ્હી પણ આજે આમને-સામને હશે. આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થઈને લગભગ અઢી મહિના સુધી ચાલશે અને ફાઈનલ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરી 2025ના શરૂઆતના સપ્તાહમાં યોજાશે. ફાઈનલ મેચની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
આજે 3 પૂર્વ ચેમ્પિયન ટીમો એક્શનમાં હશે
ટૂર્નામેન્ટની શરૂઆત તેલુગુ ટાઈટન્સ અને બેંગલુરુ બુલ્સના મેચથી થશે. ટાઈટન્સની ટીમ પ્રો કબડ્ડી લીગમાં ક્યારેય ચેમ્પિયન નથી બની શકી અને છેલ્લી સિઝનમાં પોઈન્ટ ટેબલમાં 10મા ક્રમે હતી. ભારતીય રાષ્ટ્રીય કબડ્ડી ટીમના કેપ્ટન પવન સેહરાવતના નેતૃત્વ હેઠળ, તેલુગુ ટાઈટન્સ સિઝન 4થી ચાલી રહેલા પ્લેઓફના દુષ્કાળને સમાપ્ત કરવા માંગે છે. તેનો સામનો બેંગલુરુ બુલ્સ સામે થશે, જે સિઝન 6ની ચેમ્પિયન રહી ચુકી છે.
આજની બીજી મેચમાં દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે ટક્કર થશે. દિલ્હીએ સિઝન 8માં પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીત્યો હતો અને તે છેલ્લી 6 સિઝનથી પ્લેઓફમાં પ્રવેશ કરી રહી છે. જ્યારે યુ મુમ્બા ટૂર્નામેન્ટની બીજી સિઝનમાં અનૂપ કુમારની કપ્તાનીમાં ચેમ્પિયન બની હતી, પરંતુ તે પછી ક્યારેય ટાઈટલ જીતવામાં સફળ રહી નથી.
લાઈવ મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો?
ટીવી પર PKL મેચનો આનંદ માણવા હોય, તો ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ લાઈવ જોઈ શકે છે. લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણવા માટે ડિઝની હોટસ્ટાર એપ પર મેચ લાઈવ જોઈ શકાય છે. આજની પ્રથમ મેચ તેલુગુ ટાઈટન્સ અને બેંગલુરુ બુલ્સ વચ્ચે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. દિલ્હી અને મુંબઈની મેચ 9 વાગ્યે શરૂ થશે.






