મહાશિવરાત્રીએ આ રીતે કરો મહાદેવની આરાધના, જાણો ધાર્મિક મહિમા અને વિશેષ પૂજાની રીત
મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ દિવસની રાત

મહા માસના વદ પક્ષની 13 તિથિએ મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથ શિવલિંગ રૂપે પ્રગટયા એટલે શિવ ભક્તો માટે આ દિવસની રાત્રિપુજા એટલે શિવકૃપા મેળવવાની ઉત્તમ તક માનવામાં આવે છે.
શિવરાત્રિનો ધાર્મિક મહિમા
શિવરાત્રિના વ્રતમાં ઉપવાસ, પૂજા, અને જાગરણનું ખૂબ મહત્ત્વ તેમાં મળનાર ફળને લીધે છે. શિવરાત્રિ પર શિવલિંગ પર પૂજન, ઉપવાસ, જાગરણ કરવાથી અક્ષય ફળ મળે છે, જે શિવ ભક્ત દરરોજ શિવ પૂજાના કરી શક્યો હોય, તો તે આ દિવસે શ્રદ્ધા ભક્તિથી શિવ પૂજન કરે તો દરરોજ શિવ પૂજન કર્યાનું ફળ મળે છે, જીવનના અંતિમ ક્ષણે તેને યમદૂતનું તેંડુ આવતું નથી, પણ શિવકૃપાથી શિવદૂતો જીવને કર્મના શરણે મોકલે છે, એવું વિદ્વાનો પાસેથી જાણવા મળે છે.
મહાશિવરાત્રિની પૂજા
આ દિવસે શિવની પૂજા વિશિષ્ટ માર્ગદર્શન મુજબ અથવા શ્રદ્ધાથી શિવલિંગ પર જળ અભિષેક, દૂધ અભિષેક, પંચામૃત અભિષેક કરી ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ અને આરતી કરી દક્ષિણા આપી પ્રાથના કરવામાં પણ આવે છે.
મહાશિવરાત્રિ ધાર્મિક કથા
મહાશિવરાત્રિ પર એક ધાર્મિકવાત પરથી આ દિવસનો મહિમા પણ જાણવા મળે છે. એક વનમા એક શિકારી તેના પરિવાર સાથે રહેતો હોય છે અને તે શિકાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે, એકવાર શિકારની શોધમાં ખૂબ ફર્યા પછી એક હરણને જતા જોયું ત્યારે તે શિકાર હેતુ બાણ ચઢાવે છે, ત્યારે હરણ વિનંતી કરે છે કે, મને થોડીવાર માટે જાવા દે, મારો પરિવાર મારી રાહ જોવે છે, હું તેમને મળીને પાછો આવીશ. આ વાત સાંભળી શિકારીને દયા આવી અને કહ્યું સારું મળી આવ. હું અહીં તારી રાહ જોવુ છું.
શિકારી રાહ જોવામા ભૂખ્યો તરસ્યો એક ઝાડ પર ચઢીને બેઠો અને તે ઝાડના પાન તોડી સમય પસાર કરવામાં નીચે ફેકતો ગયો. શિકારીના કોઈ જન્મના સારા કર્મ ગણીએ તો તે ઝાડ બીલીનું હતું અને તે બીલી પાન નીચે ફેકતો તે જમીન નીચે શિવલિંગ હતું, ભૂખ્યો તરસ્યો આખી રાત આ રીતે પસાર કરી અને આ બાજુ શિકારીનો પરિવાર પણ શિકારીની રાહ જોવામાં ભૂખ્યા તરસ્યો બેઠો રહ્યો.
શિકારીને વચન આપીને પહેલું હરણ પરિવાર પાસે આવી પહોચ્યું, અને તેણે આખી વાત કરી. હરણનો આખો પરિવાર આ વાત સાંભળી ખાધા પીધા વગર પસાર કરી અને વચન પ્રમાણે શિકારી પાસે હાજર થવા નીકળ્યો. ત્યાં સુધી સૂર્યોદય થવા આવ્યો હતો, દરેકની નિષ્ઠા અને શિવરાત્રિ મહિમાના કારણે ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને શિકારીના પરિવાર તેમજ હરણ અને તેના પરિવારને આશીર્વાદ આપ્યા અને તેઓ સદ્દગતી પામ્યા.
આમ અજાણતા શિવરાત્રી એ શિવપૂજનનું આટલું મોટું ફળ મળ્યું જો શ્રદ્ધા અને સંકલ્પ સાથે શિવરાત્રિમાં શિવ પૂજન કરવાથી કેવું વિશિષ્ટ ફળ મળે એ ભાવથી શિવ ભક્તો ખૂબ શ્રદ્ધાથી ભક્તિ કરતા હોય છે, માટે જ વિદ્વાનો કહે છે કે, પૂજનથી પાપનો ક્ષય કરનાર, સદગતિ આપનાર, અને પુણ્ય પ્રભાવ વધારનાર છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








