મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કેવા ગ્રહયોગ જન્મજાત હૃદયરોગ આપે છે? જાણો

ડૉ.વિશાલકુમાર પરમાર - એસ્ટ્રોલોજિસ્ટ સનાતન ધર્મમાં વૈદિક પરંપરામાં સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાનું ઘણું મહત્

કેવા ગ્રહયોગ જન્મજાત હૃદયરોગ આપે છે? જાણો

ડૉ.વિશાલકુમાર પરમાર - એસ્ટ્રોલોજિસ્ટ

સનાતન ધર્મમાં વૈદિક પરંપરામાં સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાનું ઘણું મહત્વ છે, સૂર્યને અર્ઘ પ્રદાન કરીને દિવસની શરૂઆત કરવી, આ ઋષિમુનિઓની દૈનિક ક્રિયા હતી. સૂર્યએ ગ્રહોના રાજા છે, પરમ પુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જમણી આંખ સૂર્ય છે. શ્રી કૃષ્ણ ભગવદ ગીતાના ૧૩માં અધ્યાયના ૨૩માં શ્લોકમાં કહે છે 

उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वर: ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुष: पर: ॥

હું જીવાત્માના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત છું અને જીવના કાર્યની દેખરેખ કરું છું.(BG.13.23) હૃદયથી પરમાત્માના અંશ દ્વારા સંપૂર્ણ ચેતનાનું વહન સંપૂર્ણ શરીરમાં થાય છે અને હૃદયનું કારકત્વ ગ્રહના રાજાધિરાજ સૂર્ય પાસે છે. જો સૂર્ય જન્મ કુંડળીમાં નબળો હોય તો હૃદય પણ નબળું હોય છે. આજે આપણે જન્મજાત હૃદય રોગ સાથે જન્મેલા બાળકની જન્મ કુંડળીની તથા કેવા યોગ હોય તો જન્મજાત હૃદય રોગ થાય છે તેની ચર્ચા કરીશું.

હૃદય રોગ માટે નીચે મુજબ ગ્રહ જવાબદાર છે

૧.મુખ્ય રૂપે સૂર્ય 
૨. ગૌણ રૂપે ચંદ્ર, મંગળ
૩.જન્મ કુંડળીમાં ચતુર્થ સ્થાન હૃદયનું હોય છે માટે ચતુર્થેશ(ચોથા સ્થાનનો માલિક)

ચંદ્ર અને મંગળ બંને માનવ શરીરના રુધિરાભિસરણ તંત્રનું નિયમન કરે છે, મંગળ ઉર્જાનો કારક ગ્રહ છે અને શરીરમાં કોઈ પણ પદાર્થના વહન માટે ચંદ્ર જવાબદાર છે. ચંદ્ર કાળ પુરુષની કુંડળીમાં ચોથા સ્થાનનો માલિક છે માટે ગૌણ રૂપે આ ગ્રહ હૃદય રોગ માટે કારણભૂત છે.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિ, રાહુ-કેતુ,  સૂર્યના શત્રુ ગ્રહ છે માટે સૂર્યને નબળો કરે છે માટે હૃદયને પણ અસર થાય છે. જન્મજાત હૃદય રોગ માટે કોઈ એક ગ્રહ પરિસ્થિતિ કારણભૂત નથી. એક કરતા વધારે ગ્રહ પરિસ્થિતિ જવાબદાર છે. આ પરિસ્થિતિ હું નીચે મુજબ વર્ણવું છું 

૧. સૂર્યની વિવિધ ગ્રહ પરિસ્થિતિ 

૧.સૂર્ય જન્મ કુંડળીમાં કે નવમાંશ કુંડળીમાં નીચ રાશિમાં હોય.
૨.સૂર્ય જન્મ કુંડળીના દુ:સ્થાન છઠ્ઠા, આઠમાં કે બારમા સ્થાનમાં હોય. 
૩. સૂર્યનો સંબંધ રોગેશ સાથે હોય.

૨. સૂર્ય અને ચંદ્ર નો ડિસ્પોઝીટર રોગેષ અથવા રોગ સ્થાનમાં હોય તો પણ જન્મજાત હૃદય રોગની સમસ્યા ઉત્પન્ન કરે છે.

જ્યોતિષ શાસ્ત્રનો નિયમ છે. રાજયોગ હોય, દુર્યોગ હોય કે કોઈ પણ પ્રકારનો દોષ હોય, જે ગ્રહથી આ યોગ બનતા હોય તેનું પરિણામ માત્ર તેની દશા, અંતર્દશા અને પ્રતિઅંતર્દશામાં મળે છે. ઉપરોક્ત નિયમ જે છે તે અનુસાર જન્મજાત હૃદય રોગથી પીડિત લોકોની કુંડળી ની ચર્ચા કરીએ. 

કુંડળી ૧ 

આ એક બાળકીની કુંડળી છે. જેને જન્મજાત હૃદયની દીવાલમાં કાણું અને હૃદયના વાલ્વમાં તકલીફ હતી. 

જન્મ તારીખ:- ૩૦-૧૦-૨૦૨૨ 
જન્મ સમય:- ૧૦:૦૦ વાગે સવારે 
જન્મ  સ્થાન:-  વડોદરા 
 
જન્મ કુંડળી વૃશ્ચિક લગ્ન અને ધન રાશિની બને છે. 
જન્મ કુંડળીમાં સૂર્ય, બુધ, કેતુ, શુક્રની યુતિ બારમા સ્થાનમાં છે. 
ચંદ્ર ધન રાશિમાં બીજા સ્થાનમાં છે, ગુરુ મીન રાશિમાં પાંચમા સ્થાનમાં છે. 
રાહુ મેષ રાશિ છઠ્ઠા સ્થાનમાં છે, મંગળ મિથુન રાશિ આઠમાં સ્થાનમાં છે અને શનિ મકર રાશિ ત્રીજા સ્થાનમાં છે. 

કારણ ૧ 

હૃદયનો કારક ગ્રહ સૂર્ય નીચ રાશિમાં બારમા ઘરમાં રાહુની દૃષ્ટિથી પીડિત અને બુધ-કેતુ-શુક્ર સાથે યુતિમાં છે. સૂર્યની દૃષ્ટિ રોગ સ્થાન પર છે.   
નીચ રાશિમાં સૂર્ય હોવાથી સૂર્ય નિર્બળ બને છે. સાથે સાથે રાહુ જેવા પાપ ગ્રહથી પીડિત છે અને સૂર્ય રાહુના નક્ષત્ર સ્વાતિમાં સ્થિત છે માટે હૃદય રોગ થવા માટે આ કારણ જવાબદાર છે. 

કારણ ૨ 

શરીરના રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલા બંને ગ્રહ ચંદ્ર અને મંગળ અનુક્રમે રાહુ-કેતુની દૃષ્ટિથી પીડિત છે અને બંનેનો સંબંધ આઠમા સ્થાનથી છે, આઠમું સ્થાન દીર્ઘકાલીન રોગ માટે કારણભૂત છે. 

કારણ ૩ 

નવમાંશ કુંડળી માં સૂર્ય બારમા ઘરમાં છે અને રાહુની દ્રષ્ટિથી પીડિત છે, સૂર્ય પોતાની સાતમી દ્રષ્ટિ થી રોગ સ્થાન સાથે સંબંધ બનાવે છે. દ્રેષકાણ (D3) માં સૂર્ય ચતુર્થેશ સાથે યુતિમાં છે એ રાહુ ની દ્રષ્ટિથી પીડિત છે. 

કારણ ૪ 

જન્મજાત આ રોગ થવાનું એક અદભુત કારણ એ છે કે બાળકનો જન્મ વિંશોત્તરી દશા પ્રમાણે શુક્ર-શુક્ર-શનિ-કેતુમાં થયો છે, શુક્ર-કેતુ બંને સૂર્ય સાથે યુતિમાં છે અને શનિ ચતુર્થેશ છે. હૃદયનું સ્થાન ચોથું હોય છે. એટલે  શનિ ચતુર્થેશ દશામાં હાજર હોવાથી ચોથા સ્થાનની ઘટના બને જ આ કારણોના લીધે જન્મજાત હૃદય રોગ આવ્યો. વળી, શનિની દસમી દૃષ્ટિ શુક્ર, કેતુ અને સૂર્ય પર પડી રહી છે.

કુંડળી ૨ 

આ એક બાળક ની કુંડળી છે આ બાળક ને જન્મજાત હૃદય રોગ છે.  PDA નામનો હૃદય રોગ છે
જન્મ તારીખ:- ૦૩-૧૧-૨૦૨૩ 
જન્મ સમય:- સાંજે ૭:૩૦ 
જન્મ સ્થાન:- સુરેન્દ્રનગર

PDA વિશે જાણકારી 

PDA નું પૂરું નામ Patent ductus arteriosus છે. બાળક જયારે ગર્ભમાં હોય છે ત્યારે મહાધમની અને ફુપ્ફુસિય ધમની સાથે સંકળાયેલી હોય છે અને રુધિરની આપ-લે કરે છે. જન્મ પછી બંને ધમની વચ્ચેનો દ્વાર બંધ થઇ જાય છે અને શુદ્ધ-અશુદ્ધ રુધિર એકબીજામાં ભળતું નથી, પરંતુ અમુક બાળકમાં આ દ્વાર બંધ થતું નથી અને શુદ્ધ-અશુદ્ધ રુધિર મિશ્ર થાય છે. આ રોગને મેડિકલ ભાષામાં PDA  કહેવાય છે. 

PDA  થવાની ગ્રહ પરિસ્થિતિ સમજીએ. 

કારણ ૧ ઃ સૂર્ય નીચ રાશિમાં રોગ સ્થાનમાં મંગલ-બુધ સાથે યુતિમાં છે. સૂર્ય આ કુંડળીમાં ચતુર્થેશ બને છે અને રાહુના નક્ષત્રમાં છે. સૂર્ય જે રાશિમાં છે તેનો ડિસ્પોઝીટર ગ્રહ શુક્ર પણ નીચ રાશિમાં છે. માટે સૂર્યને બળ ન મળતાં હૃદય નબળું પડશે  

કારણ ૨ ઃ નવમાંશ કુંડળી મેષ લગ્નની છે. બારમા સ્થાનમાં રાહુ-સૂર્યની યુતિ છે, સૂર્ય પોતાની સાતમી દૃષ્ટિથી રોગ સ્થાન સાથે સંબંધ બનાવે છે. દ્રેષકાણ (D3) માં સૂર્ય-શનિ-ચંદ્રની યુતિ રોગ સ્થાનમાં છે. અને શનિ રોગેષ બને છે. 

કારણ ૩ ઃ લગ્નેશ શુક્ર નીચ રાશિમાં રાહુથી પીડિત અને સૂર્ય પણ નીચ રાશિ માટે એક પ્રકારે બાલારીષ્ઠયોગ કહેવાય. આ યોગથી બાળકને બાલ્યકાળમાં શારિરીક કષ્ટ થાય છે. 

કારણ ૪ઃ બાળકનો જન્મ વિંશોત્તરી દશા પ્રમાણે ગુરુ-શુક્ર-સૂર્ય-શનિમાં થયો છે, ગુરુ આઠમા સ્થાનનો માલિક હોવાથી દીર્ઘકાલીન રોગ આપવા માટે કારણભૂત બનશે. સૂર્ય ચતુર્થેશ થઇ નીચ રાશિમાં એટલે હૃદય રોગની જન્મજાત ઘટના બનાવશે. કારણ કે જન્મ સમયની દશામાં હાજર છે.

આ સમાચાર શેર કરો