VIDEO: મહાભારતમાં 'પ્રેગ્નેન્ટ' થઈ ગયા હતા આ રાજા, દેવરાજ ઈન્દ્રએ કરી હતી પ્રસવમાં મદદ
મહાભારત સાથે જોડાયેલી એવી ઘણી કથાઓ છે, જેના વિશે લોકોને કાંતો ઓછી ખબર છે અથવ

મહાભારત સાથે જોડાયેલી એવી ઘણી કથાઓ છે, જેના વિશે લોકોને કાંતો ઓછી ખબર છે અથવા જાણકારી જ નથી. ઘણીવાર આવી વાર્તાઓ વિશે લોકો અંદરોઅંદર મૂંઝવણમાં પણ મુકાઈ જાય છે. આવી જ એક વાર્તા છે રાજા યુવનાશ્વની. જાણીતા લેખક દેવદત્ત પટનાયકે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વાર્તા શેર કરી છે. એક એવા રાજા, જેમણે પુરુષ હોવા છતાં ગર્ભધારણ કર્યો અને પછી પોતે જ બાળકને જન્મ પણ આપ્યો.
(Courtesy: devduttmyth)
સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટમાં દેવદત્ત રાજા યુવનાશ્વની વાર્તા સંભળાવે છે. તેઓ જણાવે છે કે, રામાયણમાં રાજા દશરથની જેમ જ મહાભારતમાં યુવનાશ્વને પણ ઉત્તરાધિકારી ન હોવાને કારણે ચિંતા હતી. આ જ કારણસર તેમણે પણ રાજા દશરથની જેમ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞ પછી તેમને પણ એક પવિત્ર દ્રવ્ય 'ચરુ' (પવિત્ર જળ/પ્રસાદ) આપવામાં આવ્યું હતું, જે તેમણે પોતાની પત્નીને પીવડાવવાનું હતું. પરંતુ સમયની રમત એવી થઈ કે તેઓ જંગલમાં ભટકી ગયા અને તરસને કારણે તેમણે પોતે જ એ પાણી પી લીધું. આ પછી જે થયું તે આધુનિક દ્રષ્ટિએ કલ્પના જેવું લાગે છે, પરંતુ યુવનાશ્વને ગર્ભ રહી ગયો.પટનાયકના જણાવ્યા અનુસાર, રાજાના શરીરમાં ગર્ભ સામાન્ય સ્થિતિમાં જ રહ્યો. જ્યારે પ્રસૂતિનો સમય નજીક આવ્યો ત્યારે રાજાને ચિંતા થઈ કે આ બધું કેવી રીતે થશે. ત્યારબાદ તેમણે દેવતાઓનું આહ્વાન કર્યું. મહાભારતની કથા મુજબ, કાંતો દેવરાજ ઈન્દ્રએ અથવા અશ્વિનીકુમારોએ રાજાના સાથળ ચીરીને તે બાળકનો જન્મ કરાવ્યો હતો. કથા અનુસાર તે બાળકનું નામ માંધાતા રાખવામાં આવ્યું હતું.
વાર્તા અહીં પૂરી થતી નથી. પટનાયકના કહેવા પ્રમાણે, જન્મ્યા પછી બાળક દૂધ માટે રડવા લાગ્યું, પરંતુ રાજા તેની ભૂખ સંતોષવા અસમર્થ હતા. આ પરિસ્થિતિમાં દેવરાજ ઈન્દ્ર આગળ આવ્યા અને સમજાવ્યું કે દેવતાઓની નસોમાં રક્ત નહીં, પરંતુ દૂધ પ્રવાહિત થાય છે. ત્યારબાદ ઈન્દ્રએ પોતાનો અંગૂઠો કાપ્યો અને બાળકને દૂધ પીવડાવ્યું. પટનાયક આ કથાના અંતે કહે છે કે કદાચ આ જ કારણ છે કે આજે પણ નાના બાળકો પોતાનો અંગૂઠો ચૂસે છે, જાણે તેમને દૂધની આશા હોય.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ
પટનાયકની આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો પૂર આવ્યો. એક યુઝરે લખ્યું, "શું ખરેખર આ શક્ય છે?" જ્યારે બીજા યુઝરે લખ્યું, "મહાભારતમાં એક પુરુષે ગર્ભધારણ કર્યો હતો." અન્ય એક યુઝરે લખ્યું કે પ્રાચીન ગ્રંથોમાં એવા વિચારો અસ્તિત્વમાં હતા, જેના પર આધુનિક સમાજ આજે પણ ચર્ચા કરે છે. લોકોએ આટલા પ્રગતિશીલ ધર્મની મજાક બનાવી રાખી છે. મહાભારતના નારદ પુરાણ અને વન પર્વમાં આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે.








