મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

દિવાળી પર ઘર રંગવાનું વિચારી રહ્યા છો? વાસ્તુ અનુસાર દિશા અને રૂમ પ્રમાણે પસંદ કરો શ્રેષ્ઠ કલર્સ

દિવાળી પર ઘર રંગવાનું વિચારી રહ્યા છો? વાસ્તુ અનુસાર દિશા અને રૂમ પ્રમાણે પસંદ કરો શ્રેષ્ઠ કલર્સ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દિવાળીના તહેવાર નિમિત્તે મોટાભાગના લોકો ઘરની સાફ-સફાઈ, રંગકામ અને સજાવટ કરતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં યોગ્ય રંગોની પસંદગી કરવાથી સકારાત્મક ઊર્જા, સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. જો તમે પણ આ તહેવારે ઘરને નવો લુક આપવાનું વિચારી રહ્યા હોવ, તો રૂમની સાઈઝ, લાઇટિંગ અને તમારી અંગત પસંદગીની સાથે વાસ્તુના નિયમોનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે.

દિશા અનુસાર દીવાલો માટે યોગ્ય રંગો

ઉત્તર દિશા (લીલો અને આછો વાદળી):

વાસ્તુમાં ઉત્તર દિશા કુબેર અને ધન-સંપત્તિ સાથે સંકળાયેલી છે. આ દિશાની દીવાલો માટે આછો લીલો અને આછો વાદળી રંગ ઉત્તમ માનવામાં આવે છે, જે ઘરને તાજગીભર્યો અને ખુલ્લો લુક આપે છે.

પૂર્વ દિશા (સફેદ અને આછો લીલો):

પૂર્વ દિશા સૂર્યોદય અને નવી શરૂઆતનું પ્રતીક છે. અહીં સફેદ, ક્રીમ અથવા આછા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. આ શેડ્સ કુદરતી પ્રકાશ સાથે ભળીને ઘરની દીવાલોને સોબર અને સ્વચ્છ લુક આપે છે, જેનાથી ઘરમાં સૂર્ય ઊર્જા જેવી સકારાત્મકતા જળવાઈ રહે છે.

દક્ષિણ દિશા (આછો ગુલાબી અને આછો પીળો):

વાસ્તુ મુજબ દક્ષિણ દિશા માટે ગુલાબી, આછો પીળો કે હળવો લાલ રંગ અનુકૂળ છે. જો ઘેરા રંગો પસંદ હોય, તો આખી દીવાલને બદલે માત્ર એક જ હાઈલાઈટ (એક્સેન્ટ) વૉલ પર તેનો ઉપયોગ કરવો. આછો ગુલાબી રંગ માનસિક તણાવ ઘટાડી મનને શાંત રાખવામાં અને ઊંઘ સુધારવામાં મદદ કરે છે.

પશ્ચિમ દિશા (સફેદ, ક્રીમ અને આછો પીળો):

પશ્ચિમ દિશા માટે ક્રીમ, સફેદ અથવા આછો પીળો રંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રંગો ફર્નિચર અને ડેકોરેશન સાથે સરળતાથી મેચ થઈ જાય છે.

ખાસ નોંધ: ઘરના અગ્નિ ખૂણામાં (દક્ષિણ-પૂર્વ દિશા) પીળા રંગનો ઉપયોગ ટાળવો. વાસ્તુ અનુસાર આ દિશામાં પીળો રંગ આરોગ્યની સમસ્યાઓ, પાચન સંબંધિત તકલીફો કે ઘરના મોભીના જીવનમાં અણધારી અડચણો લાવી શકે છે.

રૂમની ઉપયોગિતા મુજબ શ્રેષ્ઠ કલર કોમ્બિનેશન

લિવિંગ રૂમ (બેઠક ખંડ): પરિવારજનો અને મહેમાનો સાથે સમય વિતાવવા માટે લિવિંગ રૂમમાં ક્રીમ, બેજ અને આછો પીળો જેવા રંગો હૂંફાળું વાતાવરણ બનાવે છે. જો રૂમમાં પૂરતો કુદરતી પ્રકાશ આવતો હોય, તો આછો લીલો કે આછો ગ્રે કલર પણ ઉત્તમ પસંદગી છે.

બેડરૂમ (શયનખંડ): બેડરૂમ માટે આંખોને ટાઢક આપે તેવા આછો વાદળી, લવંડર, ક્રીમ અને આછો લીલો રંગ પસંદ કરવો. રૂમ નાનો હોય તો વધુ પડતા ભડકાઉ કે ડાર્ક રંગો વાપરવાથી બચવું, કારણ કે તે અશાંતિ અને માનસિક અકળામણ વધારી શકે છે.

રસોડું: રસોડાની સ્વચ્છતા અને તાજગી માટે આછો પીળો, સફેદ અને આછો લીલો રંગ સારો માનવામાં આવે છે. સફાઈમાં સરળ રહે તેવા વોશેબલ કલર્સ પસંદ કરવા વધુ હિતાવહ છે.

પૂજા રૂમ (મંદિર): પવિત્ર અને શાંત વાતાવરણ જાળવી રાખવા માટે પૂજા રૂમમાં સફેદ, આછો પીળો અને ક્રીમ જેવા સાત્વિક રંગોનો જ ઉપયોગ કરવો. નાના પૂજા રૂમમાં આછા રંગો જગ્યાને વિશાળ અને તેજસ્વી બનાવે છે.

બાળકોનો રૂમ: બાળકોના રૂમ માટે આછો લીલો, આકાશી વાદળી, પીચ કે ક્રીમ જેવા સંતુલિત શેડ્સ ઉત્તમ રહે છે. આ રંગો બાળકોના અભ્યાસ, રમતગમત અને ઊંઘ માટે અનુકૂળ અને ઉત્સાહવર્ધક વાતાવરણ પૂરું પાડે છે.

મુખ્ય પ્રવેશદ્વાર (મેઈન ગેટ): ઘરનો મુખ્ય દરવાજો પ્રવેશતી ઊર્જાનું કેન્દ્ર છે. અહીં ક્રીમ, આછો પીળો કે સફેદ કલર સુંદરતા વધારે છે. મુખ્ય દરવાજા પર કાળો કે ઘેરો ગ્રે કલર લગાવવાનું ટાળવું, કારણ કે તે નકારાત્મક ઊર્જાને આકર્ષી શકે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો