જાણો, નવરાત્રીમાં માની ઉપાસના અને ઘટ સ્થાપનનું શું છે મહત્વ: જેનાથી થશે નકારાત્મકતાનો નાશ!
આસો માસની નવરાત્રીનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી

આસો માસની નવરાત્રીનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થયો છે. આ વખતે નવરાત્રી 9 નહી પરંતુ 10 દીવસની રહેશે. જેને જ્યોતિશશાસ્ત્રીઓ પણ ખૂબ સારો યોગ માને છે, કારણ કે દેવીની આરાધના માટેનો સમય વધી જવાનો કારણે ભક્તો વધુ સમય સુધી પૂજા પાઠ કરી શકે છે. નવરાત્રી દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રીના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.
જાણો પૂજા, ઉપાસના અને ઘટ સ્થાપનનું મહત્ત્વ
જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રી, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રીઓમાંથી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રી દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.
અખંડ દીપ અને સકારાત્મક ઊર્જા
નવરાત્રી દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.
ઘટ ઉથાપન ક્યારે કરવું જોઈએ?
પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રી દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રી પછી ઘટનું ઉથાપન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.






