Paris Olympics 2024 / કોણ છે અંકિતા ભકત? ઓલિમ્પિકમાં કરી જોરદાર શરૂઆત, જાણો તેની સંઘર્ષની કહાણી
પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. આ પહેલા તીરંદાજીના ક્વોલિફાઈંગ

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઈએ ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી. આ પહેલા તીરંદાજીના ક્વોલિફાઈંગ રાઉન્ડ એક દિવસ પહેલા શરૂ થઈ ગયા હતા. મહિલા તીરંદાજી રેન્કિંગ રાઉન્ડ ગુરૂવારે સમાપ્ત થયો હતો, જેમાં ભારતની ત્રણ તીરંદાજ દીપિકા કુમારી, અંકિતા ભકત અને ભજન કૌર મેદાનમાં ઉતરી હતી. અંકિતા તેના સિઝનના બેસ્ટ સ્કોર 666 સાથે 11મા સ્થાને રહી, જ્યારે ભજન 659ના સ્કોર સાથે 22મા અને દીપિકા 658ના સ્કોર સાથે 23મા સ્થાને રહી હતી.
પશ્ચિમ બંગાળની રહેવાસી અંકિતા ભકતે પોતાની મહેનતના બળે આ સ્થાન હાંસલ કર્યું છે. તે તીરંદાજીમાં ભારત માટે મેડલ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. આજે અમે તમને અંકિતાના સંઘર્ષની કહાની જણાવીશું.
કોણ છે અંકિતા ભકત?
માત્ર 10 વર્ષની ઉંમરે અંકિતાએ તીરંદાજીમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું. તેણે કોલકાતાના સર્કસ ગ્રાઉન્ડમાં સ્થાનિક તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેના પિતા દૂધ વેચવાનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. આ બધું હોવા છતાં અંકિતાએ ક્યારેય હાર ન માની અને સંઘર્ષ કર્યો. તેણે સ્થાનિક ક્લબમાં ઉધાર લીધેલા સાધનો સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને તીરંદાજી શીખી. તેની મહેનત રંગ લાવી અને 2014માં તેને ટાટા આર્ચરી એકેડમીમાં સ્થાન મળ્યું. તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, અંકિતાએ કોચ ધર્મેન્દ્ર તિવારી, પૂર્ણિમા મહતો અને રામ અવધેશના માર્ગદર્શન હેઠળ તીરંદાજીની કળા શીખી હતી.
વર્ષ 2015માં, અંકિતાએ વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને નથી જોયું. આ વર્ષે અંકિતાએ સિઓલ ઈન્ટરનેશનલ યુથ આર્ચરી ફેસ્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 2017માં તેણે એશિયા કપ અને ઈન્ડિયન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી હતી.
અંકિતાએ 2022માં પોતાની કારકિર્દીનો પહેલો ગોલ્ડ જીત્યો હતો. તેણીએ JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ખેલો ઈન્ડિયા મહિલા રાષ્ટ્રીય રેન્કિંગ તીરંદાજી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંકિતા 2017ની અંડર-21 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિક્સ ટીમમાં (જેમ્સન સિંઘ નિંગથૌજમ સાથે) ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. તે હાંગઝોઉ 2022 એશિયન ગેમ્સમાં ટીમ રિકર્વ બ્રોન્ઝ મેડલિસ્ટ (ભજન કૌર અને સિમરનજીત કૌર સાથે) અને ત્રણ વખત (2021માં સિલ્વર, 2019 અને 2023માં બ્રોન્ઝ) ની એશિયન ચેમ્પિયનશિપ ટીમ મેડલ વિજેતા છે. હવે તે પેરિસ ઓલિમ્પિકમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે.








