મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

'હું હારી ગઈ...', ઓલમ્પિકમાં ડિસક્વોલિફાય થયા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે (8 ઓગસ્ટ) કુસ્તીમાં

'હું હારી ગઈ...', ઓલમ્પિકમાં ડિસક્વોલિફાય થયા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે (8 ઓગસ્ટ) કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે કહ્યું કે, દેશનું સ્વપ્ન અને તેની હિંમત તૂટી ગઈ છે. તેની પાસે હવે બહુ તાકાત નથી. પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટ ખૂબ જ નારાજ હતી. બુધવાર (7 ઓગસ્ટ)ના રોજ ફાઇનલ મેચમાંથી વધુ વજનના કારણે તેને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી.

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મા કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું તમારા બધાની ઋણી રહીશ. માફ કરજો.’ સુવર્ણચંદ્રક માટેની સ્પર્ધાના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. ભારતીય મહિલા રેસલરનું વજન 100 ગ્રામ વધુ હતું.

ફાઇનલમાં પહોંચીને રચ્યો હતો ઇતિહાસ

29 વર્ષની મહિલા કુસ્તીબાજે જ્યારે સેમિફાઇનલ મેચમાં ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. આ રીતે, તેને 50 કિગ્રા કુસ્તી વર્ગમાં સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. આખા દેશને વિશ્વાસ હતો કે, ઓછામાં ઓછું એક મેડલ નિશ્ચિત છે.

વિનેશ ફોગાટને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી

વિનેશે મંગળવારે (6 ઓગસ્ટ) ત્રણ મુશ્કેલ મેચોમાં ભાગ લીધો હતો, જેના કારણે તેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું. આ પછી પણ, તેણે માત્ર થોડું પાણી પીધું, તેના વાળ કપાવ્યા અને કસરત કરી, જેથી તેનું વજન નિર્ધારિત વજન મર્યાદા કરતાં વધી ન જાય. જોકે, બુધવારે મળેલી નિરાશાએ તેને તોડી નાખી હતી. આ પછી, શરીરમાં પાણીની ઉણપને કારણે, વિનેશ ફોગાટને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી.

UWW નિયમ શું કહે છે?

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય કર્યા બાદ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમોની પણ ચર્ચા થવા લાગી. નિયમો અનુસાર, કુસ્તીબાજને વજનના સમયગાળા દરમિયાન ઘણી વખત પોતાનું વજન કરવાનો અધિકાર આપવામાં આવે છે. જો કોઈ ખેલાડી પ્રથમ અને બીજા વજન દરમિયાન હાજર ન હોય અથવા ડિસક્વોલિફાય થાય તો તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે. આ રીતે તે છેલ્લા સ્થાને રહે છે અને તેને કોઈ પદ મળતું નથી.

આ સમાચાર શેર કરો