વિનેશ ફોગાટની ઓલમ્પિકમાં અયોગ્ય જાહેર થતા તબિયત બગડી, હૉસ્પિટલમાં દાખલ કરાઇ
પેરિસ ઓલમ્પિકમાં ભારત અને રેસલર વિનેશ ફોગાટ માટે દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર

પેરિસ ઓલમ્પિકમાં ભારત અને રેસલર વિનેશ ફોગાટ માટે દિલ તોડનારા સમાચાર સામે આવ્યા છે. વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 100 ગ્રામ વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને ડિસક્વોલિફાય જાહેર કરવામાં આવી છે. વિનેશે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઓછુ કર્યું હતું. પહેલા તે 53 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેતી હતી.
અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ વિનેશ ફોગાટની તબિયત બગડી છે. વિનેશ ફોગાટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.વિનેશ ફોગાટ બેભાન થઇ ગઇ હતી. ડીહાઇડ્રેશનને કારણે તેને પેરિસમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશને નિવેદનમાં કહ્યું, ભારતીય દળને વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી ડિસક્વોલિફાય કરવાના સમાચાર શેર કરવા બદલ દુ:ખ છે. ટીમે આખી રાત ભારે મહેનત કરી હતી. આજે સવારે વિનેશ ફોગાટનું વજન 50 કિલોગ્રામ કરતાં થોડું વધારે હતું. ટીમ આ સમયે વધુ કોઇ ટિપ્પણી નહીં કરે. ભારતીય ટીમ વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે આગળની ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે."
ફાઇનલમાં અમેરિકાની પહેલવાન સામે હતો મુકાબલો
ફાઇનલમાં વિનેશ ફોગાટનો અમેરિકાની સારા એન હિલ્ડબ્રાંડ સામે મુકાબલો થવાનો હતો. અમેરિકાની આ પહેલવાને ટોક્યો ઓલમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીતી ચુકી છે. આ મુકાબલો મોડી રાત્રે 12.30 વાગ્યે રમાવાનો હતો.
માતાને ગોલ્ડ જીતવાનો કર્યો હતો દાવો
ફાઇનલ માટે ક્વોલિફાય કર્યા બાદ વિનેશ ફોગાટે પોતાની માતાને વીડિયો કોલ પર વાત કરી હતી.વિનેશે ફોગાટે પોતાની માતા અને પરિવારજનો સાથે વાત કરતા ગોલ્ડ મેડલ જીતવાનો દાવો કર્યો હતો. જોકે, હવે તે આ મુકાબલામાંથી બહાર થઇ ગઇ છે.
વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી
વિનેશ ફોગાટ ઓલમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બન્યા પહેલા જ ઇતિહાસ રચ્યો હતો. વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું છે.ફાઇનલમાં વિનેશ ફોગાટનો મુકાબલો અમેરિકાની એન સારા હિલ્ડેબ્રાંટ સામે હતો. વિનેશે મહિલા કુશ્તીના 50 કિલોગ્રામ વર્ગમાં સુસાકીને હરાવીને મોટો ઉલટફેર કર્યા બાદ યૂક્રેનની ઓક્સાના લિવાચને પછાડીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં વિનેશ ફોગાટે ક્યૂબાની રેસલર યુસનેઇલિસ ગુજમૈનને 5-0થી હરાવ્યું હતું.
વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ
1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડ મેડલ
2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ
3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ
4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ
5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ - સિલ્વર મેડલ
6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ
7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન - બ્રોન્ઝ મેડલ
8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ
9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ
10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ
11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ








