ઓલિમ્પિક ઈતિહાસની સૌથી રોમાંચક 100 મીટર રેસ, 0.005 સેકન્ડના માર્જિનથી કરવામાં આવ્યો વિજેતાનો નિર્ણય
અમેરિકાના નોઆ લાઈલ્સે ઈતિહાસ રચ્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ

અમેરિકાના નોઆ લાઈલ્સે ઈતિહાસ રચ્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે વિશ્વના સૌથી ઝડપી દોડવીરનો ખિતાબ જીતી લીધો છે. પેરિસમાં સ્ટેડ ડી ફ્રાન્સમાં 100 મીટર રેસની ફાઈનલ ખૂબ જ રોમાંચક રહી હતી. જમૈકાના કિશાને થોમ્પસનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે અમેરિકાના ફ્રેડ કેર્લીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ખૂબ જ રોમાંચક હતી રેસ
આ રેસ ખૂબ જ રોમાંચક હતી. નોઆ લાઈલ્સે 9.784 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આ તેનો અંગત સર્વશ્રેષ્ઠ પણ છે. જ્યારે થોમ્પસન 9.789 સેકન્ડ સાથે બીજા ક્રમે રહ્યો હતો. બંને દોડવીરો વચ્ચે માત્ર 0.005 સેકન્ડનો તફાવત હતો, જેના કારણે આ મેચ ઓલિમ્પિક ઈતિહાસની સૌથી રોમાંચક મેચોમાંની એક બની ગઈ હતી. 23 વર્ષીય થોમ્પસન હાલમાં વિશ્વના સૌથી ઝડપી રેસર્સમાંથી એક છે.
મેન્સ 100 મીટર રેસનું અંતિમ પરિણામ
- ગોલ્ડ: નોહ લાઈલ્સ (યુએસએ) - 9.784 સેકન્ડ
- સિલ્વર: કિશાને થોમ્પસન (જમૈકા) - 9.789 સેકન્ડ
- બ્રોન્ઝ: ફ્રેડ કેર્લી (યુએસએ) - 9.810 સેકન્ડ
ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા ઇટાલીના જેકબ્સ માર્સેલ પાંચમા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો અકાને સિમ્બાઈન રિયો અને ટોક્યો બંનેમાં મેડલ જીતવાથી મામુલી અંતરથી ચુકી ગયો હતો. તેણે પેરિસમાં ફરી એકવાર ચોથું સ્થાન મેળવ્યું છે.
20 વર્ષ બાદ અમેરિકાના એથ્લેટે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો
2004માં જસ્ટિન ગેટલિન પછી 100 મીટરમાં યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ દોડવીર બનીને નોઆ લાઈલ્સે ઈતિહાસ રચ્યો હતો. 27 વર્ષીય લાઈલ્સે ધીમી શરૂઆત છતાં શાનદાર વાપસી કરીને આ સિદ્ધિ મેળવી હતી. જીત બાદ લાઈલ્સે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, "હું આ જ ઈચ્છતો હતો. તે એક અઘરી લડાઈ હતી, તેમાં અદ્ભુત વિરોધીઓ હતા. દરેક વ્યક્તિ લડાઈ માટે તૈયાર હતા અને હું સાબિત કરવા માંગતો હતો કે હું તે બધામાં શ્રેષ્ઠ છું."
લાઈલ્સ હવે પેરિસ ગેમ્સમાં મેન્સ 200 મીટરની રેસમાં ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર છે. આ મેચ પણ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. લાઈલ્સે ગત વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યુસૈન બોલ્ટનો 19.19 સેકન્ડનો 200 મીટરનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે યુસૈન બોલ્ટને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, પરંતુ તે ટાર્ગેટથી ઓછો પડી ગયો હતો. તેણે બુડાપેસ્ટમાં 19.52 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.








