Olympic 2024 / દેશનો સૌથી ફેવરિટ એથ્લેટ કેવી રીતે બન્યો નીરજ ચોપરા? આ છે તેના કરિયરના 8 બેસ્ટ થ્રો
પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા સમાચારમાં છે. સતત બે ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને એક સિલ્વર સાથ

પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા સમાચારમાં છે. સતત બે ઓલિમ્પિકમાં એક ગોલ્ડ અને એક સિલ્વર સાથે તે ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય છે. 1900માં એથ્લેટિક્સમાં બે સિલ્વર મેડલ જીતનાર નોર્મન પ્રિચાર્ડ બ્રિટિશ મૂળના હતા. સ્પર્ધાની શરૂઆત પહેલા પણ તેની પાસેથી સમાન પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી અને તે દરેકની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે. અત્યારે નીરજ ચોપરા દેશના સૌથી ફેવરિટ એથ્લેટ્સમાંથી એક છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટેઉત્સુક હતા. નીરજે પણ તેમને નિરાશ ન કર્યા. ભલે ગોલ્ડ નહીં, પણ સિલ્વર મેડલ જીતીને તેણે પોતાની કીટીમાં વધુ એક મોટો મેડલ ઉમેર્યો. ચાલો જાણીએ કે તે દેશનો સૌથી પ્રિય એથ્લેટ કેવી રીતે બન્યો.
એક સામાન્ય પરિવારમાં જન્મેલા નીરજે માત્ર ફિટનેસ માટે જેવલિન થ્રો શરૂ કર્યું. તેનું પ્રદર્શન સારું હતું, તેથી તેને આ કારકિર્દી પસંદ કરવાની સલાહ આપવામાં આવી હતી. નીરજે પણ એવું જ કર્યું અને જેવલિન થ્રોની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. નીરજે નાની ઉંમરે જ બતાવી દીધું હતું કે તે ભવિષ્યમાં કમાલ કરવા જઈ રહ્યો છે.
તેણે તેની શરૂઆત 2016 સાઉથ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને કરી હતી. 2017માં, તેણે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને 2018માં, તેણે એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આટલા સમયમાં નીરજ સ્પોર્ટ્સ જગતમાં ફેમસ થઈ ગયો હતો, પરંતુ સામાન્ય લોકો હજુ પણ તેને ઓળખતા ન હતા. કારણ કે જેવલિન થ્રોનો દેશની લોકપ્રિય રમતમાં સમાવેશ થતો ન હતો. નીરજે 2020 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પછી દરેક વ્યક્તિ તેને ઓળખવા લાગ્યા અને તે દેશના સૌથી ફેવરિટ એથ્લેટ્સમાંથી એક બની ગયો. જો કે, તે અહીં અટક્યો ન હતો. તેણે ડાયમંડ લીગમાં ગોલ્ડ અને 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે અને તેની લોકપ્રિયતા વધી ગઈ છે. નીરજનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 89.94 મીટર છે અને તેનું આગામી લક્ષ્ય 90 મીટરના આંકને પાર કરવાનું છે.
નીરજ ચોપરાના બેસ્ટ થ્રો
સ્ટોકહોમ ડાયમંડ લીગ, 2022
નીરજ ચોપરાએ સ્વીડનમાં ડાયમંડ લીગ 2022માં 89.94 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ થ્રો સાથે, તેણે ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં સેટ કરેલા 89.30 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શનને વધુ સારું બનાવ્યું હતું.
પેરિસ ઓલિમ્પિક ફાઈનલ, 2024
પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં નીરજનો 89.45 મીટરનો થ્રો તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જોકે, આ પછી તે એક પણ માન્ય થ્રો કરી શક્યો નહોતો.
દોહા ડાયમંડ લીગ, 2023
નીરજના 88.67ના થ્રોથી તેને 2023માં દોહા ડાયમંડ લીગમાં ફરીથી ગોલ્ડ મેડલ મળ્યો હતો. નીરજે પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2022
નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય એથ્લેટ બનીને ઈતિહાસ રચ્યો હતો. તેણે 88.13 મીટરના થ્રો સાથે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
એશિયન ગેમ્સ, 2018
નીરજે 2018માં એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 88.06 મીટરનો થ્રો કરીને ઈતિહાસ રચ્યો હતો.
લોઝેન ડાયમંડ લીગ, 2023
લોઝેન ડાયમંડ લીગ 2023માં નીરજે 87.66 મીટરના થ્રો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેણે પાંચમા પ્રયાસમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. તેના ગોલ્ડન આર્મનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો હતો.
ટોક્યો ઓલિમ્પિક્સ, 2020
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નીરજ રાતોરાત પ્રખ્યાત થઈ ગયો હતો. તેના બીજા થ્રોમાં તેણે 87.58 મીટરનો થ્રો કર્યો અને ભારતને ઓલિમ્પિકની ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2023
નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં 88.17 મીટરનો થ્રો કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. આ સ્પર્ધા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. તે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.








