મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીત્યા છ મેડલ, ઓલિમ્પિક ઇતિહાસમાં બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ

ભારતનું મિશન પેરિસ ઓલિમ્પિક આખરે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ એમ કૂલ મળીને છ મેડલ સાથે સંપન્ન થયું છે. ગત ઓલિમ્પિકનો ગોલ

પેરિસ ઓલિમ્પિકમાં ભારતે જીત્યા છ મેડલ, ઓલિમ્પિક ઇતિહાસમાં બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ દેખાવ

ભારતનું મિશન પેરિસ ઓલિમ્પિક આખરે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ એમ કૂલ મળીને છ મેડલ સાથે સંપન્ન થયું છે. ગત ઓલિમ્પિકનો ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરા ભાલા ફેકની સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન તરીકે ઉતર્યો હતો અને તેને સિલ્વર મેડલ જીત્યો હતો. જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો સર્વોચ્ચ મેડલ બની રહ્યો હતો. નીરજ ઓલિમ્પિકના વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર જીતનારો ભારતના રમત ઇતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે.   ભારતને મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. મનુ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌ પ્રથમ ભારતીય ખેલાડી હતી. 

ભારતે ઓલિમ્પિકના ઇતિહાસમાં જીત્યા છે 41 મેડલ

 જોકે, છેલ્લી પાંચ ઓલિમ્પિકમાં આ ત્રીજી વખત છે કે, ભારત ઓલિમ્પિકમાં એક પણ ગોલ્ડ મેડલ જીતી શક્યું નહતું. ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતના 10 ગોલ્ડ, 10 સિલ્વર અને 21 બ્રોન્ઝ એમ કૂલ 41 મેડલ છે.  એક ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાની રીતે ભારતે તેના ઓલિમ્પિક ઇતિહાસમાં બીજા ક્રમનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ભારતે છેલ્લે 2020 ટોકિયો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા જ્યારે 2012ના લંડન ઓલિમ્પિકમાં ભારતના છ મેડલ હતા. 2024ના ઓલિમ્પિકમાં પણ ભારતના છ મેડલ છે.  

હોકીમાં 52 વર્ષ બાદ સતત બીજો બ્રોન્ઝ  

ઓલિમ્પિક હોકીના ઇતિહાસમાં 52 વર્ષ બાદ ભારતની મેન્સ હોકી ટીમે સતત બે ગેમ્સમાં બ્રોન્ઝ જીતવાની સિદ્ધિ મેળવી હતી. છેલ્લે ભારત 1968 અને 1972ના ઓલિમ્પિકમાં સતત બે બ્રોન્ઝ જીત્યું હતું. જે પછી 2020 અને 2024 એમ બે ઓલિમ્પિકમાં ભારતીય મેન્સ હોકી ટીમને બ્રોન્ઝ મળ્યા હતા.  

શૂટિંગમાં પહેલીવાર એક ગેમ્સમાં ત્રણ મેડલ

  શૂટિંગમાં ભારતને પ્રથમ વાર એક જ ગેમ્સમાં ત્રણ મેડલ મળ્યા હતા. છેલ્લે 2012ના ઓલિમ્પિકમાં ભારતે શૂટિંગમાં એક સિલ્વર મેડેલ અને બ્રોન્ઝ જીત્યો હતો. શૂટિંગમાં મનુ ભાકરે બેવૃડા બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેણે વ્યક્તિગતની સાથે સરબજોત સાથે મિક્સની ટીમ ઇવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની સાથે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કુસ્તીમાં સતત પાંચમા ઓલિમ્પિકમાં મેડલ  

કુસ્તીમાં ભારતને આ સતત પાંચમા ઓલિમ્પિકમાં મેડલ મળ્યો હતો. અમન સેહરાવતે મેન્સ ફ્રિસ્ટાઇલ કુસ્તીમાં 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે અગાઉ 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં રવિ દહિયાએ સિલ્વર અને બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  ભારતના 117 ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં લીધો હતો ભાગ  

ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કૂલ 117 ખેલાડીઓને ભાગ લેવા માટે મોકલ્યા હતા. જેમાં રિઝર્વ ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પેરિસ ગેમ્સમાં તો કૂલ મળીને 32 રમતના 329 ગોલ્ડ મેડલના વિજેતા નક્કી થયા હતા જ્યારે ભારતે 16 રમતોની 69 ગેમ્સમાં ભાગ લીધો હતો અને ચાર રમતોની છ ગેમ્સમાં મેડલ જીત્યા હતા.  

છેલ્લી પાંચ ઓલિમ્પિકમાં ભારતનો દેખાવ

ઓલિમ્પિક   કૂલ ખેલાડી ગોલ્ડ  સિલ્વર  બ્રોન્ઝ  ટોટલ
બેઇજિંગ-2008 56 1 0 2 3
લંડન-2012 83 0 2 4 6
રિયો- 2016 117 0 1 1 2
ટોકિયો-2020 124 1 2 4 7
પેરિસ-2024 117 0 1 5 6

આ સમાચાર શેર કરો