Paris Olympic / 'મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે', ઓલિમ્પિક ફાઈનલ પહેલા નીરજ ચોપરાનું નિવેદન
વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ મંગળવારે સ્ટેડ ડી ફ્રાન્સમાં પેરિસ ઓલિમ્પિકમાં 8

વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ મંગળવારે સ્ટેડ ડી ફ્રાન્સમાં પેરિસ ઓલિમ્પિકમાં 89.34 મીટરના થ્રો સાથે મેન્સ જેવલિન થ્રોના ક્વોલિફિકેશનમાં ટોચ પર રહીને કહ્યું કે, તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ફાઈનલ માટે બચાવી રાખ્યું છે.
નીરજે તેના ટાઈટલને ડીફેન્ડ કરવાની શરૂઆતના પ્રથમ પ્રયાસમાં જ બંને ગ્રુપમાં બેસ્ટ થ્રો ઓફ ક્વોલિફિકેશન હાંસલ કર્યો હતો. તેણે ટોક્યો 2020 ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો અને ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટમાં વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.
ફાઈનલની તૈયારી પર ધ્યાન આપવું જોઈએ: નીરજ
ક્વોલિફિકેશન રાઉન્ડ પૂરો થયા બાદ નીરજે કહ્યું, “આ માત્ર એક ક્વોલિફિકેશન રાઉન્ડ છે. ફાઈનલમાં માનસિકતા અને પરિસ્થિતિ અલગ હોય છે. સારી શરૂઆત બાદ મારે ફાઈનલની તૈયારી પર ધ્યાન આપવું જોઈએ."
26 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, 84 મીટરના સીધા ક્વોલિફિકેશન માર્ક સાથે ક્વોલિફાય કરનાર તમામ થ્રોઅર વચ્ચે ફાઇનલમાં સખત સ્પર્ધા થશે. જોકે, તેણે ભારપૂર્વક કહ્યું હતું કે તેણે મેડલ સ્પર્ધા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ બચાવી રાખ્યું છે. વિશ્વ અને એશિયન ચેમ્પિયન નીરજ ગુરુવારે (8 ઓગસ્ટ) ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બનવાનું લક્ષ્ય રાખશે.
નીરજે કહ્યું, “હું ફાઈનલ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બચાવી રહ્યો છું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું ફાઈનલ માટે તૈયાર છું. હું અહીં પ્રેક્ટિસમાં સારો દેખાવ ન હતો કરી રહ્યો પરંતુ જ્યારે ક્વોલિફિકેશન શરૂ થયું ત્યારે હું પ્રથમ થ્રોમાં ક્વોલિફાય થવાનું લક્ષ્ય રાખતો હતો. મારી ફિટનેસ હવે સારી છે અને પહેલા પ્રયાસ પહેલા મેં સારી રીતે વોર્મઅપ કર્યું હતું.”
બંને ગ્રુપમાંથી 8 એથ્લેટે ડાયરેક્ટ ક્વોલીફાય કર્યું
નીરજ સિવાય બંને ગ્રુપમાંથી 8 એથ્લેટ સીધા ક્વોલિફિકેશન માર્કસ સાથે ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા, જેમાં ભારતનો નીરજા ચોપરા (89.34m), ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ (88.63m), જર્મનીનો જુલિયન વેબર (87.76m), પાકિસ્તાનનો અરશદ નદીમ (86.59m) અને કેન્યાનો જુલિયસ યેગો (85.97) ટોપ 5 પર હતા.
પોતાની માનસિકતા વિશે વાત કરતા નીરજે કહ્યું કે, તે પ્રથમ થ્રોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે. તેણે કહ્યું, “હું પ્રથમ થ્રોથી સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું પરંતુ દરેક વખતે એવું નથી થતું. જો હું પ્રથમ થ્રોમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હોવ, તો હું દરેક થ્રોમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું."
જ્યારે તેને વર્ષની શરૂઆતમાં એડક્ટરની ઈજા વિશે પૂછવામાં આવ્યું ત્યારે નીરજે કહ્યું, "હું સારું અનુભવું છું અને થ્રો પહેલા યોગ્ય વોર્મઅપ સાથે તમામ સાવચેતી લઉં છું."
ભારતનો કિશોર કુમાર જેના, જે ગ્રુપ Aમાં હતો, તેના પ્રથમ પ્રયાસમાં 80.73 મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યા બાદ ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્રીજા પ્રયાસમાં 80.21 મીટર ફેંકતા પહેલા તેનો બીજો થ્રો ફાઉલ હતો.








