'હું અત્યારે ઠીક નથી' મેડલની હેટ્રિક ચુકી જતા ઈમોશનલ થઈ મનુ ભાકર, ફાઈનલ બાદ કહી આ વાત
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચુકી ગઈ હતી. તે વિમેન્

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચુકી ગઈ હતી. તે વિમેન્સ 25 મીટર પિસ્તોલ ફાઈનલમાં ચોથા સ્થાને રહી હતી. 22 વર્ષની મનુએ અગાઉ વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે સરબજોત સિંહ સાથે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પ્રવેશ કર્યો હતો. મેડલની હેટ્રિકથી વંચિત રહી જતાં મનુ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણેફાઈનલ બાદ કહ્યું કે, તે નર્વસ થઈ ગઈ હતી.
મનુ ફાઈનલમાં નર્વસ હતી
મનુએ સ્વીકાર્યું કે ફાઈનલ દરમિયાન તે થોડી 'નર્વસ' અનુભવી રહી હતી. તેણીએ કહ્યું, "હું તેના વિશે ખરેખર નર્વસ હતી, પછી હું શાંત રહેવાનો અને મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે પૂરતું ન હતું." આઠ શૂટરની ફાઈનલમાં 28ના સ્કોર સાથે ફિનિશ કરતા મનુ નિરાશ થઈ ગઈ હતી. તેને હંગેરીની બ્રોન્ઝ મેડલ વિજેતા વેરોનિકા મેજર સામે હાર મળી હતી.
'મારા માટે ઓલિમ્પિક ખૂબ સારું હતું'
મનુએ કહ્યું, “મારા માટે ઓલિમ્પિક ખૂબ સારું હતું. હું પહેલેથી જ આગામી ઓલિમ્પિક તરફ જોઈ રહી છું. હું ખુશ છું કે મને બે મેડલ મળ્યા છે. પરંતુ હું અત્યારે ઠીક નથી. ચોથું સ્થાન બહુ સારું સ્થાન નથી.'' મનુએ દાવો કર્યો કે તે પોતાની જાતને બધાથી સંપૂર્ણપણે અલગ કરી ચૂકી છે અને તેની આસપાસના લોકો પર ધ્યાન ન હતી આપતી. તમને જણાવી દઈએ કે લોકોને મનુ પાસેથી હેટ્રિક મેડલની આશા હતી. ઓલિમ્પિક દરમિયાન આ વિશે ચર્ચા થઈ હતી.
'આ વખતે હું સારું પ્રદર્શન ન કરી શકી': મનુ
મનુએ કહ્યું, "સાચું કહું તો, હું સોશિયલ મીડિયાથી દૂર રહી છું અને મેં મારો ફોન ચેક નથી કર્યો, તેથી મને ખબર નથી કે શું થઈ રહ્યું છે. હું જાણું છું કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી. હું મોટાભાગની ઈવેન્ટ્સમાં સારું પરફોર્મન્સ આપી શકી છું. આ વખતે હું સારું પ્રદર્શન ન કરી શકી. મારી મેચ પૂરી થતાની સાથે જ મેં આગામી સમય વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું." મનુએ અત્યારથી 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક પર પોતાની નજર રાખી છે.
ફાઈનલમાં મનુનું પ્રદર્શન કેવું રહ્યું?
પાંચ-પાંચ શોટની 10 સિરીઝની ફાઈનલમાં, મનુ પ્રથમ આઠ શ્રેણી પછી 28 પોઈન્ટ સાથે હંગેરીની વેરોનિકા મેજર સાથે સંયુક્ત ત્રીજા સ્થાને હતી. આ પછી મનુ શૂટ-ઓફમાં પાંચમાંથી માત્ર ત્રણ જ શોટ જ લગાવી શકી. દરમિયાન વેરોનિકા મેજરે ચાર સચોટ શોટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.








