Olympic 2024 / હોકીના સેમીફાઈનલમાં આ ટીમનો સામનો કરશે ભારત, જાણો કેવો છે હેડ ટુ હેડ રેકોર્ડ
ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર રીતે ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું છે. આ સાથે હોકી ટીમે સેમી

ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં શાનદાર રીતે ગ્રેટ બ્રિટનને 4-2થી હરાવ્યું છે. આ સાથે હોકી ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગ્રેટ બ્રિટન સામે પીઆર શ્રીજેશ સૌથી મોટો હીરો સાબિત થયો. તે બ્રિટન અને ગોલ પોસ્ટ વચ્ચે સૌથી મોટો અવરોધ બની ગયો હતો. તેણે મહત્ત્વના પ્રસંગો પર ગોલ બચાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત તરફ દોરી ગયો. મેચની 60 મિનિટ પૂરી થયા બાદ ક્વાર્ટર ફાઈનલમાં બંને ટીમો બરાબરી પર હતી. પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ટીમે બ્રિટિશ ટીમને પછાડીને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો જર્મની સાથે થશે
ભારતીય ટીમ 6 ઓગસ્ટે સેમીફાઈનલમાં જર્મની સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યાથી રમાશે. ગત ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ જર્મનીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે હોકીના દિગ્ગજ ખેલાડીઓને સેમીફાઈનલમાં જર્મની તરફથી પડકાર મળશે. જર્મનીએ ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાને 3-2થી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હોકીમાં ભારત અને જર્મની વચ્ચે 106 મેચ રમાઈ છે, જેમાંથી ભારત 26 અને જર્મની 53 મેચમાં જીત્યું છે. 27 મેચ ડ્રો રહી છે.
બીજી સેમીફાઈનલ નેધરલેન્ડ અને સ્પેન વચ્ચે રમાશે. સ્પેને ક્વાર્ટર ફાઈનલમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા બેલ્જિયમને 3-2થી હરાવ્યું છે. સ્પેને છેલ્લી પાંચ મિનિટમાં બે ગોલ કર્યા અને બેલ્જિયમને હરાવ્યું. બીજી તરફ નેધરલેન્ડની ટીમે ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. નેધરલેન્ડે આ મેચ 2-0થી જીતી લીધી હતી.
ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં કુલ 8 ગોલ્ડ જીત્યા છે
ભારતીય હોકી ટીમના અમિત રોહિદાસને ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ કારણોસર ભારતને 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું. કેપ્ટન હરમનપ્રીત સિંહે બ્રિટન સામે પહેલો ગોલ કર્યો હતો. આ પછી બ્રિટનના લી મોર્ટને ગોલ કરીને સ્કોર બરાબરી કરી લીધો હતો. 10 ખેલાડીઓ સાથે, ભારતે અદ્ભુત બચાવ કર્યો અને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય હોકી ટીમ એવી ટીમ છે જેણે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે. ટીમે 8 ગોલ્ડ મેડલ જીત્યા છે.
હોકી સેમીફાઈનલ શેડ્યૂલ
- નેધરલેન્ડ vs સ્પેન - 6 ઓગસ્ટ સાંજે 5:30 કલાકે.
- જર્મની vs ભારત - 6 ઓગસ્ટ રાત્રે 10:30 કલાકે.








