Paris Olympics 2024: 'પ્રેમ'ના શહેર પેરિસમાં આ એથ્લીટને રોમાન્સ કરવો પડ્યો ભારે, ઓલિમ્પિકમાંથી થઈ બહાર
પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થવામાં સાત દ

પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થવામાં સાત દિવસથી ઓછા દિવસો બાકી છે. જેમાં દરેક દેશના ખેલાડીઓ પોતાના દેશ માટે મેડલ જીતવા માટે બેજોડ પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રાઝિલની એક મહિલા સ્વિમર ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. તે સ્વિમર એના કેરોલિના વિએરા હતી, જેને પેરિસની શેરીઓમાં તેના બોયફ્રેન્ડ સાથે નાઈટ આઉટ કરવા બદલ સજા કરવામાં આવી હતી.
બોયફ્રેન્ડ સાથે નાઈટ આઉટ માટે ગઈ હતી એથ્લીટ
22 વર્ષની બ્રાઝિલની સ્વિમર એના કેરોલિના વિયેરાએ પરવાનગી વિના ઓલિમ્પિક વિલેજ છોડવાની ભૂલ કરી હતી. તે તેના બોયફ્રેન્ડ અને સાથી સ્વિમર ગેબ્રિયલ સેન્ટોસ સાથે નાઈટ આઉટ માટે બહાર ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગેબ્રિયલ સેન્ટોસ પોતે બ્રાઝિલના સ્વિમર છે.
બ્રાઝિલની ઓલિમ્પિક સમિતિએ કેરોલિના સામે લીધાં પગલાં
બીજા દિવસે, વિયેરાએ મહિલાઓની 4x100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ભાગ લીધો, જેમાં બ્રાઝિલ સાતમા ક્રમે રહ્યું. પરંતુ રાત્રે તે કોઈને જાણ કર્યા વિના ઓલિમ્પિક વિલેજ છોડીને નીકળી ગઈ હતી. તેની સોશિયલ મીડિયા પોસ્ટથી આ વાત સામે આવી, જેના પછી બ્રાઝિલની ઓલિમ્પિક કમિટી (COB) એ કાર્યવાહી કરી. બ્રાઝિલની સ્વિમિંગ ટીમના વડા ગુસ્તાવો ઓત્સુકાએ આ બાબતે COBને જાણ કરી હતી. તેણે કહ્યું કે, વિયેરાએ ટીમના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તેના બોયફ્રેન્ડને માત્ર ચેતવણી આપવામાં આવી હતી.
COBએ કહ્યું, "એના કેરોલિનાએ ટીમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને યોગ્ય વર્તન જાળવ્યું ન હતું. તેથી ગેબ્રિયલ સાન્તોસને ચેતવણી આપવામાં આવી છે અને એના કેરોલિનાને ટીમમાંથી હટાવી દેવામાં આવી છે. તેણે તરત જ બ્રાઝિલ પરત ફરવું પડશે." ઓત્સુકાએ કહ્યું, "અમે અહીં રમવા કે રજાઓ માણવા નથી આવ્યા. અમે બ્રાઝિલ માટે કામ કરી રહ્યા છીએ. અમે અહીં મજાક કરી શકીએ નહીં. તેણે પોતાની વાત કહેવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો. અમે શિસ્ત સમિતિ સાથે વાત કરી અને નિર્ણય લીધો છે."
ઓલિમ્પિક વિલેજમાં છૂટ્યો એના કેરોલિનાનો તમામ સામાન
ડેઈલી મેલ અનુસાર, વિયેરાએ કહ્યું - "મારો સામાન ઓલિમ્પિક વિલેજમાં છે, હું શોર્ટ્સ પહેરીને એરપોર્ટ ગઈ હતી. મારે એરપોર્ટ પર મારી સૂટકેસ ખોલવી હતી. હું અત્યારે પોર્ટુગલમાં છું, પછી હું રેસિફ જઈશ અને પછી સાઓ પાઉલો." તેણે આગળ કહ્યું- "હું લાચાર છું, હું કંઈપણ એક્સેસ કરી શકતી નથી, હું કોઈની સાથે વાત કરી શકતી નથી. તેઓએ મને COB ચેનલોનો સંપર્ક કરવા કહ્યું. પરંતુ હું તેમનો સંપર્ક કેવી રીતે કરી શકું?" વિયેરાએ એમ પણ કહ્યું કે, તે તેની કાનૂની ટીમ સાથે આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.








