'દુનિયા જીતવા નીકળેલી યુવતી સિસ્ટમ સામે હારી ગઇ હતી', ઓલમ્પિકમાં વિનેશ ફોગાટના પ્રદર્શન પર બજરંગ પુનિયાનું નિવેદન
paris olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરીને સે

paris olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રેસલર બજરંગ પુનિયાએ કહ્યું કે, આ છોકરીને પોતાના દેશમાં લાતોથી કચડવામાં આવી હતી. એટલું જ નહીં રસ્તા પર તેને ઘસડવામાં આવી હતી. તે દુનિયા જીતવા વાળી છે, પરંતુ દેશમાં સિસ્ટમ સામે હારી ગઈ હતી. નોંધનીય છે કે, વિનેશ ફોગાટે જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ વિરોધ શરૂ કર્યો હતો. વિનેશ ફોગાટની સાથે બજરંગ પુનિયા, સંગીતા ફોગાટ, સોનમ મલિક અને અંશુ મલિક જેવા કુસ્તીબાજો પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે હડતાળ પર બેઠા હતા.
ફોગાટના પ્રદર્શન બાદ ગીતા ફોગાટે પણ ટ્વિટ કર્યું
વિનેશ ફોગાટના પ્રદર્શન બાદ ગીતા ફોગાટે પણ ટ્વિટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, 'જમાના ઝુકતા હૈ, બસ ઝુકાવા માટેનું ઝુનૂન હોવું જોઈએ.'
રેસલર વિનેશ ફોગાટ પણ 50 કિલોગ્રામની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય રેસલરે સતત બે મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વિનેશ ફોગાટે મંગળવારે તેની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. સુસાકી સામેની ક્વાર્ટર ફાઈનલની છેલ્લી ઘડીમાં વિનેશ 0-2થી પાછળ હતી. ભારતીય રેસલરે મેચ પુરી થવાના 30 સેકન્ડ પહેલા જોરદાર મૂવ કરીને હારને જીતમાં ફેરવી દીધી હતી.
ત્યારબાદ વિનેશ ફોગાટે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. સેમીફાઈનલ મેચ રાત્રે 10:15 કલાકે હશે.
વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
વિનેશ ફોગાટ 2016 રિયો ઓલિમ્પિકમાં ઈજાને કારણે પ્રી-ક્વાર્ટરમાંથી બહાર થઈ ગઈ હતી. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં વિનેશ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી અને હારી ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિક બાદ વિનેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધથી દુઃખી થઈને વિનેશ ફોગાટ ડિપ્રેશનમાં પણ જતી રહી હતી. પરંતુ તેમ છતાં તેણે હિંમત હારી નહીં અને જોરદાર વાપસી કરી હતી.








