Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Vishal Jethwa, great contribution of human beings in my formation

Chitralok: વિશાલ જેઠવા, મારા ઘડતરમાં માનુનીઓનું મોટુ યોગદાન

Timeછેલ્લું અપડેટ : 09 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: વિશાલ જેઠવા,  મારા ઘડતરમાં માનુનીઓનું મોટુ યોગદાન
સોર્સ : GSTV

- 'આપણે પ્રેક્ષકોને શું ગમશે અને શું નહીં ગમે એનો અંદાજ ક્યાં લગાવી શકીએ છીએ? 'હોમબાઉન્ડ' કમર્શિયલી સારી ચાલી હોત તો મને આનંદ થાત, પરંતુ એ નથી ચાલી તો હું દુ:ખી નથી.'

App Store

એજરાતી એક્ટર વિશાલ જેઠવા માટે ૨૦૨૫ એક ઘટનાપ્રચુર વરસ બની રહ્યું. એમાંય વરસ પુરું થવામાં હતું ત્યારે એવા ન્યુસ આવ્યા કે વિશાલ, ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર સ્ટારર મૂવી 'હોમબાઉન્ડ' ઓસ્કારમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મના એવોર્ડ માટે શોર્ટ-લિસ્ટ થઈ છે. એને પગલે 'હોમબાઉન્ડ'ની ટીમની સાથોસાથ આખુ બોલિવુડ ઝુમી ઉઠયું છે. વિશાલે ક્યારેય સપનામાં પણ એવું વિચાર્યું નહોતું કે એની કોઈ ફિલ્મ ઓસ્કારમાં જશે. ભાવાવેશમાં આવીને એક્ટર કહે છે, 'મારા માટે આ એક અતુલનીય પળ છે. તમે એક્ટર તરીકે તમારી યાત્રા શરૂ કરો ત્યારે આવી અમૂલ્ય પળો તમને બહુ દૂર દેખાતી હોય એ સ્વાભાવિક છે. પરંતુ આજે મને લાગે છે કે કામ પ્રત્યેની તમારી ઈમાનદારી અને તમારો વિશ્વાસ તમને ગમે તેવી સિદ્ધિ અપાવી શકે છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે એટલે આ શક્ય બન્યું છે.'


'હોમબાઉન્ડ'ને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ખૂબ પ્રશંસા મળી હતી. ૨૦૨૫ના વરસ પર નજર કરતા જેઠવા કહે છે, 'મેં કલ્પ્યું નહોતું કે આ વરસે આટલું ઘટનાપ્રચુર બની રહેશે. મેં તો મારી જર્ની નબળી રીતે શરૂ કરી હતી. એટલે આ મુકામ સુધી પહોંચવું મને તો એક સમયે અશક્ય લાગતું હતું..'

'મર્દાની-૨'માં રાની મુખરજી અને 'સલામ વેન્કી'માં કાજોલ જેવી વર્સેટાઈટલ એકટર્સ સાથે કામ કરી ચુકેલા વિશાલે ૩૧ વરસની ઉંમરે કોઈ પીઢ કલાકાર જેવી મેચ્યોરિટી મેળવી લીધી છે. ખ્યાતિએ એને ફુલીને ફાળકો નથી થવા દીધો. ઉલ્ટાનો એને કારણે એક્ટરમાં એક પ્રકારનો શાંત આત્મવિશ્વાસ પ્રગટયો છે. 'નથિંગ ઈઝ ઇમ્પોસિબલ એવું માનવા માટે મારી પાસે હવે પુરતું પ્રુફ છે. મારી પોતાની યાત્રાએ મને આગળ વધવા પ્રેર્યો છે અને હું જ્યાં પહોંચ્યું છું એ બદલ ગર્વ અનુભવું છું. હું પોતાને લકી પણ ગણું છું કારણ કે મેં જે ઇચ્છયું હતું એના કરતા વધુ મેળવ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણાં પરિશ્રમી અને પ્રતિભાવાન લોકો છે પણ એ બધા આવા મુકામ સુધી નથી પહોંચતા એટલે જ મારા પર ઇશ્વર-કૃપા હોય એવું હું માનું છું,' એમ જેઠવા ગદગદ થઈને કહે છે.

વિશાલ મધ્યમ વર્ગના પરિવારમાં ઉછર્યો હોવાથી જમીન પર પગ રાખીને ચાલનારો યુવાન છે. એટલે જ આંતરરાષ્ટ્રીય ફલક પર જાણીતા થવાને કારણે તમને નવી મોટી તકો મળતી થશે કે કેમ એવી પૃચ્છાના જવાબમાં શાંતિથી કહે છે, 'હજુ સુધી તો કોઈ મોટી ઓફર આવી નથી, પણ રાહ જરૂર જોઉ છું.  ઓનેસ્ટલી કહું તો હું તકો પાછળ દોડતો નથી. મને ખબર છે કે હું 'હોમબાઉન્ડ' બાદ રાતોરાત ઇન્ટરનેશનલ સ્ટાર નથી બની જવાનો. એ પ્રકારની અધીરાઈ મને બેચેન નથી બનાવતી. કાંઈક સારું થશે તો એને આવકારીશ. પણ હું જ્યાં છું ત્યાં એકદમ મજામાં છું.'


રાઇટર-ડિરેક્ટર નીરજ ઘેવાને પોતાની ફિલ્મ 'મશાલ' (વિક્કી કોશલ, રિચા ચડ્ઢા)ની જેમ હોમ બાઉન્ડમાં પણ સમકાલીન સમાજ વ્યવસ્થાનું નિરૂપણ કર્યું છે. મૂવીમાં વંચિતોને મુખ્ય પ્રવાહથી દૂર હાંસિયામાં મૂકવા અને પિતૃસત્તા  જેવા ગંભીર વિષયો છેડાયા છે. એનો અંગત અનુભવ કરી ચુકેલો વિશાલ એવી કમેંટ કરે છે કે 'તમામ સમાજોમાં પિતૃસત્તા પ્રવર્તે છે અને વંચિત કોમો પણ એમાં અપવાદ નથી. મારા ફેમિલીમાં પુરુષો બહુ ઓછા છે. સ્ત્રીઓએ જ મારી લાઈફ અને મારા કરિયરનું ઘડતર કર્યું છે એવું કહું તો એમાં અતિશયોક્તિ નથી. મારી બા, માસીઓ, બહેન, પિતરાઈ બહેનો અને દાદી તથા નાનીએ મને પુષ્કળ પ્રેમ આપ્યો છે. મારા પ્રોફેશનલ ઘડતર પાછળ પણ માનુનીઓ જ છે. એ બદલ હું રાની મુખરજી મેમ, કાજોલ મેમ અને શેફાલી શાહ મેમનો ઋણી છું.'

અત્રે નોંધવું ઘટે કે 'હોમબાઉન્ડ'ને સમીક્ષકોએ બહુ વખાણી છે પરંતુ એમની પ્રશંસા ફિલ્મનો બોક્સ ઓફિસ પર સફળતા નથી અપાવી શકી. એ વિશે વિશાલને પૂછાતા જવાબમાં એ કહે છે, 'હું ચોક્કસપણે એવું ઇચ્છું કે આવા મહત્ત્વના મેસેજ સાથેની ફિલ્મ દર્શકોના બહોળા વર્ગ સુધી પહોંચે. પરંતુ હું એનું પ્રેશર નથી રાખતો. ફિલ્મ જોવી કે ન જોવી એ દર્શકે નક્કી કરવાનું છે. આમેય આપણે પ્રેક્ષકોને શું ગમશે અને શું નહીં ગમે એનો અંદાજ ક્યાં લગાવી શકીએ છીએ? 'હોમબાઉન્ડ' કમર્શિયલી સારી ચાલી હોત તો મને આનંદ થાત. પરંતુ એ નથી ચાલી તો હું દુ:ખી નથી.'