Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : The secret of the marriage of Lord Vishnu in the form of Shaligram with Tulsi

Dharmlok: શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુના તુલસી સાથે કરાતા વિવાહનું રહસ્ય

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Dharmlok: શાલિગ્રામ સ્વરૂપ ભગવાન વિષ્ણુના તુલસી સાથે કરાતા વિવાહનું રહસ્ય
સોર્સ : GSTV

- વિચાર-વીથિકા

App Store

 - દેવેશ મહેતા

તુલસિ શ્રીસખિ શુભે પાપહારિણી પુણ્યદે ।

નમસ્તે નારદનુતે નારાયણમન : પ્રિયે ।।

મન: પ્રસાદ જનનિ સુખ સૌભાગ્યદાયિનિ ।

આધિવ્યાધિહરે દેવિ તુલસિ ત્વાં નમામ્યહમ્ ।।

યન્મૂલે સર્વતીર્થાનિ યન્મધ્યે સર્વ દેવતા : ।

યદગ્રે સર્વવેદાશ્ય તુલસિ ત્વાં નમામ્યહમ્ ।।

અમૃતાં સર્વ કલ્યાણી શોક સંતાપનાશિનીમ્ ।

આધિવ્યાધિહરી નૃણાં તુલસિ ત્વાં નમામ્યહમ્ ।।

પદ્મપુરાણમાં તુલસીના મહિમાનું ગાન કરતાં કહેવાયું છે- ' તુલસીના દર્શન માત્રથી મોટા પાપોનો નાશ થઈ જાય છે. એના સ્પર્શથી શરીર પરમ પવિત્ર બની જાય છે. તુલસીના છોડનું સિંચન કરવાથી મૃત્યુ દૂર ભાગે છે. તુલસીનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે અને એને ભગવાન વિષ્ણુના ચરણારવિંદ પર સમર્પિત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.'

પદ્મપુરાણ અને દેવી ભાગવતમાં એના અવતરણની અદ્ભુત કથા જોવા મળે છે. તેનું વિહંગાવલોકન કરીએ- એકવાર શિવજીએ એમના તેજને સમુદ્રમાં પ્રક્ષિપ્ત કર્યું એનાથી એક મહાતેજસ્વી બાળકે જન્મ લીધો. આ બાળક આગળ જતાં જાલંધર નામનો પરાક્રમી દૈત્ય રાજા બન્યો. દૈત્યરાજ કાલનેમિની કન્યા વૃંદાના લગ્ન જાલંધર સાથે થયા. જાલંધર એની શક્તિ અને સત્તાના અભિમાનમાં અવિવેકી બની ગયો. તેણે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા દેવો સાથે યુધ્ધ કર્યું. પરંતુ પોતે સમુદ્રમાંથી ઉદ્ભવ્યો હતો એટલે તેને લક્ષ્મીજીએ ભાઈ માની લીધો. ત્યાંથી તે પાર્વતીને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી શિવનું રૂપ ધારણ કરીને પાર્વતી પાસે ગયો. પરંતુ પાર્વતી યોગ શક્તિથી તેને ઓળખી ગયા અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. તેમણે ભગવાન વિષ્ણુને એ બધી ઘટનાઓ વિશે વાત કરી. દેવોના કહેવાથી વિષ્ણુએ જાલંધરને મારવાની યોજના કરી. જો કે જાલંધરને મારવાનું કામ બહુ અઘરું હતું.

કેમકે જાલંધરની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. એના પતિવ્રત ધર્મની શક્તિથી જાલંધરને મારી શકાતો નહોતો. એટલે જાલંધરને મારવા વૃંદાના પતિવ્રત ધર્મનો ભંગ કરવો જરૂરી હતો. સામાન્ય સંજોગોમાં તો આ શક્ય નહોતું એટલે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી.

ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરી વનમાં ગયા જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરતી હતી. ભગવાન સાથે બે માયાવી રાક્ષસો પણ જેમને જોઈને વૃંદા ગભરાઈ ગઈ. ઋષિરૂપમાં ભગવાને પેલા બે માયાવીને ભસ્મીભૂત કરી દીધા. એમની શક્તિ જોઈ વૃંદાને તે સિદ્ધ પુરુષ લાગ્યા. તેણે કૈલાસ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પૂછયું. તેમણે પોતાની માયાથી બે વાનર પ્રકટ કર્યા. એક વાનરના હાથમાં જાલંધરનું માથું હતું અને બીજાના હાથમાં એનું ઘડ હતું. આ જોઈને વૃંદા બેભાન થઈ ગઈ. ભાનમાં આવતા તેણે તે સિધ્ધયોગી લાગતા ઋષિને એના પતિને જીવિત કરી દેવા વિનંતી કરી. ભગવાને પોતાની માયાથી જાલંધરનું મસ્તક તેના ધડ સાથે જોડી દઇ તેને જીવતો કરી દીધો.

પછી ભગવાન વિષ્ણુ તેના શરીરમાં પ્રવેશી ગયા. વૃંદાને તો એમ જ લાગ્યું કે એ એના પતિ જાલંધર જ છે. પણ તે તો જાલંધરના માયાવી રૂપમાં વિષ્ણુ જ હતા. સાચો જાલંધર તો કૈલાસ પર્વત પર યુદ્ધ કરતો હતો. જાલંધર બનેલા વિષ્ણુ સાથે વૃંદા પત્ની તરીકેનો વ્યવહાર કરવા લાગી. અને દાંપત્ય સુખ ભોગવવા લાગી. તેનાથી તેના સતીત્વનો ભંગ થયો. આમ થતાં જાલંધરનો પરાજય થયો અને તેનું મરણ થયું. વૃંદાને જ્યારે સાચી હકીક્તની જાણ થઈ કે વિષ્ણુએ છેતરપિંડી કરી માયાથી તેના પતિનું રૂપ લઈ તેની સાથે પતિ સુખ માણી તેના સતીત્વનો ભંગ કર્યો છે ત્યારે તેણે ગુસ્સામાં આવી ભગવાન વિષ્ણુને શિલા, પથ્થર બની જવાનો શાપ આપ્યો. પછી તેણે બળીને ભસ્મ થઈ પોતાના શરીરનો ત્યાગ કર્યો. તે જગ્યાએ તે તુલસીના છોડ રૂપે જન્મી. ભગવાને તેને કહ્યું- 'હે વૃંદા, તું તારા સતીત્વને કારણે મને લક્ષ્મીથી પણ પ્રિય બની ગઈ છે. હવે તું તુલસીના રૂપે સદા મારી સાથે જ રહેશે. મારી પૂજા તારા થકી જ થશે. તારા પત્ર (પાંદડા) પર શાલિગ્રામ પથ્થર રૂપે હું સદા બિરાજમાન થઈશ. જે મનુષ્ય તારા મારી સાથે લગ્ન (તુલસી વિવાહ) કરાવશે તે મારી કૃપાનો અધિકારી બની જશે ? વૃંદાએ જ રુકમણિ રૂપે અવતાર લીધો એવું કહેવાય છે. પછી કારતક સુદ અગિયારસે તેમના લગ્ન લેવાયા. ત્યારથી આ દિવસે ભગવાન શ્રીવિષ્ણુના તુલસી સાથે લગ્ન કરાવવાની વિધિ મંદિરો અને અનેક સ્થળોએ થાય છે.