Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : See the name and color change of gas cylinders

Business Plus: ગેસ સિલિન્ડરનાં નામ અને કલર બદલી જુઓ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: ગેસ સિલિન્ડરનાં નામ અને કલર બદલી જુઓ
સોર્સ : GSTV

- સ્માઇલ ઇન્ડેક્સ 

App Store

- વ્યર્થશાસ્ત્રી

પેટ્રોલિયમ ખાતામાં ચર્ચા દરમિયાન સજેશન આવ્યું. 'ગેસ સમસ્યાનું સોલ્યુશન ' એ વિષય પર  સૂચનો મગાવીએ અને તેના પર પરિસંવાદ યોજીએ. કદાચ તેમાંથી ખરેખર કોઈ સોલ્યુશન મળી જાય. 

ઉત્સાહી અધિકારીઓએ ' ગેસ  સમસ્યાનું સમાધાન - આ વિષય પર પરિસંવાદ યોજાશે, સૂચનોને આમંત્રણ છે'  એટલું  જ લખી રજિસ્ટ્રેશનની જાહેરાત કરી દીધી. તરત જ ૧૦૦થી વધારે આયુર્વેદ જાણકારોએ  ફટાફટ રજિસ્ટ્રેશન કરાવી દીધાં. કેટલાક જાણકારોએ તો લખ્યું પણ ખરું કે આ પરિસંવાદમાં અમને કેવળ શ્રોતા નહિ, પરંતુ વક્તા તરીકે ઉપસ્થિત રહેવાની તક આપવામાં આવે તો અમે કોઈને ૧૫-૨૦ વર્ષ જૂની ગેસ સમસ્યાનું પણ સમાધાન સચોટ ઔષધ દ્રવ્યો, આહારવિહાર તથા જીવનશૈલી દ્વારા લાવી શકીશું. 

અધિકારીઓને તરત જ બત્તી થઈ કે આપણે ગેસ એટલે કયો ગેસ એ બાબતે ફોડ પાડવો પડશે. તેમણે નવી જાહેરાત બહાર પાડી કે 'હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી સર્જાયેલાં ગેસ સંકટનું સમાધાન' એ વિશે પરિસંવાદ યોજાશે. 

આ વખતે કેટલાંક નવતર રજિસ્ટ્રેશન આવ્યાં. એમાંથી કેટલાંક ગ્રાહકોનાં હતાં. તેમણે આમ તો ફરિયાદના સૂરે લખ્યું હતું કે અમે આમ તો ઉનાળા પહેલાં એસીવાળાને ફક્ત સર્વિસ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે સાદી સર્વિસને બદલે ગેસ ખૂટી ગયો છે એમ કહી નવો ગેસ ભરી બિલ બહુ વધારી દીધું. 

અમારે તો એસીની ઠંડક લેવા જતાં ગરમાગરમી થઈ ગઈ. તો ગ્રાહક તરીકે અમને એસીમાં ખરેખર ગેસ ખૂટી  ગયો છે કે નહિ તે જાણવાનું સમાધાન મળશે કે નહિ?' 

ફરી અધિકારીઓએ માથું કૂટયું. આ વખતે બધા અધિકારીઓએ આખો દિવસ મીટિંગ કરી, કલાકો સુધી મસલત કરી, બે-ચાર સારા કોપીરાઈટરને બોલાવી બરાબર ડ્રાફટિંગ કરાવ્યું કે 'હાલ ઈરાન યુદ્ધના કારણે રાંધણગેસની અછત સર્જાતાં કમર્શિયલ સિલિન્ડરોના ભાવ વધારવા પડી રહ્યા છે, પરંતુ તેના કારણે હોટલો-રેસ્ટોરાં, ટિફિનવાળા, કેટરિંગવાળા, કેન્ટીનો, ચાની લારીઓવાળાઓએ પણ ભાવ વધારવા પડયા છે, તે આ સમસ્યાનું કોઈ પાસે સમાધાન હોય તો તેના પર સૂચનો મગાવી ચર્ચા માટે પરિસંવાદ યોજ્યો છે. '

અધિકારીઓને આશા હતી કે આ વખતે ખરેખર કેટલાક જેન્યુઈન સજેશન્સ મળશે. ત્યાં એક ઈમેઈલ આવ્યોઃ 'માનનીય સાહેબશ્રીઓ, આજકાલ દેશમાં જે દરેક સમસ્યાનું સમાધાન છે તે જ ગેસ બોટલની સમસ્યાનું પણ સમાધાન છે.'

અધિકારીઓને  ચીને જ હાશ થઈ કે ચાલો કોઈ તો ઢંગનું સજેશન મળ્યું. આગળ મેઈલમાં લખ્યું હતુંઃ 'મારું સૂચન છે કે અત્યારે આપણે ગેસ બોટલને એલપીજી સિલિન્ડર કે ગેસબોટલ જ કહીએ છીએ, તેને બદલે રાંધણવાયુ ગોળો કે પછી રસોઈ સહાયક વાયુ એવું કોઈ સરસ નામ આપીએ. ઉપરાંત હાલ કમર્શિયલ સિલિન્ડરનો કલર બ્લુ છે તેને બદલે ગ્રીન, બ્લેક કે આછો ગુલાબી કરી જુઓ. 

નામ અને કલર બદલાતાં પ્રજાને મનોરંજન મળશે અને તે ભાવ વધારા તથા અછતનું દુઃખ ભૂલી જશે. હાલ તો બધી સમસ્યાનો ઉકેલ ફક્ત પ્રજાનું મનોરંજન જ છે એ જાણ સારુ...'

અધિકારીઓએ છેવટે પરિસંવાદનો આઇડિયા જ કેન્સલ કર્યો. 

સ્માઈલ ટિપ 

ખાધા બાદ ગેસના લીધે પેટ ભારે ભારે લાગે છે, પણ રાંધવાના ગેસના લીધે ખિસ્સું હલકું હલકું લાગે છે.