Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : 'Rajkumar', who won the hearts of the audience, was beaten up for liking a girl!

Chitralok: દર્શકોના મન જીતનાર 'રાજકુમાર'એ એક છોકરીને પસંદ કરવાને કારણે ખાધો હતો માર!

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: દર્શકોના મન જીતનાર 'રાજકુમાર'એ એક છોકરીને પસંદ કરવાને કારણે ખાધો હતો માર!
સોર્સ : GSTV

રાજકુમાર રાવ અને કીર્તિ સુરેશની અતિપ્રતિક્ષિત ફિલ્મ 'રફ્તાર'ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે. આદિત્ય નિંબાલકરના નિર્દેશનમાં બની આ ફિલ્મને પત્રલેખાએ કાંપા ફિલ્મ બેનર હેઠળ પ્રોડયુસ કરી છે. ફિલ્મ જુલાઈમાં રિલીઝ થવાની છે અનેરાજકુમાર રાવના ચાહકો અત્યારથી થનગનવા લાગ્યા છે. 

App Store

'રફ્તાર'ની વાર્તા એવા વિશ્વની આસપાસ ફરે છે જ્યાં મોટાં સ્વપ્નો સામ્રાજ્યો તો ઊભાં કરે છે, પણ તેની કિંમત બહુ મોંઘી હોય છે. વાર્તા એ વાત ઉજાગર કરે છે કે જ્યારે માણસની અંદર સફળતા પામવાની લાલસા વધી જાય છે, ત્યારે તે સંબંધો, ખાસ  કરીને પ્રેમને પણ પાછળ છોડી દે છે. પૈસા અને સત્તા માણસને શિખર પર તો પહોંચાડી દે છે, પણ તેના પતનથી સવાલ ઉપસ્થિત થાય છે કે શું તે ફરી ઊઠીને ટોચ પર પહોંચવા સમર્થ છે કે પછી બધુ જ સમાપ્ત થઈ જશે? આ સંઘર્ષ અને ભાવનાત્મક દ્વંદ્વ ફિલ્મના મુખ્ય આકર્ષણ છે.

આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને કીર્તિ સુરેશ ઉપરાંત અનુરાગ ઠાકુર, રોહન વર્મા, તાન્યા અને રજત કપૂર જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજર આવશે. રાજકુમાર રાવે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે -  મહત્ત્વાકાંક્ષાએ તેને બનાવ્યો, લાલચ તેની પરીક્ષા લેશે.    

રાજકુમાર રાવની ફિલ્મી સફર પણ કોઈ પ્રેરક કહાનીથી ઓછી નથી. તાજેતરમાં જ તેની ૨૦૨૫માં રજૂ થયેલી ફિલ્મ 'ભૂલ ચૂક માફ' બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી અને લગભગ ૮૫ કરોડની કમાણી કરી હતી. જોકે તેની ફિલ્મ 'માલિક'ને ધારેલી સફળતા ન મળી, પણ રાજકુમાર રાવે લગાતાર પોતાના અભિનયથી દર્શકોના મન જીતી લીધા છે. તેની કારકિર્દી ૨૦૧૦માં 'લવ, સેક્સ ઔર ધોકાથી' શરૂ થઈ અને આ જ ફિલ્મથી તેને મનોરંજન ઉદ્યોગમાં નવી ઓળખ મળી.

આજે રાજકુમાર રાવ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સન્માનિત કલાકારોની યાદીમાં સામેલ છે. ૩૯ વર્ષની વયમાં તેણે લગભગ ૪૨ ફિલ્મોમાં કામ કર્યું છે અને એક નેશનલ એવોર્ડ તેમજ ચાર ફિલ્મફેર એવોર્ડ જીતી લીધા છે. હાલ તેની કુલ સંપત્તિ લગભગ ૮૧ કરોડ આંકવામાં આવે છે, પણ તેનું પ્રારંભિક જીવન અત્યંત સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. એક સમય એવો પણ હતો તેની પાસે એક ટંક ભોજનના પણ પૈસા નહોતા. હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલા રાજકુમાર રાવને બાળપણથી જ અભિનયમાં રુચિ હતી. તેના પિતા સરકારી કર્મચારી હતા અને પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. સ્કૂલના દિવસોમાં ફી ભરવાના પણ પૈસા નહોતા, તેથી તેમના એક શિક્ષકે બે વર્ષ સુધી ફી ભરીને તેમની મદદ કરી હતી આ ઘટના તેના જીવનની દિશા નક્કી કરવામાં મહત્ત્વની સાબિત થઈ.

કોલેજ દરમ્યાન તેણે થિયેટરમાં સક્રિય ભાગ લીધો અને દિલ્હીના ક્ષિતિજ થિયેટર ગ્રુપ તેમજ શ્રી રામ સેન્ટર સાથે જોડાઈને અભિનયને નિખાર આપ્યો. જોકે પ્રારંભમાં તેણે અભિનયનો કારકિર્દી તરીકે વિચાર નહોતો કર્યો, પણ અભિનેતા મનોજ બાજપેયીને પડદા પર જોઈને તેણે નક્કી કરી લીધું કે તે પણ અભિનેતા જ બનશે. ત્યાર પછી તેણે ૨૦૦૮માં એફટીઆઈઆઈથી અભિનયની તાલીમ લીધી.

મુંબઈ આવ્યા પછી તેનો સંઘર્ષ વધી ગયો. તે એક નાનકડા ઘરમાં રહેતો હતો જેનું ભાડું ચુકવવું પણ તેના માટે મુશ્કેલ હતું. અનેકવાર તેનું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જતું.  દૈનિક ખર્ચને પહોંચી વળવા તેણે નાનીમોટી જાહેરાતોમાં કામ  કરવાનું શરૂ કર્યું. ઘણી વાર તેને અનેક મહિના સુધી કોઈ કામ ન મળતું અને ઓડિશન માટે ભટક્યા કરવું પડતું.

રાજકુમારને આખરે પ્રથમ તક 'લવ સેક્સ ઔર ધોકા'માં મળી, જેમાં તેના અભિનયની સારી એવી પ્રશંસા થઈ. થોડાં વર્ષો પછી અનુરાગ કશ્યપે તેને 'ગેન્ગ્સ ઓફ વાસેપુર-ટ'માં તક આપી, જેમાં તેના કેરીઅરને નવી દિશા મળી.  

૨૦૧૪માં રાજકુમારે પોતાના નામમાં ફેરફાર કરીને યાદવના સ્થાને રાવ ઉમેર્યું અને પોતાના અંગ્રેજી સ્પેલિંગમાં પણ ફેરફાર કર્યો. તેણે આ ફેરફાર પારિવારીક અને જ્યોતિષીય કારણસર કર્યો. એક સમયે સ્કૂલની ફી ન ચૂકવી શકતા આ કલાકારને આજે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ફી તરીકે મળે છે.

રાજકુમારનું અંગત જીવન પણ રસપ્રદ રહ્યું છે. સ્કૂલના દિવસોમાં એક છોકરીને પસંદ કરવાને કારણે તેને પચ્ચીસ છોકરાઓનો માર પણ ખાવો પડયો હતો! 

'રફ્તાર' માત્ર એક ફિલ્મ નહીં પણ મહત્ત્વાકાંક્ષા, સંઘર્ષ અને સફળતાની કિંમત દર્શાવતી વાર્તા છે. ત્યારે જ રાજકુમાર રાવનું અંગત જીવન પણ સાબિત કરે છે કે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ મહેનત અને ધગશ દ્વારા કોઈપણ ઊંચાઈ હાંસલ કરી શકાય છે.