Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Let's plant some trees

Zagmag : ચાલો થોડો વૃક્ષો વાવીએ

Timeછેલ્લું અપડેટ : 31 May 2025
લાઇવ ટીવીGoogle News
Zagmag : ચાલો થોડો વૃક્ષો વાવીએ

- 'જો વૃક્ષ નહીં હોય તો આપણે કેવી રીતે ટકીશું? વૃક્ષ વગર આપણું જીવન શક્ય જ નથી!'

App Store

સુંદરવનમાં સૌ પંખીઓ સંપીને રહે. સાથે હરે ફરે ને મોજ કરે. ઉનાળાના દિવસો શરૃ થયાં ને બરાબરની ગરમી પડવા માંડી. એવી તો ગરમી પડે કે બપોરે બહાર ક્યાંય નીકળાય જ નહીં! 

બતકબેનનાં બચ્ચાં ગરમીને લીધે એવાં તો અકળાય કે વાત ન પૂછો! બતકબેન બચ્ચાંને સરોવર પાળે ઝાડને છાંયડે રમાડે ને સૂરજ માથે ચઢે કે ઘર ભેગા થઇ જાય! પેલા ચકીબેન ને કાબરબેન પણ તેમનાં બચ્ચાંને લીમડાને છાંયડે થોડી વાર રમાડી બપોર થતાં માળે લપાઈ રહે તે સાંજે ફરવા નીકળે! વનમાં સાંજે સરોવર પાળે પંખીઓ બચ્ચાંને લઈને આવે ને થોડો પવન ખાતાં નિરાંતે બેસે. ટાઢક વળે ને સાંજ થતાં પાછા ઘર ભેગાં થઇ જાય. 

છેલ્લા બે ચાર દિવસના અસહ્ય તાપથી તો સૌ કંટાળી ગયાં હતાં પણ કરવું શું! આ વધતી જતી ગરમીથી તેઓ ખૂબ ચિંતા કરે પણ ચિંતા કરવાથી તે શું વળે?

વનનાં મંત્રીશ્રી મોરભાઈ આજે તો ઘણા દિવસે દેખાયા હતા. અસહ્ય ગરમી પડવાના કારણે એમનેય લૂ લાગી ગઈ હતી. મોરભાઈને આવેલા જોઈ સૌ એમની ખબર પૂછવા દોડી આવ્યાં. મોરભાઈએ સૌને એમની આજુબાજુ બેસાડયા. આડેધડ કપાતાં વૃક્ષો ને એના કારણે પ્રકૃતિમાં થતાં ફેરફારો વિશે તેમણે સૌને સમજાવ્યું. એમની ચર્ચામાં સૌને રસ પડયો. આડેધડ વૃક્ષો કાપવાથી વધતી ગરમી ને પંખીઓની ઘટતી સંખ્યા વિશે સૌ ચિંતાતુર થયાં. મોરભાઈએ સૌને સમજાવ્યું, 'કપાતાં જંગલો વિશે આપણે હવે જાગૃત થવું જ પડશે. આપણે હવે પોતાના રહેઠાણ પાસે એક એક વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞાા લઈશું. વૃક્ષ વાવી કાળજીથી એનો ઉછેર કરીશું. જો વૃક્ષ નહીં હોય તો આપણે કેવી રીતે ટકીશું? વૃક્ષ વગર આપણું જીવન શક્ય જ નથી!'

મોરભાઈની વાતને સૌએ ટેકો આપ્યો અને વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞાા લીધી. સૌ એક એક વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવામાં પોતાનું યોગદાન આપવા તૈયાર થયાં. તેઓ  બોલી ઉઠયાં, 'ચાલો, થોડાં વૃક્ષો વાવીએ...'

થોડી વારમાં તો સૈનિકો મંત્રીશ્રી મોરભાઈના આદેશ મુજબ છોડના રોપા લઈને આવી ગયા. મોરભાઈએ સૌને એક એક રોપો વાવીને જાળવણી કરવાં વિનંતી કરી.  સૌ આનંદથી રોપા લઈને ઘરે આવ્યાં ને હરખથી પોતાનાં રહેઠાણ નજીક  વૃક્ષ રોપી દીધાં.

સુંદરવનનાં પંખીઓએ પ્રકૃતિને બચાવવાનો એક સારો પ્રયત્ન કર્યો ને સૌ સાથે મળી બોલી ઉઠયાંઃ

'વૃક્ષો વાવીએ ને પૃથ્વી બચાવીએ,

વૃક્ષો વાવીએ ને જંગલ બચાવીએ,

વૃક્ષો વાવીએ ને વરસાદ લાવીએ,

વૃક્ષો વાવીએ ને પ્રકૃતિને રંગીએ'

-  મીના પટેલ