Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Know the inside story of your favorite stars

Chitralok: જાણો તમારા લાડકા સિતારાઓની અંદરની વાત

Timeછેલ્લું અપડેટ : 23 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: જાણો તમારા લાડકા સિતારાઓની અંદરની વાત
સોર્સ : GSTV

- સ્ટારડમ હવે બિગ બજેટ ફિલ્મોનું, બે-ચાર હજાર સિનેમાઘરોમાં પ્રદશત થતી ફિલ્મોનું મોહતાજ નથી. હવે એનો એક રસ્તો ઓટીટીથી થઈને પસાર થાય છે

App Store

અત્યાર સુધી ભલે ફિલ્મ સ્ટાર્સ લોકહૃદયે એકચક્રી શાસન કરતા રહ્યા હોય, હવે જમાનો બદલાયો છે. એવો કે બોક્સ ઓફિસ પર કાગડા ઊડે છે અને ઓટીટી પર દર્શકો સતત સફગ કરે છે. બોલિવુડનો સવાલ છે ત્યાં સુધી 'ધુરંધર'ની અકલ્પનીય સફળતાએ ગયા વર્ષના સુખાંતને શક્ય કર્યો,  પણ નવું વરસ શરૂ થવા સાથે ફિલ્મોએ ફતનદેવાળિયા પ્રદર્શન શરૂ કરી દીધું છે. હિન્દી તો ઠીક, દક્ષિણમાં પણ નવા વરસની પહેલવહેલી ફિલ્મો પાની કમ પુરવાર થઈ છે. આવું થવાનું એક સશક્ત કારણ ઓટીટીની અસીમ તાકાત છે. મોંઘી ટિકિટ ખરીદીને, પોપકોર્ન-પીણાં પર સેંકડો ખર્ચીને ફિલ્મ જોવા કરતાં ઘેરબેઠા મોજ કરવી લોકોને વધુ ફાવી ગઈ છે. વળી, મોટાં શહેરોને બાદ કરતાં દેશમાં સિનેમાઘરોનું માળખું ફેલાયું નથી. એટલે કરોડો ભારતીયો ચાહે તો પણ સિનેમાઘરને આંબી શકતા નથી. ઓટીટી બેશક એમની પહોંચમાં છે.

ઓટીટી પ્લેટફોર્મ્સે કલાકારોને સ્ટારડમ પૂરું પાડવા માંડયું છે એમાં નવાઈ નથી. અમુક કલાકારોએ લોકોમાં પિછાણ ઓટીટીને લીધે કરી છે. અમુકે વળી મોટા પડદે નોંધપાત્ર સફર ખેડયા પછી ઓટીટી પર નવી ઇનિંગ્સ આદરી છે. કોઈક એવું પણ છે જે મોટા-નાના પડદે સમાંતર પ્રવૃત્ત છતાં લોકપ્રિયતા અને સફળતા ઓટીટી પર વધુ મેળવી રહ્યું છે. કોણ છે આ કલાકારો?

મનોજ બાજપાયી ઓટીટીના સ્ટારડમની રેસમાં કદાચ સૌથી ઉપર છે. છેલ્લાં ઘણાં વરસથી મોટા પડદા પર એમની કોઈ મોટી ફિલ્મ નથી આવી. છતાં, અત્યારે બાજપાયી કારકિર્દીના વધુ એક રોમાંચક દોરમાંથી પસાર થઈ રહ્યા છે તો એનું કારણ 'ફેમિલી મેન' સિરીઝ અને લગાતાર ઓટીટી માટે બનીને એના પર રિલીઝ થનારી એમની ફિલ્મો. એ ફિલ્મોમાંથી 'ઇન્સ્પેક્ટ ઝેંડે,' 'ભૈયાજી,' 'સિર્ફ એક બંદા કાફી હૈ' વગેરેએ મનોજના સ્ટારડમને બળતણ પૂરું પાડયું છે. 


જીતેન્દ્ર કુમાર ઓટીટીની દેન છે. 'પંચાયત,' 'કોટા ફેક્ટરી,' 'બડા નામ કરેંગે' સહિતની સિરીઝ અને 'ચમન બહાર,' 'જાદુગર' જેવી ફિલ્મોએ આ કલાકારને નાના પડદાનો રાજા બનાવી દીધો છે. સહજ અભિનય અને સામાન્ય માણસ જેવા દેખાવે જીતેન્દ્રને સૌનો લાડલો બનાવ્યો છે. એવો કે એ લોકપ્રિયતાએ એને મોટા પડદા કર માંસલ રોલ્સ અપાવ્યા છે. 

જયદીપ અહલાવત પણ ઓટીટીની ઉત્કૃષ્ટ દેન છે. છેક ૨૦૦૮માં (શોર્ટ ફિલ્મ)થી અભિનયની દુનિયામાં એમણે પદાર્પણ કર્યું છતાં. પછી 'રોકસ્ટાર,' 'ગેંગ્સ ઓફ વસેપુર,' 'વિશ્વરૂપમ' સહિત ઘણું કામ કર્યું તોય, લાઇમલાઇટમાં આવ્યા 'પાતાલલોક' સિરીઝથી. ૨૦૨૦ની એ સિરીઝ પહેલાં જોકે 'રઇસ,' 'રાઝી' જેવી ફિલ્મોમાં પણ અહલાવતે સશક્ત પાત્રો ભજવ્યાં. 'પાતાલલોક' જોકે એવી સિરીઝ બની ગઈ જેના પછી આ કલાકારે પાછા વળીને જોવાનો સવાલ જ રહ્યો નથી. તેથી જ તો, પહેલી સીઝનમાં સામાન્ય ફીમાં કામ કર્યા પછી એમને બીજી સીઝનમાં તોસ્તાન મહેનતાણું મળ્યાની વાત હતી.

યામી ગૌતમ પણ એવી સ્ટાર છે જેના કામે ઓટીટી પર એના ચાહકોનો વ્યાપ ખાસ્સો વધાર્યો છે. નવાઈ જુઓ કે ગયા નવેમ્બરમાં યમીની ફિલ્મ 'હક' થિયેટર્સમાં રિલીઝ થઈ અને સરિયામ નિષ્ફળ રહી. યમી અને ઇમરાન હાશમી જેવાં સિતારા છતાં. જેવી ફિલ્મ ઓટીટી પર આવી કે દર્શકોમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ, 'બહુ સારી ફિલ્મ છે, જોવી જ પડે.' નેટફ્લિક્સ પર એ નંબર વન પર પહોંચી ગઈ અને હજી નંબર ટુ પર ટ્રેન્ડ કરી રહી છે. 'ચોર નિકલ કે ભાગા,' 'લોસ્ટ,' 'અ થર્સડે,' 'દસવી' વગેરે ઘણી ફિલ્મો થકી યમીએ ઓટીટી પર પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. યમી મોટા પડદે પણ પ્રવૃત્ત છે. સાથે જીવનસાથી આદિત્ય ધરના ડિરેક્શનની બીજી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે. 

બોબી દેઓલ અને અભિષેક બચ્ચન બે એવા સિતારા છે જેમને ઓટીટીએ આપેલા ઉપહાર રિમાર્કેબલ છે. બોબીની કરિયરને 'આશ્રમ' સિરીઝે નવો ઉપાડ અને ઉઠાવ આપ્યા છે. અભિષેક બચ્ચન ઓટીટી પર નાની છતાં નોંધનીય ફિલ્મો કરવામાં લગાતાર વ્યસ્ત છે. અત્યારે આ બેઉ અભિનેતા ઓટીટીના સ્ટારડમને લીધે દમદાર બન્યા છે એવું કહેવું અસ્થાને નહીં ગણાય. 

એવ જ રીતે સાન્યા મલ્હોત્રા અને  મોના સિંઘ પણ ઓટીટી પર સરસ મજાનો સમયગાળો માણી રહી છે. સાન્યાની 'મિસીસ' ફિલ્મ સાધારણ રહી છતાં એમાં એ સૌથી અગત્યના પાત્રમાં હતી. 'કટહલ' પણ ફિલ્મ તરીકે ઠીકઠીક છતાં દર્શકોને રિઝવી શકી હતી. મોનાને 'બેડ***સ ઓફ બોલિવુડ'થી ખાસ્સો ફાયદો થયો છે.આ ઉપરાંત ઝહાન કપૂર (બ્લેક વોરન્ટ), અવિનાશ તિવારી (ધ મહેતા બોય્સ), હુમા કુરેશી (દિલ્હી ક્રાઇમ) સહિતનાં કલાકારો પણ ઓટીટીને સુંદર દેખાવ કરી રહ્યાં છે.

છેલ્લે ઉમેરી દઈએ શેફાલી શાહનું નામ. 'જ્યુસ' (શોર્ટ ફિલ્મ)', 'અજીબ દાસ્તાન્સ,' 'જલસા,' 'ડાલગ્સ,' અને સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે 'દિલ્હી ક્રાઇમ' જેવી સિરીઝથી આપણી સમક્ષ શેફાલીનો એ દોર છે જે એમના પાછલા પ્રભાવશાળી દોરને ઝાંખો પાડી રહ્યો છે. ઓટીટીએ એમની પ્રતિભાને ખરા અર્થમાં ન્યાય આપ્યો છે અન્યથા, બોલિવુડમાં તેઓ નગણ્ય પાત્રોમાં અટવાયેલાં રહી જાત. ઇન ફેક્ટ, આયુષ્માન ખુરાના જેવા સ્ટાર સાથેની એમની ફિલ્મ 'ડોક્ટર જી' જે નથી કરી શકી એ ઓટીટીએ એમના માટે કર્યું છે. 

ટૂંકમાં, સ્ટારડમ હવે બિગ બજેટ ફિલ્મોની, બે-ચાર હજાર સિનેમાઘરોમાં પ્રદશત થતી ફિલ્મોનું મોહતાજ નથી. હવે એનો એક રસ્તો ઓટીટીથી થઈને પસાર થાય છે.