Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : In the film "Raazi", Gulzar composed songs that were different in style, which are very emotional

Chitralok: ફિલ્મ "રાઝી"માં ગુલઝારે જુદી ભાત પાડતાં ગીતો રચ્યાં, જેના શબ્દોનો ગૂઢાર્થ સાંભળનારની આંખો ભીની કરી દે

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: ફિલ્મ "રાઝી"માં ગુલઝારે જુદી ભાત પાડતાં ગીતો રચ્યાં, જેના શબ્દોનો ગૂઢાર્થ સાંભળનારની આંખો ભીની કરી દે
સોર્સ : GSTV

અત્યારે ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ખૂંખાર જંગ ચાલી રહ્યો છે. આજે ૧૯૭૧નું ભારત પાકિસ્તાન યુદ્ધ યાદ આવે છે. ૧૯૭૦ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનમાં જનરલ યાહ્યા ખાનની આગેવાની હેઠળ પાકિસ્તાની લશ્કર બંગાળી પ્રજા પર બેફામ સિતમ વરસાવી રહ્યું હતું. એ સમયે ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય લશ્કરે એક ગજબનું સાહસ કર્યું હતું. એક કશ્મીરી યુવતી સહમત ખાન (આ નામ કાલ્પનિક છે)ને જરા અલગ રીતે પાકિસ્તાન મોકલીને જાસૂસી કરાવી હતી. પાકિસ્તાની લશ્કરના એક અફસર સાથે સહમતના નિકાહ કરાવ્યા હતા. પતિગૃહે રહીને જીવના જોખમે સહમતે જાસૂસી કરી રહી હતી. એ કામ કરતી વખતે સહમતે એકાદ બે પાકિસ્તાનીને ના છૂટકે અવ્વલ મંઝિલે પહોંચાડી દેવા પડયા હતા. કામ પૂરું થયે એ સહીસલામત ભારત પાછી ફરી હતી. એ સમયે એ પાકિસ્તાની પતિથી ગર્ભવતી હતી. એને પુત્ર જન્મ્યો. આજે એ પુત્ર યુવાન થઇ ચૂક્યો છે અને ભારતીય લશ્કરમાં ફરજ બજાવી રહ્યો છે. સહમત પાછી ફરી ત્યારે એને અગાઉથી પ્રેમ કરનારા કશ્મીરી યુવકે એની સાથે લગ્ન કરવાની તૈયારી દાખવી હતી, પરંતુ સહમત ફરી પરણવા તૈયાર નહોતી. એ પોતાની ઓળખ છૂપાવીને શાંતિપૂર્ણ રીતે જીવવા માગતી હતી. ૨૦૧૮માં સહમતનું અવસાન થયું.

App Store

એક પંજાબી લેખક હરીન્દર સિક્કાએ સહમતના અનુભવો પરથી 'કોલિંગ સહમત' નામની નવલકથા લખી હતી. આ નવલકથામાં કેટલાક કાલ્પનિક પ્રસંગો ઉમેરીને નિર્માતા વિનિત જૈન, કરણ જોહર અને નિર્દેશિકા મેઘના ગુલઝારે એક સુપરહિટ ફિલ્મ બનાવી હતી- રાઝી. આ ફિલ્મમાં સહમતના પાત્રને આલિયા ભટ્ટે સખ્ખત પુરુષાર્થ દ્વારા જીવંત કર્યું હતું. આલિયાએ રીતસર પાત્રમાં પ્રાણ રેડી દીધા હતા. ૧૦૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં રાજી ક્રમની દ્રષ્ટિએ બીજી ફિલ્મ હતી. આલિયા સાથે વીકી કૌશલ, જયદીપ અહલાવત વગેરેએ અભિનય કર્યો હતો. આર્ટ ડિરેક્ટરે હુબહુ પાકિસ્તાન જેવા સેટ્સ તૈયાર કર્યા હતા. દેખીતી રીતે જ પાકિસ્તાને પોતાની આબરુ ધૂળમાં ન મળી જાય એટલા ખાતર આ ફિલ્મ પોતાને ત્યાં બેન કરી હતી. ફિલ્મની કથાનો વેગ ઝડપી રાખવા ફિલ્મમાં માત્ર ત્રણેક ગીતો રાખવામાં આવ્યા હતા. સંગીત શંકર-એહસાન-લોયનું હતું. 

ગીતોની વાત કરતી વખતે એક મુદ્દો ખાસ નોંધવા જેવો છે. આ મહિલા જાસૂસીની તેમજ ઝડપથી વહેતા પ્રસંગો પર આધારિત ફિલ્મ હતી એટલે સંખ્યાની દ્રષ્ટિએ વધુ અને લાંબાં ગીતો લઇ શકાય એમ નહોતું.

ગીતો ગુલઝારે રચ્યાં છે. અહીં ગુલઝારે જુદી ભાત પાડતાં ગીતો આપ્યાં એમ કહીએ તો ચાલે. અગાઉ આપણને કન્યાવિદાયનાં કેટલાંક યાદગાર ગીતો મળ્યાં છે. દાખલા તરીકે 'પી કે ઘર આજ પ્યારી દૂલ્હનિયાં ચલી...' (ફિલ્મ 'મધર ઇન્ડિયા', સંગીત 'નૌશાદ'), 'બાબુલ કી દુઆએં લેતી જા, જા તુઝ કો સુખી સંસાર મિલે...'(ફિલ્મ 'નીલકમલ', સંગીત રવિ) વગેરે. અહીં ગુલઝારે જુદી રીતે વાત કરી છે- 'ઊંગલી પકડ કે મુઝે ચલના સીખાયા થા ના? દહલીજ ઊંચી હૈ યે, પાર કરા દે, બાબા મૈં તેરી મલકા, મૈં તેરા રાજા બેટા, ટુકડા હું તેરે દિલ કા, ઇકબાર ફિર સે યે દહલીજ પાર કરા દે...' 


શબ્દોની ભીતરનો ગૂઢાર્થ સાંભળનારની આંખો ભીની કરી દે છે. આ દેશ, આ વાતાવરણ, આ રહેણીકરણી, આ સંસ્કૃતિ વગેરે અત્યારે તો છોડી દેવાનાં છે. જીવના જોખમે સાસરે જઇને કામ કરવાનું છે. ગીતના ભાવને પકડીને સંગીતકાર શંકર-એહસાન-લોયે ગીતને સ્નેહસભર કરુણ સ્વરોથી તર્જને સજાવી છે. હર્ષદીપ કૌર, વિભા શરાફ અને શંકર મહાદેવને પોતે આ ગીતને કંઠ આપ્યો છે. બીજી વાર આ ગીત અરિજિત સિંઘના કંઠે એ જ તર્જ-લયમાં સાંભળવા મળે છે. અરિજિતે પણ ગીતના ભાવને જીવંત કરવા સારી મહેનત કરી છે.

વધુ એક તાજગીપૂર્ણ ગીત અરિજિતે જમાવ્યું છે. શબ્દો ફિલ્મના પાત્રને પાનો ચડાવે એવા છે- 'પુરપેચ હૈં રાહેં જીવન કી, કિસ્મત એક ટેઢી બાજી હૈ, તુમ હાથ પકડ લો ઇરાદે કા, રાહ સીધી હૈ 'ગર દિલ રાજી, અગર દિલ રાજી હૈ, લગન કી બાજી હૈ, ચોટ ભી તાજી હૈ, લગા દે દાવ પર દિલ, અગર દિલ રાજી હૈ...' આ ગીત પણ અરિજિતના કંઠમાં છે.

મુખ્ય પાત્ર લગ્ન પછી પાકિસ્તાન તરફ રવાના થાય છે ત્યારની એની માનસિકતાને રજૂ કરતું અને પાછળથી પ્રસંગોપાત્ રજૂ થતું ગીત અરિજિત સિંઘ અને સુનિધિ ચૌહાણના કંઠમાં છે. સામાન્ય રીતે રોમાન્સરંગી ગીતો માટે વપરાતા રાગ પહાડીમાં સંગીતકારોએ આ ગીતના શબ્દોને બહેલાવ્યા છે. ગીતનો કેન્દ્રવર્તી વિચાર દેશપ્રેમનો છે. અહીં પણ ગુલઝારે પોતાની રીતે ગીત રચ્યું છે- 'અય વતન, મેરે વતન, અય વતન, આબાદ રહે તૂ...' અંતરામાં ગુલઝારે હિન્દી શબ્દ 'જહાં'નો શ્લેષ કર્યો છે. કહો કે જરા હટકે પ્રયોગ કર્યો છે. જુઓ, 'મૈં જહાં રહું જહાં મેં, યાદ રહે તૂ, તૂ હી મેરી મંજિલ, પહચાન તુઝી સે, પહુંચું મૈં જહાં ભી...' ક્યા બાત હૈ ગુલઝાર. કમાલ કરી છે.

અગાઉ કહ્યું એમ નારી પ્રધાન અને અલગ પ્રકારની કથાવસ્તુ હોવા છતાં ફિલ્મને ધૂમ સફળતા મળેલી અને આ ફિલ્મથી આલિયા ભટ્ટની કરીઅર ગ્રાફ ઔર ઊંચો ચડયો.