Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : When he earned more than his father in a day

Chitralok: જ્યારે પિતા કરતા પણ વધુ કમાણી એક દિવસમાં કરી... વાંચો જ્હોની લિવરના સંઘર્ષના દિવસો

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Chitralok: જ્યારે પિતા કરતા પણ વધુ કમાણી એક દિવસમાં કરી... વાંચો જ્હોની લિવરના સંઘર્ષના દિવસો
સોર્સ : gstv

ભારતના ફિલ્મ ઉદ્યોગમાં કોમેડી એક્ટર્સની એક લાંબી પરંપરા રહી છે. એક પછી એક અભિનેતાઓ એકમેકની સહાયથી મુંબઇમાં સંઘર્ષ કરી પોતાની જ્વલંત કારકિર્દી બનાવે તેવી એક લાંબી પરંપરા રહી છે. આ પરંપરાનો હિસ્સો બનેલાં જ્હોની લિવર  પોતાના ઘડતરની વાત માંડીને કરે છે...ઓવર ટુ જ્હોનીભાઇ...

App Store

મારો જન્મ મુબઇમાં થયો છે અને મારું નામ જ્હોન પ્રકાશરાવ જાનુમાલા યાને જ્હોની લિવર છે. કોેમેડીનો જમાનો ટીવી શોને કારણે લોકપ્રિય બન્યો એ પહેલાંના સમયથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતો હોઇ મારા નામે ૩૦૦ કરતાં વધારે ફિલ્મો બોલે છે જેમાં મેં મારી કોમેડીની કમાલ બતાવી છે. આ બધાની શરૂઆત ડાન્સથી થઇ. હું નાનો હતો ત્યારે મને ડાન્સ કરવાનો ભારેે શોખ હતો. એ જમાનામાં રેકોર્ડ ડાન્સ કાર્યક્રમોનું મોટાપાયે આયોજન કરવામાં આવતું હતું. જુનિયર મહેમૂદના આવા એક શોને જોયા બાદ મને પણ આ શોમાં ભાગ લેવાનું મન થયું.  મેં તેમાં ભાગ પણ લીધો. બાદમાં અઢાર વર્ષની ઉંમરે મેં મિમિક્રી કરવાની શરૂઆત કરી. મારા પિતા અને કાકા એ સમયે હિન્દુસ્તાન લિવર કંપનીમાં કામ કરતાં હતા. હું જ્યારે ૧૮ વર્ષનો થયો એટલે હું પણ કંપનીમાં જોડાઇ ગયો. એ સમયે મને મારો પહેલો પગાર છસો રૂપિયા મળ્યો હતો. એ સમયે મારા પિતાનો પગાર ૧૫૦૦ રૂપિયા હતો. મારા પિતા મારા કામને મહત્વનું ગણતાં નહીં અને પૂછતાં આખરે આ કરે છે શું? 

દરમ્યાન મને ઓરકેસ્ટ્રામાં કામ મળવા માંડયું. દરેક શોમાં મને દોઢસો- બસો રૂપિયાની કમાણી થઇ જતી હતી. એક દિવસ મને એક એડ કરવાની ઓફર મળી. કછુઆ જલાઓ મચ્છર ભગાઓ. શેખર કપૂરે નિર્દેશિત કરેલી આ એડમાં મેં ઓમ પ્રકાશજી અને રાજકુમારજીનો અવાજ રજૂ કર્યો હતો. મને આ કામ માટે એક દિવસના ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. એ સમયે આ મોટી રકમ હતી. મેં એ દિવસે ઘરે જઇને મારી માતાને કહેલું, મારા પિતાને આખી જિંદગી નોકરી કર્યા બાદ રિટાયર થયા ત્યારે ૩૫,૦૦૦ રૂપિયા મળ્યા જ્યારે હું એક જ દિવસમાં ૨૫,૦૦૦ રૂપિયા કમાઇ લાવ્યો છું. આ દિવસ પછી મારા પિતાએ મને કદી હું શું કરૃં છું તે પૂછ્યું નહીં. 

બસ, એ પછી તો હું ઓરકેસ્ટ્રામાં ફૂલ ટાઇમ કામ કરવા માંડયો, મેં હિન્દુસ્તાન લિવર કંપનીની નોકરી પણ છોડી દીધી. પણ તેનું નામ આજે  ય મારા નામ સાથે જોડાયેલું છે. હું ઓરકેસ્ટ્રામોં કલ્યાણજી આણંદજી સાથે જોડાયો અને મેં તેમની સાથે ૧૯૭૯માં મારી પહેલી ઇંગ્લેન્ડની ટૂર કરી.હું તેમના ઓરકેસ્ટ્રામાં સ્ટેન્ડ અપ કોમેડી કરતો હતો. કલ્યાણજી આણંદજી મારફતે જ મને ફિલ્મની ઓફર્સ મળવા માંડી. 

એ જમાનો કેસેટ પ્લેયર્સનો હતો. લોકો ટેપ રેકોર્ડર્સમાં ગીતોની અને કોમેડીની કેસેટો સાંભળતાં રહેતા હતા. એ સમયે મેં મારી હંસી કે હંગામે નામની કેસેટ બહાર પાડી હતી. જે આખી દુનિયામાં લોકપ્રિય બની હતી. ફિલ્મ મેકર્સ હવે મને તેમની ફિલ્મોમાં મિમિક્રી કરવા માટે બોલાવવા માંડયા. મને એ જમાનામાં લવ ૮૬, ૧૯૮૭માં આવેલી જલવા, ૧૯૮૮માં આવેલી તેઝાબ અને ૧૯૯૧માં નરસિંહા ફિલ્મમાં કામ કરવા મળ્યું હતું. જલવા પછી મારી લોકપ્રિયતામાં વધારો થયો હતો. તેઝાબના દિગ્દર્શક એન. ચન્દ્રાએ મને એક્ટિંગ કરતાં શીખવ્યું. હું એક્ટિંગના પાઠ ભણવા માંડયો હતો. હું એ સમયે જ્હોની વોકર, કિશોર કુમાર અને મહેમૂદભાઇની ફિલ્મો જોઇ તેમની કોમેડીના પાઠ ભણતો હતો. હું ચાર્લી ચેપ્લિનનો પણ મોટો ચાહક હોઇ તેમની ફિલ્મો હું બહું બારીકાઇથી જોતો હતો. ધીમે ધીમે લોકો એમ કહેવા માંડયા કે આ છોકરો મિમિક્રી કરવા ઉપરાંત પણ ઘણું કરી શકે તેમ છે. 

મારી કારકિર્દીમાં બાઝીગર ફિલ્મનું સ્થાન વિશિષ્ટ છે. આ ફિલ્મમાં તમે જે હ્યુમર જુઓ છો તે સ્પોટ પર જ ઉભી કરેલી છે. ડબિંગ કરતી વખતે પણ મારી પાસે લેખિત સંવાદો નહોતાં. આ ફિલ્મ દ્વારા હું રાતોરાત ભારે ફેમસ થઇ ગયો હતો. ૧૯૯૨ પછી મેં કદી પાછું વળીને જોયું નથી. આઠ વર્ષ એટલે કે ૨૦૦૦ની સાલ સુધી મારો સિતારો બુલંદ હતો. એ સમયે ભાગ્યે જ કોઇ એવી ફિલ્મ બનતી જેમાં મારું કામ ન હોય.  હું એ સમયે મશીનની જેમ રોજ ૧૪થી ૧૫ કલાક કામ કરતો હતો. ઘણીવાર હું એક જ દિવસમાં પાંચ ફિલ્મોના શૂટિંગ કરતો હતો. મારી સાથે એ સમયે ગોવિંદા પણ એટલો જ વ્યસ્ત રહેતો હતો. એકવાર તો કામ પુરૃં કરી હું સેટ પર જ સૂઇ ગયો હતો. કેમ કે બીજા દિવસે સવારે એટલે કે થોડા કલાક બાદ એ જ સેટ પર કામ કરવા આવવાનું હતું. આ રૂટિન એટલો લાંબો સમય ચાલ્યું કે એક સમયે તો મારા સંતાનો પણ મને ઓળખતાં નહોતાં. 

પણ એકસરખાં દિવસ કોઇના જાતાં નથી એ ન્યાયે ૨૦૦૦ પછી કામ અચાનક સાવ બંધ થઇ ગયું. દસ વર્ષ ભરપૂર કામ કર્યા બાદ બેકારીનો તબક્કો લગભગ તેર વર્ષ સુધી ચાલ્યો. આ સમયગાળામાં મેં માંડ ચાર કે પાંચ ફિલ્મો કરી હતી. મુશ્કેલ સમયમાં પણ હું હતાશ થયો નહોતો કે મારી ફી ઓછી કરી નહોતી. જ્યારે મારું કામ સારું ચાલતું હતું ત્યારે હું ઘણો દારૂ પીતો હતો પણ થોડા વર્ષ બાદ મેં પીવાનું બંધ કરી દીધું. જ્યારે પડતી શરૂ થઇ ત્યારે પણ મેં ફરી પીવાનું શરૂ કર્યું નહોતું. આ સમયગાળામાં મેં બહું થોડી ફિલ્મો કરી પણ મારું વાંચન ઘણું  વધ્યું. આ  સમયગાળામાં મેં મન્ટોનું સાહિત્ય વાંચ્યું. વાંચનની ટેવ એવી જોરદાર પડેલી કે મને ગરદન વાળવાની સમસ્યા થઇ ગઇ હતી. આ સમયગાળામાં મેં મરાઠી થિયેટર જોયું. ૨૦૧૫માં મારું પુનરાગમન થયું. ઓલ ધ બેસ્ટ અને ગોલમાલ બાદ મારી બીજી ઇનિંગની શરૂઆત થઇ. 

પણ આ જ અરસામાં મારા પુત્ર જેસ્સીને ગળામાં ગાંઠ નીકળી હતી. તે જ્યારે દસ વર્ષનો હતો ત્યારે તેને કેન્સર થયુ ંહોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોનું કહેવું હતું કે ગળામાંથી ગાંઠ કાઢવાનું કામ મુશ્કેલ છે અને જો કોઇ નસ કપાઇ જાય તો તેને પેરેલિસિસ પણ થઇ શકે છે. પછી અમે મારા પુત્રને યુએસએ લઇ ગયા. જ્યાં તેની સારી સારવાર થઇ. આ જ સમયગાળામાં મારું કામ પણ ઓછું થઇ ગયું હતું. આ સમયગાળામાં હું મારા સંતાનો સાથે દુનિયાભરમાં ફર્યો. જસ્સી સારો પણ થઇ ગયો. મને આ તબક્કામાં સમજાયું કે જિંદગીમાં ક્યારે કશું પણ બની શકે છે.સફળતા મેળવવી સહેલી છે પણ તેને ટકાવી રાખવી બહું અઘરી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તમને નામ, દામ અને નાણાં મળવા માંડે એટલે તમે એમ માનવા માંડો છો કે આ બધું કાયમ રહેશે. પછી અચાનક જિંદગી થંભી જાય અને એવો અંધકાર છવાય છે કે કોઇ તમને જોઇ શકતું નથી. મારા પુત્રની પીડાએ મને શીખવ્યું કે જિંદગી એ કોમેડી નથી. જિંદગી તો જંગ છે,જેને લડવા માટે તમારે હમેંશા તૈયાર રહેવું પડે છે. પણ મારી જિંદગીના જંગમાં મારી પત્નીનો ફાળો જબરદસ્ત છે. તેના વિના હ  ુંકશું પણ નથી. તેણે માત્ર મારી જ નહીં પણ મારા આખા પરિવારની સંભાળ લીધી છે. જીવનના કોઇ તબકકે મારે મારા પરિવારની ચિંતા કરવાની જરૂર પડી નથી. 

હવે તો મારી પુત્રી જેમી લિવર મારો વારસો સંભાળી રહી છે. તે આ લાઇનમાં કેવી રીતે આવી તેની પણ રસિક કહાની છે. તેણે લંડનની યુનિવર્સિટી ઓફ વેન્સ્ટમિન્સ્ટરમાંથી માર્કેટિંગ કમ્યુનિકેશન્સની માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તે શરૂઆતમાં તો પોતાનો બિઝનેસ કરવા માંગતી હતી. એક દિવસ લંડનમાં તેની ઇન્ટર્નશિપ દરમ્યાન તેણે મને ફોન કર્યો અને મને કહે કે ત સ્ટેન્ડ અપ કોમેડિયન બનવા માંગે છે. તે તેના મિત્રો સાથે એક કાફેમાં ગઇ હતી જ્યાં એક છોકરો સ્ટેન્ડ અપ કોમેડી પરફોર્મ કરી રહ્યો હતો. પણ તેનું કામ એટલું ખરાબ હતું કે જેમીને લાગ્યું કે તે પણ આનાથી ઘણું સારું તો કરી શકે. તેણે મને કોલ કર્યો પણ હું તરત તો તૈયાર ન થયો. કારણ કે આ સહેલું કામ નથી. બાદમાં મારો જ્યારે લંડનમાં શો હતો ત્યારે મેં મારા શોમાં તેને સ્ટેજ પર પાંચ મિનિટ ફાળવી અને કહ્યું કે જો તે બરાબર પરફોર્મ કરશે તો હું તેને અટકાવીશ નહીં. તેણે એવું સરસ પરફોર્મ કર્યું કે તેને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. એ પછી તેણે પણ કદી પાછું વળીને જોયું નથી. મેં કદી તેના માટે સિફારશ કરી નથી. તેણે બધું પોતાની પ્રતિભાને જોરે જ હાંસલ કર્યું છે. આમ, જ્હોની ટુ જામી સફર ચાલુ છે અને તેમાં લિવર તો દર્શકના હાથમાં જ અકબંધ છે!