Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Beware of harmful houseplants: Take precaution before enjoying greenery

Sahiyar : હાનિકારક ઘરેલુ છોડથી સાવધાન: ઈન્ડોર હરિયાળીનો આનંદ માણવા પહેલા સાવચેતી રાખવી

Timeછેલ્લું અપડેટ : 27 May 2025
લાઇવ ટીવીGoogle News
Sahiyar : હાનિકારક ઘરેલુ છોડથી સાવધાન: ઈન્ડોર હરિયાળીનો આનંદ માણવા પહેલા સાવચેતી રાખવી

હવાની ગુણવત્તા સુધારવા,તાણમાં ઘટાડો કરવા અને રહેણાંક સ્થળોની એકંદર સુંદરતા નિખારવાની તેમની ક્ષમતાને કારણે લાંબા સમયથી ઈન્ડોર બાગાયતીના ગુણગાન ગવાય છે.

App Store

એમાં કોઈ શક નથી કે ઈન્ડોર છોડવાઓ ઘરમાં આકર્ષણ વધારે છે,હવા શુદ્ધ કરે છે અને એકંદર સુખાકારીમાં વધારો કરે છે. જો કે તમામ છોડ સરખા નથી હોતા અને કેટલાક છોડ યોગ્ય સાવચેતી અને જાળવણી વિના નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ડીફેનબેચિયા, ઓલીયન્ડર અને પોથોસ જેવા છોડમાં ઝેરીલા ઘટકો હોય છે જેના સ્પર્શથી ત્વચામાં બળતરા અથવા સેવનથી પાચન ક્રિયામાં તકલીફ તેમજ આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. એલો વેરા જેવા અત્યંત ઉપયોગ છોડ પણ યોગ્ય રીતે સેવન કરવામાં ન આવે તો હાનિકારક સાબિત થઈ શકે છે. સુરક્ષિત ઈન્ડોર વાતાવરણ જાળવી રાખવા પ્રત્યેક છોડના વિષયુક્ત લક્ષણો વિશે અભ્યાસ કરવો મહત્વનો છે અને જોખમી જણાતા છોડને ખાસ કરીને બાળકો અને પાલતુ પ્રાણીઓની પહોંચની બહાર રાખવા તેમજ પુરતી સ્વચ્છતા અને સંભાળ રાખવી જરૂરી છે. સામાન્ય જણાતા ઈન્ડોર છોડ સાથે સંકળાયેલા જોખમો વિશે જાણકારી તેમજ સુરક્ષિત અને સુંદર ઈન્ડોર બગીચો બનાવવા માટે જરૂરી સાવચેતી વિશે થોડી માહિતી મેળવી લઈએ.

- ડીફેનબેચિયા

ડીફેનબેચિયા પોતાના ગાઢ લીલા રંગ અને આકર્ષક દેખાવના પાંદડા માટે લોકપ્રિય ઘરેલુ છોડ છે. જો કે તેમાં રહેલા કેલ્શિયમ ઓક્સેલેટ ક્રીસ્ટલ્સ ત્વચા સાથે સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા અને ખુજલી થઈ શકે છે. આ છોડ ખાસ કરીને પાળેલા પ્રાણીઓ અને બાળકોને તેના પાંદડા ચાવવાની ઇચ્છા થઈ આવે તો તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. આથી માસૂમોને સુરક્ષિત રાખવા ડીફેનબેચિયાને તેમની પહોંચથી દૂર રાખવાની તકેદારી રાખવી.

- એલો વેરા

એલો વેરા ખાસ કરીને જલન અને ત્વચાની વિકૃતિઓ માટે તેની ઉપચાર ક્ષમતા માટે પ્રસિદ્ધ છે. છતાં છોડની અંદરના લેટેક્સના સેવનથી પાચન ક્રિયા તેમજ અન્ય સમસ્યા થઈ શકે છે. એલો વેરા જેલ નિષ્ણાંતોની સલાહ મુજબ ઉપયોગમાં લેવું અને છોડના કોઈપણ હિસ્સાના સેવન દરમ્યાન તકેદારી રાખવી.

- પીસ લીલી

પીસ લીલી તેના સુંદર સફેદ ફૂલો અને હવા શુદ્ધિકરણની ક્ષમતા માટે પ્રસિદ્ધ છે. સામાન્યપણે તે નિર્દોષ હોય છે પણ કેટલીક વ્યક્તિઓને છોડના રસના સંપર્કમાં આવતા ત્વચાની બળતરા અથવા એલર્જીની સમસ્યા થાય છે. દુર્લભ કેસોમાં પીસ લીલીના સેવનથી પાચન ક્રિયાની સમસ્યા તેમજ અરુચિ ઉત્પન્ન થાય છે. આ છોડને સ્પર્શ કર્યા પછી હાથ સારી રીતે ધોઈ નાખવા અને આ છોડને પણ બાળકો તેમજ પાળેલા પ્રાણીઓની પહોંચથી દૂર રાખવો. તેમને કદાચ આ છોડના પાંદડા ચાવવાની ઈચ્છા થાય તો સમસ્યા સર્જાઈ શકે છે.

- ઓલીયન્ડર

લોકપ્રિય ઈન્ડોર ઝાડી ઓલીયન્ડરમાં અતિશય માત્રામાં વિષયુક્ત કાર્ડિયાક ગ્લાયકોસાઈડ્સ હોય છે જે ઓછી માત્રામાં પણ આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યા સર્જી શકે છે. આથી જ ઓલીયન્ડરને બાળકો અને પાળેલા પ્રાણીઓની પહોંચની બહાર રાખવા જરૂરી છે.

- પોથોસ

શૈતાની લીલ તરીકે પણ ઓળખાતો પોથોસ સખત અને આકર્ષક છોડ છે. તેના ઓછા જાળવણી ખર્ચ છતાં તેમાં ડીફેનબેચિયા જેવા ઓક્સેલેટ હોય છે જેના સેવનથી અથવા સંપર્કથી ત્વચામાં બળતરા થઈ શકે છે. આથી જ પોથોસ બાળકોની પહોંચની બહાર હોય તેની ખાતરી કરવી અને તેને સ્પર્શ કર્યા પછી હાથ સારી રીતે સ્વચ્છ કરી લેવા.

- જોખમો સામે તકેદારી

ઈન્ડોર છોડના અનેક લાભ માણવા તેમજ આરોગ્ય સંબંધિત તેના જોખમો ઓછા કરવા નીચે મુજબની તકેદારી લેવી જરૂરી છે:

- છોડ ખરીદવા અગાઉ પૂરતો અભ્યાસ કરવો

ઘરમાં નવો છોડ લાવવા અગાઉ તેના વિશે પૂરતા પ્રમાણમાં જાણકારી મેળવી લેવી જરૂરી છે. તેના સંભવિત વિષયુક્ત લક્ષણો તેમજ તેની ખાસ સંભાળના સૂચનો વિશે પૂરતી માહિતી મેળવી લેવી.

- જોખમો છોડ બાળકોથી દૂર રાખવા

આરોગ્ય માટે જોખમી હોય તેવા છોડને બાળકો તેમજ પાળેલા પ્રાણીઓની પહોંચથી દૂર રાખવા. બાળકો અથવા પાળેલા પ્રાણીઓને આવા છોડના પાંદડા ચાવવાની લાલચ થઈ શકે છે જેનાથી તેમને નુકસાન થવાની સંભાવના છે.

- યોગ્ય સંભાળ અને જાળવણી

છોડને કરમાતો અથવા વધુ પ્રમાણમાં વિકસીત થતો અટકાવવા તેની નિયમિત સમયે કાપણી કરવી. છોડનો જ્યારે વધુ પ્રમાણમાં વિકાસ થાય છે ત્યારે તેના સંપર્ક અથવા સેવનના જોખમ વધી જાય છે.

- છોડની સંભાળ પછી હાથ સાફ કરવા

છોડને સ્પર્શ કર્યા પછી તેના રસ અથવા કોઈપણ અવશેષો સારી રીતે સાફ કરવા હાથ ધોઈ નાખવા. છોડને સ્પર્શ કર્યા પછી સાફ કર્યા વિના તેનો ઉપયોગ કરવાથી છોડના રસ અથવા અવશેષો મોઢામાંથી શરીરમાં પ્રવેશી શકે છે અને નુકસાન કરી શકે છે.

- નિષ્ણાંતનું માર્ગદર્શન મેળવવું

ઘરની કોઈ વ્યક્તિએ વિષયુક્ત છોડનું સેવન કર્યું હોય તો તુરંત મેડિકલ નિષ્ણાંત અથવા વિષ નિયંત્રણ કેન્દ્રનો સંપર્ક કરવો. એનાથી ઉત્પન્ન થયેલી તકલીફની અવગણના ન કરવી અથવા જાતે ઉપચારનું સાહસ પણ ન કરવું. ડોક્ટરની સલાહ લેવામાં વિલંબ ન કરવો કારણ કે પ્રત્યેક વિષની સારવાર ભિન્ન હોય છે અને વિલંબ કરવાથી ઝેર શરીરમાં પ્રસરી શકે છે. ઈન્ડોર છોડ રહેણાંક જગ્યાની સુંદરતામાં વધારો કરવા ઉપરાંત આરોગ્ય સંબંધિત વિવિધ લાભ પણ આપતા હોવા છતાં વિશિષ્ટ પ્રજાતિ સાથે સંકળાયેલા સંભવિત આરોગ્ય જોખમો વિશે પણ જાણકારી રાખવી જરૂરી છે. છોડની ચિવટપૂર્વક પસંદગી કરીને,તેમને યોગ્ય ગોઠવણી કરવી અને ધ્યાનથી માવજત કરવી જેથી ઈન્ડોર છોડની સુંદરતાનો પૂરો લાભ ઉઠાવી શકાય.

- ઉમેશ ઠક્કર