sahiyar : ભારતની વિવિધ કોમના લગ્નોમાં જોવા મળતી 'પંજાબી રિવાજો'ની ઝલક

દક્ષિણ ભારતીય રાજીવ ઐયર અને સંધ્યા ક્રિષ્ણમૂર્તિ, બંગાળી શર્મિલા ચટોપાધ્યાય અને સુદીપ રૉય તથા ગુજરાતી આકૃતિ પટેલ અને વિરેન પટેલના લગ્ન પ્રસંગે ઘણીખરી સામ્યતા જોવા મળી હતી એમ કોઈ કહે તો નવાઈ લાગવી સહજ છે. દક્ષિણ ભારતીય, બંગાળી અને ગુજરાતીના લગ્ન પ્રસંગમાં વિધિ અને રિવાજમાં આભ-જમીન જેટલો તફાવત હોવાનો જ. તેમાંય દક્ષિણ ભારતીયો પરંપરા અને રીતરિવાજને અનુસરવાની બાબતે રૂઢીચુસ્ત ગણાય છે આથી તેમની લગ્નવિધિમાં અન્ય કોમની વિધિની ઝલક પણ જોવા મળવી અશક્ય છે. પરંતુ ના, હવે દેશની વિવિધ કોમના લગ્નોમાં મહેંદીની રસમ, સંગીતનો જલસો અને ઢોલના તાલે ભાંગડા નૃત્ય કરતાં જાનૈયાઓ જોવા મળે છે.
આજથી બે વર્ષ પૂર્વે જ્યારે રાજીવ ઐયર અને સંધ્યા ક્રિષ્ણમૂર્તિના લગ્નમાં 'હોલે હોલે હો જાએગા પ્યાર' ગીત વગાડવામાં આવ્યું ત્યારે તેમના સગાઓ નારાજ થઈ ગયા હતા. પરંતુ સંધ્યાની માતા શુભલક્ષ્મીએ આ સંગીતને અનુમોદન આપતાં કહ્યું કે 'સંધ્યા દક્ષિણ ભારતીય યુવાનને પરણી રહી છે તે જ અમારા માટે મહત્વની બાબત છે. અમે અત્યંત રૂઢીચુસ્ત ગણાઈએ એટલે સંધ્યા માટે બીજી કોમનો મુરતિયો શોધવો મુશ્કેલ હતો. પણ જ્યારે સંધ્યાએ રાજીવ પર પસંદગી ઉતારી ત્યારે તે દક્ષિણ ભારતીય હોવાની જાણ થતાં અમને હાશકારો થયો હતો. જોકે અમારે આ જુવાનિયાઓની પંજાબી સ્ટાઈલે લગ્ન કરવાની માગને સ્વીકારવી પડી હતી. અને પંજાબીઓની જેવા જ પરિધાનને લગ્નવિધિમાં પહેરવાની છૂટ વરઘોડિયાને આપવી પડી હતી.'
આ માટે કદાચ, ફિલ્મમેકર યશ ચોપરાને જવાબદાર ગણી શકાય. પણ હકીકત એ છે કે આજે મોટા ભાગની ભારતીય કોમની લગ્નવિધિમાં પંજાબી સ્ટાઈલનો વળાંક જોવા મળે છે. લગભગ બધી કોમના વરઘોડિયા બેન્ડ-બાજા, બલ્લે-બલ્લે અને મોટા ભાગના પંજાબી રીત-રિવાજો અપનાવી રહ્યા છે.
સોનેરી ટીલડીઓ અને એમ્બ્રોઈડરીથી ભરચક લાલ અમૃતસરી દુપટ્ટો ઓઢેલી કન્યાને માંડવામાં પધરાવવામાં આવી ત્યારે અચાનક જ 'સોણી બન્નો ચાંદ સી ચમકે' ગીત વાગવા માંડયું હતું. ટેકસાસના પટેલ સમાજ હોલમાં યોજાયેલા આકૃતિ પટેલ અને ટોમ (તરુણ) પટેલના લગ્નમાં ઉપસ્થિત મિત્રો અને સંબંધીઓને ભલે આ ગીતમાં ઝાઝી કશી ખબર ન પડી હોય. પરંતુ પંજાબી વિધિથી લગ્ન કરવાનું પોતાનું સપનું સાકાર થતાં આકૃતિનાં ચહેરા પર હરખ સમાતો નહોતો.
સામાન્ય રીતે ગુજરાતી કન્યાઓ ચોરી ફેરા ફરતી વખતે પાનેતર અને ઘરચોળું પહેરે છે. પરંતુ આકૃતિએ દિલ્હીની એક ડિઝાઈનરને પોતાના શરીરનું માપ ઇમેઈલ કરીને સોનેરી બુટ્ટીઓ અને રેશમ વર્ક કરેલો ફ્યુશીયા રંગનો ફીશટેલ લહેંગો અને ડિઝાઈનર ચોલી તૈયાર કરાવ્યા હતા. પંજાબી નવોઢા બંગડી પર બાંધે છે તે 'કેલરી'નો ઓર્ડર અમૃતસરના ગુરુબજારમાં આપવામાં આવ્યો હતો. 'કલ હો ના હો' ફિલ્મ પરથી આકૃતિએ આ લુક તૈયાર કર્યો હતો અને તેના 'સૌભાગ્ય' માટે બંગડી સાથે કલેરી બાંધવાનો આગ્રહ રાખ્યો હતો.
વેડિંગ પ્લાનરોના મતે બધાને જ પંજાબી સ્ટાઈલથી થતાં લગ્ન ગમે છે. પંજાબીઓમાં લગ્ન પ્રસંગે જે વિધિઓ કે નાચ-ગાનનો જલસો જોવા મળે છે તે અન્ય કોમની લગ્નવિધિમાં ભાગ્યે જ જોવા મળે છે. તેઓ સંગીતને સૌથી વધુ મહત્ત્વ આપે છે. પંજાબી વાનગીઓમાં પણ વૈવિધ્ય હોય છે અને આગવી ઉજવણી દ્વારા તેઓ અંતરનો આનંદ વ્યક્ત કરે છે.
બંગાળી શર્મિલા ચટોપાધ્યાયે નવેમ્બર મહિનામાં પોતાના બંગાળી બોયફ્રેન્ડ સુદીપ રૉય સાથે લગ્ન કર્યા છે. બંગાળીમાં નવવધૂના હાથે-પગે અલતો લગાડવાનો રિવાજ છે. પરંતુ શર્મિલાએ મુંબઈથી ખાસ મહેંદી આર્ટીસ્ટને બોલાવી હતી અને પોતાના હાથે-પગે મહેંદી મુકાવી હતી. તે જ પ્રમાણે રિસેપ્શનમાં લહેંગા ચોલી પહેર્યા હતા. 'મારે મારી મમ્મી અને સાસુ બન્ને સાથે ઘણી માથાકૂટ થઈ હતી. પણ મેં અલતાને બદલે મહેંદી જ મૂકાવી હતી. તેમનું માન રાખીને મેં લગ્નવિધિ સમયે બંગાળી સાડી પહેરી હતી. પરંતુ રિસેપ્શનમાં તો મેં મારી લહેંગો-ચોલી પહેરવાની ઇચ્છા પૂરી કરી લીધી હતી' એમ શર્મિલાએ હરખાતાં કહ્યું હતું.
આ જ પ્રમાણે મુંબઈના એક મેરેજ ગ્રાઉન્ડમાં યોજાયેલા કેથલીક વેડિંગ રિસેપ્શનમાં સુખબીર અને દલેર મહેંદીના ગીતો વાગતા હતા. જાનૈયાઓ 'બલ્લે બલ્લે'ના તાલે નાચતા હતા. અન્ય એક ગોઅન કેથલીકે પણ કબૂલ્યું હતું કે ગત વર્ષે તેના પોતાના લગ્નમાં 'બર્ડી ડાન્સ' અને 'બ્લુ દાનુબ' જેવા પારંપરિક ગીતો સાથે બોલીવૂડના ગીતો પણ તેણે રખાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે થોડા વર્ષો પૂર્વે કેથલીક લગ્નમાં હિન્દી ફિલ્મના ગીતો વગાડવાનો વિચાર કરવો પણ શક્ય નહોતો.
વાસ્તવમાં યશ ચોપરાની 'ચાંદની' ફિલ્મ દ્વારા પંજાબી સ્ટાઈલના લગ્નનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ત્યાર બાદ આવેલી 'હમ આપકે હૈ કૌન' ફિલ્મે આ ટ્રેન્ડને આગળ ધપાવ્યો હતો. આજે વિધિ અને રીત-રિવાજની દ્રષ્ટિએ જોઈએ તો લગ્નો કોસ્મોપોલિટન બની ગયા છે. અન્ય કોમની લગ્નવિધિમાં લાગણી અને દીકરીની વિદાયની દુ:ખનું પ્રમાણ વધારે જોવા મળે છે જ્યારે પંજાબીઓ અત્યંત ઉલ્લાસપૂર્વક લગ્નની ઉજવણી કરે છે. આ જ કારણે આજના જુવાનિયા પંજાબી સ્ટાઈલે જ લગ્ન કરવાનું ભારપૂર્વક જણાવે છે.
લગ્નમાં જોવા મળતી પંજાબી સંસ્કૃતિના રંગે માત્ર ગુજરાતી, બંગાળી કે મદ્રાસીઓ જ નહિ પણ રૂઢીચુસ્ત ગણાતાં રાજસ્થાનીઓ પણ રંગાયા છે. રાજસ્થાનમાં પહેલેથી અત્યંત ધામધૂમપૂર્વક લગ્નની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હવે તેમાં ઘણું પરિવર્તન આવ્યું છે. એક સમયે રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે આંબાના પાન અને કાષ્ટના તોરણથી સજાવટ કરવામાં આવતી હતી. પરંતુ હવે તો વેલ્વેટના સોફાથી લઈને ડિસ્કોલાઈટના તોરણો સુધીનો ફેરફાર થયો છે. તે જ પ્રમાણે પંજાબી ઢોલ વગરના રાજસ્થાની લગ્ન ફિક્કા હોવાની માન્યતા ઘર કરી ગઈ છે.
એવું નથી કે માત્ર લગ્નની વિવિધ વિધિઓમાં જ પંજાબી સ્પર્શ આપવામાં આવે છે. પરંતુ લગ્નના ભોજન સમારંભમાં પણ પંજાબી વાનગીઓની હાજરી ઊડીને આંખે વળગે છે. દક્ષિણ ભારતીય લગ્નોમાં એક તરફ સાંભાર સાદમ પીરસાતું હોય તો બીજી તરફ પનીર બટર મસાલાને પીરસવામાં આવતું હોય છે. તામિલનાડુમાં લગ્નની વિધિ તો ત્યાંની પરંપરા પ્રમાણે જ કરવામાં આવે છે, પરંતુ લગ્ન પૂર્વે મહેંદીની રસમ અને ડાન્સનો કાર્યક્રમ રાખી બોલીવૂડ સ્ટાઈલનો જલસો કરવામાં આવે છે. આ જ પ્રમાણે રિસેપ્શનના મેનૂમાં ફુલકા, આલુગોબી મસાલા અને પનીર બટર મસાલા જેવી વાનગીઓ હોય છે.
સુરતમાં રહેલી સુરભી મોદીએ ફેબુ્રઆરીમાં થનારા પોતાના લગ્નની ઉજવણીનો આઠ દિવસનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આ અંતર્ગત સુરભીએ સંગીત સંધ્યાના કાર્યક્રમ માટે મિત્રો અને સગાઓને અત્યારથી પ્રેકટીસ કરવાનું જણાવી દીધું છે. કુલ ૬૦ પરફોર્મર ૧૫ પરફોર્મન્સ આપશે અને બાકીના બધાએ ડ્રેસકોડ અનુસાર જ તૈયાર થઈને આવવાનું રહેશે. મોસાળા દરમિયાન મોસાળ પક્ષવાળા ઢોલક વગાડતાં અને નાચતાં આવશે. ગરબા નાઈટમાં ખાસ ભાંગડા સંગીત વગાડવામાં આવશે અને લગ્નની વિધિ સમયે ફુલકારી પટિયાલા તથા પરાંદી પહેરેલી સુરભીની સખીઓ પંજાબી લગ્ન ગીતો ગાશે. ખરેખર, સુરભીએ વેડિંગ પ્લાનરની અદાથી આ આખો પ્રોગ્રામ ઘડીને વડીલોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ગત વર્ષે જૈન પરિવારની દીકરી ઇશિતાએ હીરાના વેપારીના પુત્ર અભિષેક સાથે લગ્ન કર્યા ત્યારે એકતા કપૂરની સિરિયલમાં યોજાતા લગ્ન પ્રસંગ જેવી ઝાકઝમાળ અને વિધિઓનો આગ્રહ રાખ્યો હતો.
ભવ્ય મંડપ, મહેંદી અને ડાન્સની રસમ, ટેલિઅભિનેત્રી જેવો જ મેકઅપ, વસ્ત્રો અને દાગીના તથા સિંદૂર પૂરવાની વિધિ પણ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે ગુજરાતી લગ્નવિધિમાં નવોઢાને સેંથીમાં સિંદુર પુરવાની કે મંગળસૂત્ર પહેરાવાની વિધિનો સમાવેશ થતો નથી. પરંતુ ઇશિતાએ આ વિધિ વગર લગ્ન ન કરવાની જીદ કરી હતી. છેવટે બન્ને પક્ષના વડીલો આ વિધિ માટે સંમત થયા અને ઇશિતાની ઇચ્છા પૂરી થઈ હતી.

