Sahiyar: મુરઝાતા સંબંધને ફરી મહેકતો કરવાના મોકા

ખરાબ સમયની જેમ સારા સમયનો પણ હંમેશા અંત આવે છે અને જો તમારા કહેવાતા સાચા સંબંધ એક તરફી હોય તો તમે ઘણી વખત એવી વ્યક્તિ પર તમારા સમય અને શક્તિનો ખર્ચ કરો છો જે ટૂંક સમયમાં તમારો ભૂતકાળ બની જવાનો છે તમે જો સાચે જ તમારા સંબંધ પ્રત્યે ગંભીર હો તો ફાજલ સમયનો વ્યય કરવાને બદલે તમારે તમારા મનગમતા પાત્રને એ વાતની યાદ અપાવવા પ્રયત્ન કરવો જોઈએ કે એક સમયે તમે સફળ નીવડયા હતા કે તમે એને ગમો અને ગમતા રહો. તમે ફરી એક વાર આ પ્રયત્ન કરી શકો. શક્ય છે કે તમારી એકવિધતા જોઈને એ તમારાથી કંટાળી ગયો હોય અને તમારાથી દૂર થઈ ગયો હોય.
તમે એને ફરજ તો ના પાડી શકો પરંતુ એ માટે પ્રયત્ન ચોક્કસ કરી શકો કે એને એ વાતની યાદ રહે કે એક સમયે તમે એને આકર્ષવામાં સફળ નીવડયા હતા.
પહેરવેશ આકર્ષવા ઉત્તમ વિકલ્પ :
એક દ્રષ્ટિએ જોતા કદાચ આ વધુ પરંતુ લાગશે પરંતુ તમારા મનગમતા પાત્ર માટે સુંદર ડ્રેસ પહેરવાથી તમારી કલ્પના અને ધારણથી બહારના પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. શક્ય છે કે તમે એક વખત સંબંધની ગાંઠે બંધાઈ ગયા હો પછી તમે સારા લાગવાના પ્રયત્ન કદાચ છોડી દીધા હોય અને એને કારણે એ કદાચ કંટાળી ગયો હોય. એને કદાચ એમ લાગ્યું હોય કે હવે તમે તમારી છબી અને વસ્ત્રો પ્રત્યે 'કેરલેસ' થઈ ગયા છે. પરંતુ એક વાત યાદ રાખો કે તમારો દેખાવ એ અત્યંત ગંભીર બાબત છે. આને કારણે તમે તમારી જાતને કેવી રીતે 'પ્રેઝન્ટ' કરો છો એ બાબતે વધુ સમય ફાળવો અને વધુ પ્રયત્નો કરો. એને જે પ્રકારના ડ્રેસ ગમતા હોય એ પ્રકારના ડ્રેસ પહેરીને જૂની યાદો તાજા કરવાનો પ્રયત્ન કરો. તમારો મેકઅપ-વાળની સાજસજાવટ પ્રત્યે નવેસરથી લક્ષ આપો. તમારે કોઈને આંજી નાખવાની જરૂર નથી પરંતુ એને એવું પ્રતીત થવા દો કે તમે હજી એને પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
પાછા મિત્ર બની જાઓ :
મોટા ભાગના પુરુષોને એ ગમતુ હોય છે કે એનો પાર્ટનર એક બેસ્ટ ફ્રેન્ડ પણ બની રહે. જોકે મિત્ર બનવાની ઘેલછામાં દોટ ન મૂકો. એને જ પૂછી જુઓ કે એક કપ કોફી સાથે એ તમારી સાથે કલાકો વીતાવવાનું પસંદ કરશે કે કેમ. તમારા સાથીદારના મિત્રવર્તુળમાં પણ હળવા-ભળવાનો એ રીતે પ્રયત્ન કરો કે એને એમ ન લાગે તમે એની અલાયદી 'સ્પેસ'માં વિક્ષેપ પાડવા માગો છો. તમારા પાર્ટનરમાં એ અનુભૂતિ જગાડવાનો પ્રયત્ન કરો કે એની મિત્ર અથવા ગર્લફ્રેન્ડ તરીકેની એની યાદો અને અનુભવ કેટલા રળિયામણા હતા.
ધીરજ અને ઠંડકથી કામ લ્યો :
એક વસ્તુ તમારે કરવી પણ ન જોઈએ અને એને લાગવી પણ ન જોઈએ કે તમે એની પાછળ ઘેલાં છે. કોઈક સમયે એ વાત વધુ યોગ્ય અને અનુરૂપ બની રહે છે કે તમે તમારા કામમાં વ્યસ્ત રહો અને એને એવું પ્રતીત થવા દો કે તમે એને કોઈક રીતે યાદ કેમ નથી કર્યા. આને કારણે ઢગલાબંધ મેસેજીસ કરવા વાળી તમે તમારા બીજા કામો માટે સમય ફાળવો અને એના પરથી ધ્યાન હટાવી લો. વધુ પડતી દરમિયાનગીરી અથવા 'અટેન્શનને કારણે તમારાથી વધુ દૂર થશે.
ફરી પાછુ યાદ અપાવવાની કોશિષ કરો :
તમારા સંબંધોમાં 'સ્પાર્ક' ફરી પાછો થાય અથવા કાયમ રહે એ માટે ફરી પાછી એ દિવસોની યાદ તાજી કરો જ્યારે તમે પ્રેમમાં પડયા હતા. એજ પ્રમાણેના ટૂંકા-ટચને મધુર સંદેશા પાઠવો જે તમે એક સમયે પાઠવતા હતા. એને એમ પ્રતીત થાય એવો પ્રયત્ન કરો કે એ તમારા માટે ખાસ છે.

