મુખ્ય સામગ્રી પર જાઓ
મેગેઝિન

Shatdal: લક્ષ્મણ રેની કલાના તીર્થમાં અટન

- રસવલ્લરી આદિ કળાને નવા આકાર, રંગ, રૂપ ચિત્ર વિશ્વ વિશાળ હોય છે - અથાગ સાગર જેવું. દેશ-વિદેશના કલાકારોએ તેમાં

Shatdal: લક્ષ્મણ રેની કલાના તીર્થમાં અટન

- રસવલ્લરી

આદિ કળાને નવા આકાર, રંગ, રૂપ

ચિત્ર વિશ્વ વિશાળ હોય છે - અથાગ સાગર જેવું. દેશ-વિદેશના કલાકારોએ તેમાં ખૂબ બધા પ્રયોગો કરીને તેને ઊંચાઈ પર પહોંચાડવાનો કસબ હસ્તગત કર્યો છે. આદિ ચિત્રકળા બધી ચિત્રકળાના મૂળમાં છે એ ન્યાયે આધુનિક ચિત્રોમાં પણ ક્યાંક ક્યાંક તેનું પ્રતિબિંબ જોવા મળે છે. જરૂરી નથી કે આખેઆખાં ચિત્રોનાં પુનરાવર્તન થાય. અથવા રૂપાંતર થાય. ચિત્રોની ખાસિયતોમાંથી કોઈ એક ખાસિયત કે રંગ સાગરમાંથી ચુનંદા રંગોના પ્રયોગો પણ થાય. ઉદાહરણ તરીકે ભૌમિતિક રેખા કે વર્તુળ, ત્રિકોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણમાંથી કોઈ એક પ્રતીકને પણ બદલીને ત્યાં કોઈ નવું તત્ત્વ મૂકાય તો તે અસરકારક અને સુંદર બને જ. અને એમાંય જો મૂળ આકાર યથાવત રાખી એનું વિચારબીજ (કન્સેપ્ટ) બદલીને એમાં નૂતનત્ત્વ ઉમેરવામાં આવે તો ચિત્રનો તો કાયાકલ્પ જ થઇ જાય. 'નવા દ્રષ્ટિકોમથી સર્જન અને વિસ્ફારિત નેત્રે દર્શન' ભયો ભયો ! એક નવી કળાનો જન્મ થાય. કલારસિકોને કંઇક નવું ભાવતું હોય છે જે ભોજનથી વિશેષ હોય છે અને એનો ઓડકાર પણ અમિયલ હોય ! આવા પ્રયોગશીલ કલાકારો જ્યારે 'જરા હટકે' કૃતિઓ પ્રસ્તુત કરે ત્યારે ભાવકોને ઉત્કંઠા જાગે કે આવાં નાવીન્યની પાછળ કેવો વિચારો કેટલાંય મનોમંથન થયાં હશે ત્યારે નવીનતમ કૃતિનો જન્મ થયો હશે ! આજીવન કલાકાર અને કલાગુરુ લક્ષ્મણભાઈ રેવાભાઈ લામ્પડા- 'લક્ષ્મણ રે' એવા ચિત્રકાર છે કે જેમની રગેરગમાં રંગભર રેખાઓ રસળી રહી છે.

કલાકર્મ પૂજા અને ઉત્સવ સ્વરૂપે

કલાકાર અને કલાગુરુ લક્ષ્મણ રે એ વારલીને ધ્યાને રાખીને ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી, આચાર વિચારને ચિત્ર સર્જનમાં ઓળ ઘોળ કરી દીધા. પ્રસંગો, ઉત્સવો, ખેતી, ગ્રામ્ય જીવનને પ્રતીકોના શણગાર્યાં. એમની શૈલી જ શૃંગારિક ! ઘેરા રંગોની છાયા... આંખમાં દ્રષ્ટિમાં આ તે શી માયા ? ચાલો, બે ચાર ચિત્રોની રસકુપ્પી ખોલવી છે ? સફેદ પશ્ચાદ્ભૂમાં ગ્રામ્ય જીવનનો નિખાર ! દોરા લાલ, લીલા, કેસરી રંગો અને કેડે પાતળિયા પાત્રો. પરિવેશ પ્રમાણે દેહના આકાર ! ત્રિકોણમાં મહિલાનુ ઘેરદાર સ્કર્ટ, બે જણી મળીને ઘમ્મર વલોણું ફેરવે ને સાથે ગુસપુસ તો હોય જ ! જુઓ, તાડ પર ચડતો પુરુષ અઘરું કામ મોજથી કરે છોડવાં, બાળકો, મોર, મંદિર, બજાર, કાવડ, ફેરિયા, પશુઓ અનેક બધું જ ગતિશીલ ! લીંપણવાળી અન્ય કૃતિમાં ઝીણવટભરી ચીવટથી વારલીના આકારો. એક જ રંગમાં જાણે બધા રંગો સમાઇ ગયા ! વૈવિધ્ય જુઓ ! ફ્રી હેન્ડ જેવા ચિત્રમાં વસુદેવની સવારી ઉપડી બાળકૃષ્ણને ટોપલામાં લઇને જમુના જળમાં માથે માઝમ રાત જામી છે. તારલિયાની સાક્ષીએ વસુદેવની દેહાકૃતિ એક જ લસરકામાં સમાયેલી દેખાય છે. અન્ય એક ચિત્રમાં અષાઢી બીજની ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની રથયાત્રા આછી ગ્રે-વાદળી પશ્ચાદભૂમાં પાત્રોના પહેરવેશ અને હાથ પગની મુદ્રા તદ્દન ભિન્ન ! રથ ખેંચવાનું દોરડું ય દોડે, ભક્તો દોડે, ટ્રેઇન દોડે ને હેલિકોપ્ટર ઊડે.. બધું જ અનેકવિધ રગો જુદા જુદા કરતબ, રંગછટા, ત્રણે દૈવીજીવોના ચહેરા અને રથ સિખ્ખે જીવંત લાગે અને ચિત્રની કિનારી તેની શોભામાં અભિવૃધ્ધિ કરે !

આ તો વાત થઇ આ ચિત્રગુરુના અદ્યતન ચિત્રોની. પણ તાજેતરમાં સુરતના કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, શ્રી રમણિક ઝાપડિયા થકી સંપાદિત 'ચિત્રકાર લક્ષ્મણ રે નું કલાવિશ્વ' નામક ગ્રંથમાં લક્ષ્મણભાઈની કલા સાધનાની વાત તથા શ્રેણીબધ્ધ શ્વેતશ્યામ અને બહુરંગી ચિત્રોનો જાણે કે મેળો લાગ્યો છે. રેખાંકનો, પ્રસંગચિત્રો, ચાકળા સમ દીસતા ચોરસ ફેઇમનાં ચિત્રો, રાધાકૃષ્ણની જીવનીની ઝાંખી, તેમના યુગલગાન સમા કાલ્પનિક સંવાદો રસિકોનું મન હરી લેવા સક્ષમ છે. એ સંગ્રહ અને તેની માવજત મન મોહી લે.

કલા અને સાહિત્યના સંગમમાં ડૂબકીનો મનોરથ

'ઝૂલા ઝૂલત નંદલાલ રાધે સંગ...'ની ઝાંખી કરાવતું શ્વેતશ્યામ 

રેખાંકન, 'મન પાંચમના મેળા'નું અદ્દલ ચિત્ર, 'સાથી હાથ બઢાના સાથી રે' યાદ આવે એવું શ્રમજીવી બહેનોનું સમૂહ નૃત્ય સમાન કર્મ, 'ગોરમાનો વર કેસરિયો'નાં સ્વપ્ન જોતી બાલિકાઓ, ગોધૂલિટાણે ઘર ભણી જતા પાત્રો ઝીણી લકીરોમાં ઝાઝા ભાવ ભરી જાય છે. સાથે કુદરતનો સાથ પાત્રોની પ્રકૃતિ પણ રજુ કરે એ વિગતો હૃદયસ્પર્શી લાગે છે. નિસર્ગનાં તત્ત્વો સૂર્ય, ચન્દ્ર, તારા, પશુ, પંખી અને માનવીના સહજીવનનો અંદાજ આ ચિત્રોમાં દર્શાવાયો છે. ગુજરાતના લોકજીવનના પ્રત્યક્ષ અનુભવોને તાજા કરતા બહુરંગી રેખીય ચિત્રોમાં આ કલાકર્મીએ પ્રાણ પૂર્યાં છે. કુદરતનાં તત્ત્વો અને માનવીય કારીગરીવાળી ઇમારતોના કમનીય, લાવણ્યસભર આકારો સાથે માનવ શરીરની અદ્વિતીય આકૃતિઓનો સધાતો મેળ આ રસભર ચિત્રોનું જમા પાસું છે. ઘાટા-ઘેરા રંગો હાવ ભાવ અને મો કળાને અદ્ભુત રીતે ઉજાગર કરે છે. 'કાનુડા સંગ જામ્યો છે રાસ...' અને કવિ કુલગુરુ કાલિદાસના મેઘદૂતની યાદ અપાવતી વિરહિણી નાયિકાનું વિષાદયુક્ત એકલગાન... અરજ દર્શકને સ્પર્શી ન જાય તો જ નવાઈ ! 'રાધાજીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે'નો ભાવ રજુ કરતા રાસ લીલા ચિત્રમાં ગોવાળિયાની મસ્તીભરી રમતો આપણી સ્મૃતિને જગાડે અને શ્રી કૃષ્ણલીલાના પ્રસંગો યાદ આવે. વૃક્ષો, પાંદડાં, ફળ-ફૂલનાં રંગ અને તેના આકારોમાં લક્ષ્મણભાઈ મેદાન મારી ગયા છે. કલાના પૂર્વસૂરિઓની યાદ અપાવતા આ નાજુક નમણાં ચિત્રો ચિત્તહર બન્યાં છે તે આ કલાકારની સાધનાની સફરનાં સખી છે. આબાલવૃધ્ધ સૌને આકર્ષિત કરે એવા કેટલાંક 'ફેન્ટસી' ચિત્રો પણ મનોહર છે તેનો રાજીપો !

લસરકો :

કલાકૃતિ દ્વિજ કહેવાય

પહેલાં એ કલાકારના હૃદયમાં જન્મે,

પછી એ એના માધ્યમ પર અવતરે.

ચિત્રકળા થઇ હસ્તકળામાં પરિવર્તન

'જૂનું તે સોનું' કહેવતનું સત્ય બરકરાર રાખી પારંપરિક કલાનાં લેખાં જોખાં તપાસીએ તો એમ પણ કહી શકાય કે 'નવું તે નકામું' નો વિચાર સદંતર નકામો છે. બન્નેનાં સારાં તત્ત્વોને લઇ 'નીરક્ષીર વિવેક' જાળવીને, તેનાં સુંદર સંયોજનો રચીએ તો એ પ્રયોગ જરૂર સફળ થાય. એટલું જ નહિ, કલા જગતમાં એનાં પગરણ ચોક્કસ શુકનવંતા સાબિત થાય. કલા કોઈ જડ ચોકઠામાં પૂરાયેલી ન હોવી જોઇએ. એને સોંદર્યમયી બનાવવા નવાં ઉપકરણોનું આયોજન કરવું જ જોઇએ. એને માટે જોઇએ સૌંદર્યદ્રષ્ટિ, ઝીણું નિરીક્ષણ અને નવાં ડગ ભરવાની હામ ! આપણે ઓડીશાની સૌરા કળાનો પરિચય મેળવ્યો ત્યારે પ્રાચીનતમ કળાં 'વારલી ચિત્રકળા'ને સંભારી હતી ને તે એને ફરીથી યાદ કરીને તેને એક નવું છોગું લગાવીએ. લક્ષ્મણભાઈએ કોરોના કાળની કેદમાં કંઇક રચનાત્મક વિચાર્યું અને વારલીમાં બે ત્રિકોણ અને હાથ-પગની સીધી રેખા તથા સ્ત્રીને માથે અંબોડાની ઓળખમાં થોડો ફેરફાર કર્યો. તેઓ વારલીના આકારોમાં વૈવિધ્ય લાવ્યા. ત્રિકોણને બદલે ગોળાકાર, હૃદયાકાર, ચોરસ, લંબચોરસ, વર્તુળ, અર્ધવર્તુળની કલ્પનાને તેમણે સાકાર કરી. નવતર પ્રયોગના ઉપક્રમે ચિત્રોમાં પ્રાણી, પક્ષી લાવ્યા. ધાર્મિક વિષયો ઉમેર્યા. તહેવારો ઉત્સવો ઉજવ્યા. માધ્યમમાં સુધારો કરી ભીંત કે ભોંયને બદલે પેપર, પ્લાયવુડ, કાપડ, માઉન્ટ બોર્ડ, કેનવાસ આદિના પ્રયોગો કર્યા. રંગ સંયોજનો બદલ્યાં. વારલીમાં બે જ રંગ અહીં તો અનેકાનેક રંગો ! હસ્તકલાનું સ્વરૂપ આપી લીંપણ, દોરી ચોંટાડવી, સૂતળી, કાચ, આભલા વાપરવા આદિ કલાકર્મ પ્રયોજી કર્મમાં આનંદ મઝાનો અનુભવ કર્યો અને કરાવ્યો. રંગ પ્રકાર પણ બદલી જોયા. તૈલ રંગ અને એક્રેલિક રંગો વાપર્યા. પોસ્ટર કલર અને જળરંગોની લહેરી પણ લાવ્યા. અરે ! વારલી ચિત્રોમાં ભરતકામ, પેચવર્ક અને રેતીવર્ક સુધ્ધાં લાવ્યા !

- સુધા ભટ્ટ

આ સમાચાર શેર કરો