મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Sahiyar/ નસબંધી: કુટુંબ નિયોજનનો કાયમી અને સફળ ઈલાજ

રીના ગુસ્સામાં હતી કે જો તેણે નસબંધી કરાવી તો પણ ગર્ભ કેવી રીતે રહી ગયો. એનો સીધો અર

Sahiyar/ નસબંધી: કુટુંબ નિયોજનનો કાયમી અને સફળ ઈલાજ

રીના ગુસ્સામાં હતી કે જો તેણે નસબંધી કરાવી તો પણ ગર્ભ કેવી રીતે રહી ગયો. એનો સીધો અર્થ એવો થાય છે કે ડોક્ટરે ઓપરેશન બરાબર કર્યું નહીં. એ ડોક્ટરને એવો પાઠ ભણાવશે કે જિંદગીભર યાદ રાખશે.

બીજા દિવસે તે ઓફિસ ગઈ ત્યારે પોતાની ફ્રેન્ડ નીલમ સાથે તેને આ અંગે વાતચીત થઈ. નીલમે તેની પૂરી વાત સાંભળી અને સલાહ આપી, 'રીના, તું ગર્ભપાત કરાવી લે.'

'પણ કેમ ? હું બાળકને જરૂ૨ જન્મ આપીશ અને તેની નુકસાનીની રકમ ડોક્ટર પાસેથી વસૂલ કરીશ અને એ તો સુપ્રીમ કોર્ટનો પણ નિર્ણય છે.' રીનાએ તડાક દઈને જવાબ આપી દીધો.

'એ તો ઠીક છે પણ એક વાત જરા મને કહે કે નસબંધી અગાઉ સાવચેતી રાખી હતી ?'

'કેવી સાવચેતીઓ ? મેં તો કોઈ સાવચેતી રાખી નહોતી.'

'ગ્રાહકલક્ષી આ જમાનામાં દરેક વ્યક્તિ કોર્ટ તરફ દોડતી હોય છે. આમ થઈ ગયું, ડોક્ટરની નેગલેકટ કોર્ટ ચાલો. તેમ થઈ ગયું,  ૧૦૦ વર્ષની વ્યક્તિ પણ હોસ્પિટલમાં મૃત્યુ પામે તો પણ ડોક્ટરની નેગલેકટ કોર્ટ ચાલો. આ બધાંથી ડોક્ટર એટલાં પરેશાન થઈ ગયાં છે કે તેનાં પરિણામો સામાન્ય જનતાને ભોગવવાં પડે છે.

નસબંધી ઓપરેશન પછી ૧.૨ ટકા કેસોમાં ગર્ભ રહી જાય છે. એનું કારણ કોઈને ખબર નથી પણ સમગ્ર વિશ્વમાં આવું બની રહ્યું છે. આને માટે ડૉક્ટરને નેગલિજેન્ટ ન માની શકાય. નસબંધી ઓપરેશન નીચેની રીતે કરી શકાય છે - પેટ ખોલીને, દૂરબીનથી પેટ ખોલ્યા વિના અને પેટ ખોલીને માઈક્રોસર્જરી દ્વારા.

નસબંધી ઓપરેશન શું છે?

આ ઓપરેશન હકીકતમાં ફેલોપિયન ટયૂબને બંધ કરવાનું નામ છે. ફેલોપિયન નળીની સંખ્યા બે હોય છે અને પેટના નીચેના ભાગમાં આવેલી હોય છે. એની લંબાઈ લગભગ ૧૦ સેન્ટિમીટર હોય છે. તેનો એક છેડો ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે અને બીજો પેટમાં બીજાશયની પાસે રહેલો હોય છે.

ફેલોપિયન નળીનું કામ:

ફેલોપિયન નળીના ઉદરવાળા ભાગથી ઇંડું બીજાશયમાંથી નીકળીને ગર્ભાશય સુધી પહોંચે છે. ગર્ભાશયમાં આ ઇંડું લગભગ ૨૪ કલાક જીવતું રહે છે. આ સમયગાળા દરમિયાન જો પુરુષનાં શુક્રાણુ ગર્ભાશયમાં પહોંચી જાય તો ઇંડું ફલીકરણ પામે છે અને ઇંડાને ગર્ભાશય સુધી પહોંચાડવાનું હોય છે.

નસબંધીમાં શું થાય છે?

નસબંધીમાં ફેલોપિયન નળીઓના રસ્તા બંધ કરી દેવામાં આવે છે.

પેટ ખોલીને: 

પેટ ખોલવાની રીતમાં પેટના નીચેના ભાગમાં કાપો મૂકીને ફેલોપિયન નળીઓ સુધી પહોંચે છે તથા તેને વચ્ચેથી કાપીને જુદી કરી નાખે છે. આ ઓપરેશનમાં ભૂલ થવાની શક્યતા નથી હોતી પણ ક્યારેક ક્યારેક કુદરતી રીતે અલગ કરેલી નળીઓના ભાગ એક બીજામાં મળી જાય છે.

દૂરબીનથી:

આ રીતમાં પેટની અંદર દૂરબીન નાખીને નળીઓને જુએ છે અને પછી એના પર આવરણ ચઢાવીને રસ્તો બંધ કરી દે છે. આ ઓપરેશનમાં ત્યારે ભૂલ થવાની શક્યતા હોય છે જ્યારે ફેલોપિયન નળીઓ ઓળખાય જ નહીં. પણ કુદરતી રીતે પણ નળીઓ ખૂલી શકે છે અને આવરણથી અલગ કરેલા ભાગ એકબીજાને મળી શકે છે.

પેટ ખોલીને માઈક્રોસર્જરી દ્વારા: 

આ રીતમાં પેટ ખોલીને ફેલોપિયન નળીઓને ઓળખવામાં આવે છે અને તે પછી માઈક્રોસર્જરી દ્વારા નળીનું અંતઃપડ કાપીને જુદું કરી દે છે પણ નળીને કાપતાં નથી.

માઈક્રોસર્જરીના ફાયદા

* જરૂરિયાત હોય ત્યારે સફળતાપૂર્વક ખોલી શકાય છે.

* પોસ્ટ ટયૂબલ લાઈગેશન સિન્ડ્રોમ થવાના ઓછા પ્રસંગો બને છે.

માઈક્રોસર્જરીથી નુકસાન

માઈક્રોસર્જરીમાં ઓપરેશન પછી નળીઓને જોડવાના ચાન્સિસ ૫ થી ૧૦ ટકા સુધીના હોય છે, કારણ કે માત્ર તેમનું અંતઃપડ જ જુદું કરવામાં આવે છે.

પોસ્ટ ટયૂબલ લાઈગેશન સિન્ડ્રોમ શું છે?

આ બીમારીમાં બીજાશય સારી રીતે કામ કરવાનું બંધ કરે છે. તેથી માસિકમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. ફેલોપિયન નળીઓ બાંધતી વખતે ફેલોપિયન રક્તવાહિની પણ કપાઈ જાય છે. આ રક્તવાહિની બીજાશયને પણ લોહી પહોંચાડે છે.

તેના કપાવાથી બીજાશયમાં લોહી ઓછું પહોંચે છે અને તેના કાર્યમાં ગરબડ થાય છે. આ ગરબડને કારણે માસિકની સમસ્યાઓ થઈ જાય છે. માઈક્રોસર્જરીમાં રક્તવાહિની કપાતી નથી. તેથી બીજાશય સારી રીતે કાર્ય કરતું રહે છે.

નસબંધી કરાવો તે પહેલાંની સાવચેતી

* નસબંધી માસિક આવ્યાના એક અઠવાડિયાની અંદર કરાવો.

* નસબંધી કરાવવાનાં ચાર દિવસ અગાઉથી સહવાસ બંધ કરી દો.

* જો સહવાસ કરવો જ હોય તો કોન્ડોમનો જરૂર ઉપયોગ કરો.

* જો કોઈ કારણસર કોન્ડોમ ફાટી જાય તો નસબંધીને પછીના મહિના સુધી મુલતવી રાખો.

* નસબંધી કરાવ્યાના ત્રણ દિવસ સુધી સહવાસ ન કરો.

આ સાવચેતી રાખવાની શું જરૂર છે

વીર્યના શુક્રાણુ સ્ત્રી જનનાંગમાં ૭૨ કલાક સુધી જીવિત રહી શકે છે એવામાં તમે ઓપરેશનના બે દિવસ અગાઉ સહવાસ કર્યો હોય તો તે ફેલોપિયન નળીઓમાં જીવિત હશે અને ઈંડાને ફલિત કરી શકે છે અને ઓપરેશન પછી પણ ગર્ભ રહી શકે છે.

આ રીતે સ્ત્રીબીજ ૨૪ કલાક જીવિત રહી શકે છે. તેથી જો ઓપરેશન અગાઉ ફેલોપિયન નળીમાં ઇંડું હોય તો ઓપરેશન પછી સહવાસ કરવાથી ઇંડું શુક્રાણુ સાથે મળીને ગર્ભ સ્થાપિત કરી શકે છે.

શું માઈક્રો ટયૂબલ સર્જરીની સુવિધા ભારતમાં ઉપલબ્ધ છે

હા, આ સુવિધા ભારતમાં ઉપલબ્ધ છે પણ બહુ ઓછા ડોક્ટર આ ટેક્નિકમાં કેળવાયેલા છે.

શું નસબંધી ફરી ખોલી શકાય છે

હા, નસબંધી ઓપરેશન માઈક્રોસર્જરીનો ઉપયોગ કરીને ફરીથી ખોલી શકાય છે. એટલું જ નહીં, નિસંતાન દંપતીઓની બંધ નળીઓ પણ માઈક્રોસર્જરી દ્વારા ફરીથી ખોલી શકાય છે.

યાદ રાખો

આ ઓપરેશન તો બધાં જ સર્જન કરી આપે છે, પરંતુ ઓપરેશન એવા પ્લાસ્ટિક સર્જન અથવા સ્ત્રીરોગ નિષ્ણાત પાસે જ કરાવો, જે માઈક્રોસર્જરીમાં નિષ્ણાત હોય કારણ કે દરેક સર્જન આ ઓપરેશનમાં નિષ્ણાત નથી હોતા.

કેવા ડોક્ટર એના નિષ્ણાત હોય છે

* પ્લાસ્ટિક સર્જન જેમને માઈક્રોસર્જરીનું જ્ઞાન હોય તથા માઈક્રો ટયૂબલ સર્જરી કરતા હોય.

* સ્ત્રીરોગ સર્જન જેમણે માઈક્રોસર્જરીની ટ્રેનિંગ લીધી હોય.

આ સમાચાર શેર કરો