બાળકોનો આત્મવિશ્વાસ વધારશે આ 7 નાની આદતો, આજે જ તમારા ઘરમાં શરૂ કરો!

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક આત્મવિશ્વાસું અને અચકાયા વિના દરેક સાચી વસ્તુ કરી શકે. પરંતુ ઘણીવાર માતા-પિતાની કેટલીક ભૂલો જ બાળકને ડરપોક બનાવી શકે છે. જ્યારે બાળકને આત્મવિશ્વાસુ અને બોલ્ડ બનાવવા માટે માતા-પિતાએ પોઝિટિવ અને ધૈર્યપૂર્ણ રીત અપનાવવી જોઈએ. 2 વર્ષની ઉંમર પહેલાં તમે ધીમે-ધીમે અહીં બતાવેલી 7 નાની-નાની આદતોને પ્રોત્સાહન આપી શકો છો જે આત્મવિશ્વાસ, વાતચીત કરવાની ક્ષમતા અને આત્મનિર્ભરતા વધારવામાં મદદ કરે છે.
1) તેમને પહેલા પ્રયાસ કરવા દો
અવારનવાર બાળકો કંઈક નવું કરે છે ત્યારે પેરેન્ટ્સ ફટાફટ તેની મદદે હાજર થઈ જાય છે. પરંતુ હંમેશાં એવું કરવું યોગ્ય નથી. રમકડાંને ટોપલીમાં મૂકવાના હોય કે ચમચીથી ખાવાનું હોય, હંમેશાં બાળકની મદદ કરતાં પહેલાં તેને થોડો સમય આપો.
2) તેઓ શું કહેવા માગે છે, તેના પર ધ્યાન આપો
બાળકો જ્યાં સુધી બોલતાં શીખતા નથી ત્યાં સુધી પોતાની વાત ઈશારાથી કહેવાનો પ્રયાસ કરે છે. અવારનવાર ઈશારો કરવો, હાથ લાંબો કરવો, કોઈ અવાજ કે શબ્દ કાઢવો—આ બધું વાતચીતનો જ ભાગ છે. જ્યારે પણ તે કોઈ વસ્તુ તરફ ઈશારો કરે ત્યારે તેને જણાવો કે તે શું માગી રહ્યા છે. જેમ કે જો બોલ તરફ ઈશારો કરે તો તેને કહો કે, 'તારે બોલ જોઈએ છે!'—તેને એ બતાવો કે તેની વાત મહત્વ રાખે છે.
3) તેને ફરીથી પ્રયાસ કરવા પ્રોત્સાહિત કરો
બાળકને હંમેશાં જાતે પ્રયાસ કરવા દો. જેમ કે બ્લોક્સ બનાવતી વખતે જો તે પડી જાય તો કહો, 'અરે વાહ, ચાલો ફરીથી પ્રયાસ કરીએ.' કામ પોતાના હાથમાં લીધા વિના તેને સપોર્ટ કરો. આ તેના ડેવલપમેન્ટમાં મદદ કરે છે.
4) તેને નાના-નાના ઓપ્શન આપો
બાળકને હંમેશાં વસ્તુઓના ઓપ્શન આપવાનો પ્રયાસ કરો. જેમ કે બે શર્ટ, બે પુસ્તકો કે બે સ્નેક્સ બતાવો. નાનકડી નજર કે ઈશારો પણ એ બતાવવાની તેની રીત હોઈ શકે છે કે 'હું આ પસંદ કરું છું!'
5) તેમને વસ્તુઓ એક્સપ્લોર કરવા દો અને તમારી પાસે પાછા આવવા દો
તેને પોતાની નાનકડી દુનિયાને જાણવા-સમજવા દો. બાળકો અવારનવાર એક્સપ્લોર કરીને ઘણું બધું શીખે છે. તેથી તેને વસ્તુઓ એક્સપ્લોર કરવા દો અને તમારી પાસે પાછા આવવા દો. તેનાથી તેને એ ખબર પડશે કે જ્યારે પણ તેને હિંમત, પ્રેમ કે મદદની જરૂર હશે, તમે તેની પાસે જ છો.
6) 'ના!' કહેવાથી ડરો નહીં
તેની એ નાનકડી 'ના!' પણ તેની પસંદગી બતાવવાનો એક પ્રયાસ છે. તમે તેની ભાવનાઓને સમજીને પણ પોતાની વાત પર અડગ રહી શકો છો. 'તું જવા નથી માગતો, હું સમજુ છું. પરંતુ હવે જવાનો સમય થઈ ગયો છે, અને હું તારી મદદ કરીશ.'
7) તેને શીખવો કે મદદ માગવી એ યોગ્ય છે
કોન્ફિડન્સનો અર્થ બધું જ એકલા કરવાનું નથી. તેનો અર્થ એ જાણવું પણ છે કે 'જરૂર પડે ત્યારે હું મમ્મી પાસે મદદ માગી શકું છું.'
નોંધ- યાદ રાખો કે આ માત્ર તકો છે, કોઈ ચેકલિસ્ટ નથી. દરેક બાળક અલગ રીતે મોટું થાય છે. શાંત અને સાવચેત બાળકો પણ કોન્ફિડન્ટ હોઈ શકે છે.

