Recipe : હોળી પર મહેમાનોનું મોઢું કરાવો મીઠું, આ વખતે ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી 'દૂધીની બરફી

રંગોના તહેવાર હોળીને હવે માત્ર 4 દિવસ બાકી છે. એવામાં દરેકના ઘરે તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. હોળી માત્ર રંગો રમવાનો જ નહીં, પણ અવનવી વાનગીઓ ખાવાનો પણ પર્વ છે. આ દિવસે ઘણી જગ્યાએ માલપુઆ બને છે તો ક્યાંક ઘૂઘરા ખવાય છે. પરંતુ જો તમે આ વખતે મીઠાઈમાં કંઈક અલગ અને પૌષ્ટિક સામેલ કરવા માંગતા હોવ, તો તમે દૂધીની બરફી બનાવી શકો છો. દૂધીની બરફી સ્વાસ્થ્ય અને સ્વાદનું અદભૂત કોમ્બિનેશન છે. તમે તેને હોળીના એક દિવસ પહેલા બનાવીને સ્ટોર પણ કરી શકો છો.
કેમ ખાસ છે દૂધીની બરફી?
દૂધીની બરફી પૌષ્ટિક હોવાની સાથે હળવી પણ હોય છે, જે તહેવારોના ભારે ખોરાક વચ્ચે એક આદર્શ મીઠાઈ છે. ઘરે બનાવેલી હોવાથી બજારની ભેળસેળવાળી મીઠાઈઓ ખાઈને બીમાર પડવાની ચિંતા પણ રહેશે નહીં. સામાન્ય રીતે દૂધીનું શાક જોઈને મોઢું બગાડતા લોકો પણ જ્યારે આ ટેસ્ટી બરફી ચાખશે, ત્યારે તેમને વિશ્વાસ નહીં આવે કે તેઓ દૂધી ખાઈ રહ્યા છે. આ મીઠાઈ સ્વાદિષ્ટ હોવા છતાં તેમાં કેલરી ઓછી અને ગુણવત્તા વધુ હોય છે.
દૂધીની બરફી બનાવવાની રીત
1. તૈયારી: સૌથીપહેલા દૂધીને ધોઈને તેની છાલ ઉતારી લો. અંદરના બધા બીજ કાઢી નાખો અને ત્યારબાદ તેને છીણી લો.
2. શેકવી: ગેસ પર એક કડાઈ મૂકો અને તેમાં 2 મોટી ચમચી ઘી નાખી ગરમ કરો. હવે છીણેલી દૂધી ઉમેરો અને મધ્યમ આંચ પર લગભગ 10 મિનિટ સુધી શેકો.
3. ખાંડ ઉમેરવી: દૂધી થોડી ચડી જાય એટલે તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરો. દૂધી અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી તેને પકાવો.
4. માવો અને ઘી: હવે તેમાં તમારો મનપસંદ માવો (ખોયા) ઉમેરો. ઉપરથી બે-ત્રણ ચમચી વધુ ઘી નાખીને મિશ્રણને બરાબર હલાવો.
5. સુગંધ અને ફ્લેવર: જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કડાઈમાં ઘી છોડવા લાગે, ત્યારે તેમાં એલચી પાવડર ઉમેરો.
6. સેટ કરવી: એક પ્લેટમાં ઘી લગાવીને આ મિશ્રણને કાઢી લો અને સરખી રીતે ફેલાવી દો. થોડીવાર માટે તેને ફ્રિજમાં મૂકી દો જેથી તે બરાબર સેટ થઈ જાય.
7. કટિંગ: મિશ્રણ સેટ થઈ જાય એટલે ચપ્પુની મદદથી તેને બરફીના આકારમાં કાપી લો.

