Recipe : સ્વાદ અને સ્વાસ્થ્યનો ડબલ ડોઝ: જાણો ઘરે જામફળની કેન્ડી બનાવવાની પરફેક્ટ રીત

સોર્સ : gstv
જો તમે ઘરે કંઈક ગળ્યું, ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માંગતા હોવ તો જામફળની કેન્ડી (Guava Candy) એક ઉત્તમ વિકલ્પ છે. જામફળ સ્વાદની સાથે સાથે ફાઈબર અને વિટામિન-C થી ભરપૂર હોય છે. શિયાળામાં સરળતાથી મળતું આ ફળ જ્યારે કેન્ડીના રૂપમાં તૈયાર કરવામાં આવે છે, ત્યારે બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ખૂબ જ ગમે છે. ખાસ વાત એ છે કે જામફળની કેન્ડી ઘરે ખૂબ જ સરળ રીતે બનાવી શકાય છે અને તેમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી.
સામગ્રી
- જામફળ: 700 ગ્રામ
- ખાંડ: 250 ગ્રામ
- દેશી ઘી: 1 ચમચી
- લીંબુનો રસ: 2 ચમચી
- ઓર્ગેનિક ફૂડ કલર: 1 ચમચી
બનાવવાની રીત
- 700 ગ્રામ જામફળને બરાબર ધોઈને અડધા કાપી લો. તેના બીજ કાઢી નાખો અને સ્લાઈસમાં કાપી લો.
- જામફળના ટુકડાઓને સ્ટીમરમાં મૂકો અને ઢાંકણ ઢાંકીને 30 મિનિટ સુધી વરાળમાં બફાવા દો.
- બફાઈ ગયા પછી જામફળને બહાર કાઢી મિક્સરમાં નાખી તેની સ્મૂધ પ્યુરી બનાવી લો.
- આ પ્યુરીને એક કડાઈ કે પેનમાં કાઢો. તેમાં 250 ગ્રામ ખાંડ ઉમેરો અને ખાંડ પૂરેપૂરી ઓગળી ન જાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો.
- હવે તેમાં 1 ચમચી ઘી ઉમેરો અને મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ધીમા તાપે પકાવો.
- ત્યારબાદ 2 ચમચી લીંબુનો રસ અને ફરીથી ૧ ટેબલસ્પૂન ઘી નાખીને બરાબર મિક્સ કરી લો.
- હવે 1 ચમચી ઓર્ગેનિક ફૂડ કલર ઉમેરો અને મિશ્રણ પેનની કિનારીઓ છોડવા લાગે (ઘી છૂટું પડે) ત્યાં સુધી 10–15 મિનિટ પકાવો.
- તૈયાર થયેલા મિશ્રણને ઘી લગાડેલી પ્લેટ અથવા ટ્રેમાં પાથરી દો અને 8–10 મિનિટ માટે સેટ થવા દો.
- જ્યારે મિશ્રણ બરાબર જામી જાય, ત્યારે તેને મનપસંદ આકારમાં કાપી લો.
- સ્વાદિષ્ટ અને હેલ્ધી જામફળની કેન્ડી પીરસવા માટે તૈયાર છે!

