VIDEO: Recipe / મગની દાળ ખાઈને કંટાળી ગયા છો? ઘરે બનાવો હોટેલ સ્ટાઈલ શાહી મુગલાઈ મગની દાળ
લોકો સામાન્ય રીતે પ્રોટીનથી ભરપૂર લીલા મગની દાળનું શાક અને ચીલા (પુડલા) તો હોંશે હોંશે ખાય છે, પરંતુ જ્યારે પણ દાળની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો નાક-મોં ચડાવે છે. ખરેખર તો મગની દાળમાં તુવેરની દાળ જેવો સ્વાદ આવતો નથી. પરંતુ આજે અમે તમારા માટે મગની દાળની એક શાહી રેસિપી લઈને આવ્યા છીએ. 'મુગલાઈ લીલા મગની દાળ' સ્વાદમાં અદ્ભુત લાગે છે, બસ તમને તે બનાવવાની સાચી રીત ખબર હોવી જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ રેસિપી કેવી રીતે બનાવવી?
શાહી મગની દાળ માટેની સામગ્રી
આખા લીલા મગ ૧ કપ, લીલી એલચી ૪, મોટી એલચી ૨, તજ ૧ ટુકડો, તમાલપત્ર ૨, લવિંગ ૨-૩, આખા મરી ૩-૪, નમક (મીઠું) અને પાણી.
વઘાર (તડકા) માટેની સામગ્રી:
ઘી ૨ ચમચી, જીરું ૧ ચમચી, ૨ ડુંગળી, લસણની પેસ્ટ અડધી ચમચી, આદુ ૧ ઇંચ, લીલા મરચાં ૨, હિંગ ચપટીભર, હળદર પાવડર અડધી ચમચી, કાશ્મીરી લાલ મરચું પાવડર ૨ ચમચી, ધાણાજીરું પાવડર ૨ ચમચી, દહીં અડધો કપ, પાણી, ફ્રેશ ક્રીમ ૨-૩ ચમચી, શેકેલી કસૂરી મેથી અડધી ચમચી અને લીલા ધાણા.
કેવી રીતે બનાવવી શાહી મગની દાળ?
સ્ટેપ ૧ (દાળ બાફવી): સૌથી પહેલા લીલા મગને પાણીથી ધોઈ લો અને પછી ૮ કલાક માટે પલાળીને રાખી દો. સમય પૂરો થયા પછી, એક સુતરાઉ (કોટન) કપડામાં લીલી એલચી, મોટી એલચી, તમાલપત્ર, લવિંગ અને આખા મરી નાખીને એક પોટલી બનાવી લો. હવે કૂકરમાં પલાળેલા મગ ઉમેરો અને સાથે મસાલાની આ પોટલી પણ મૂકી દો. કૂકરમાં ૩ સીટી વાગે ત્યાં સુધી દાળને ચડવા દો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળ બરાબર પાકી જવી જોઈએ, પરંતુ તેનો આખો આકાર જળવાઈ રહેવો જોઈએ જેથી દાળનો દેખાવ સારો આવે.
સ્ટેપ ૨ (વઘાર તૈયાર કરવો): હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈને તેજ આંચ પર ગરમ કરવા મૂકો. કઢાઈ ગરમ થાય એટલે તેમાં તેલ અને ઘી ઉમેરો. ત્યારબાદ જીરું અને ઝીણી સમારેલી ડુંગળી નાખો, બરાબર મિક્સ કરો અને મીડિયમ આંચ પર ડુંગળી ગોલ્ડન બ્રાઉન (ગુલાબી) થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સોનેરી રંગની થઈ જાય એટલે તેમાં લસણ, આદુ અને લીલા મરચાં ઉમેરીને તેને પણ થોડીવાર પકાવો.
સ્ટેપ ૩ (મસાલા અને દહીં ઉમેરવું): હવે તેમાં હળદર પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરો. ત્યારબાદ થોડું પાણી ઉમેરો અને આંચ તેજ કરીને મસાલાને ૩-૪ મિનિટ સુધી ચડવા દો. હવે ગેસ ધીમો કરીને તેમાં બરાબર ફીણેલું દહીં અને સ્વાદ મુજબ નમક ઉમેરો. દહીં ફાટી ના જાય તે માટે તેને સતત હલાવતા રહો અને ગ્રેવીમાંથી તેલ-ઘી છૂટું ન પડે ત્યાં સુધી પકાવો.
સ્ટેપ ૪ : જ્યારે ગ્રેવીમાંથી તેલ અલગ થઈ જાય, ત્યારે તેમાં બાફેલી મગની દાળ (મસાલાની પોટલી કાઢીને) ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. દાળની કન્સિસ્ટન્સી (ઘટ્ટતા) ચેક કરો. જ્યારે દાળ સરસ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ફ્રેશ ક્રીમ, શેકેલી કસૂરી મેથીનો પાવડર અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરો.

