VIDEO: RECIPE / જો કબાબ ખાવાના શોખીન છો તો ટ્રાય કરો હાઈ-પ્રોટીન રાજમા કબાબ, જાણી લો બનાવવાની આસાન રીત
મોટાભાગના ઘરોમાં રાજમાનું શાક બનતું જ હોય છે, પરંતુ જો તમે રાજમા લવર છો તો તેમાંથી સ્વાદિષ્ટ કબાબ પણ બનાવી શકો છો. રાજમા કબાબ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. બાળકો માટે સાંજના નાસ્તા તરીકે અથવા તો પાર્ટીના સ્ટાર્ટર મેનૂમાં સામેલ કરવા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. તમે તેને કોઈ ખાસ દિવસે લંચ કે ડિનરમાં પણ બનાવી શકો છો. વજન ઘટાડવા માંગતા લોકો માટે રાજમા કબાબ શ્રેષ્ઠ ફૂડ ઓપ્શન છે. પ્રોટીનથી ભરપૂર હોવાના કારણે, તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તો ફટાફટ નોંધી લો રાજમા કબાબની આ રેસિપી.
રાજમા કબાબ રેસિપી
પહેલું સ્ટેપ: આ માટે થોડા ઘીમાં ૧ તમાલપત્ર, એક નાનો તજના ટુકડો, ૧ મોટી ચમચી સમારેલું લસણ અને ૧ મોટી ચમચી સમારેલું આદુ ઉમેરો. હવે તેમાં 3 સમારેલી ડુંગળી ઉમેરીને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી સાતળીને તેમાં ૧½ થી ૨ કપ છીણેલી દૂધી અને થોડું મીઠું ઉમેરીને બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી ચઢવા દો.
બીજું સ્ટેપ: આ મિશ્રણને મિક્સરમાં કાઢો. તેમાં 12-13 પલાળેલા કાજુ અને 30-40 ગ્રામ પલાળેલા અને બાફેલા રાજમા ઉમેરો. આ બધું પીસીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ફરીથી પેનમાં કાઢો અને તેમાં ૧ મોટી ચમચી બેસન (ચણાનો લોટ), ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાવડર, કસૂરી મેથી અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
ત્રીજું સ્ટેપ: તૈયાર કરેલા આ મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે એકદમ ઘટ્ટ ન થઈ જાય અને પેનની કિનારીઓ છોડવા ન લાગે. હવે આ આખા મિશ્રણને બરાબર ઠંડુ થવા માટે બાજુ પર મૂકી દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને હાથથી કબાબનો આકાર આપો.
ચોથું સ્ટેપ: હવે એક પેનમાં ફરીથી થોડું તેલ લો અને તૈયાર કરેલા કબાબને મધ્યમ આંચ પર બંને બાજુથી સરસ શેકી લો. તો તૈયાર છે તમારા હાઈ પ્રોટીન કબાબ! તેને તમે રોટલી અથવા સલાડ સાથે એન્જોય કરી શકો છો. આ કબાબ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને તેને નાસ્તામાં સરળતાથી બનાવી શકાય છે.

