Recipes: શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા બનાવો આમળાનું આયુર્વેદિક જ્યુસ

આ જ્યુસ પેટ, સ્કિન અને મગજ માટે છે ખૂબ જ ફાયદાકારક છે. આ ભાગદોડ ભર્યા જીવનમાં સવારના સમયે તમામ લોકો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. આ સાથે જ તેમને પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવાનું સ્ટ્રેસ પણ ખૂબ વધારે હોય છે. પરંતુ તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો તેના પર દિવસ કેવો રહેશે તે નિર્ભર છે. આયુર્વેદ પ્રમાણે સવારની શરૂઆત હેલ્ધી ડ્રિંકથી કરવાથી શરીર શુદ્ધ એનર્જીફુલ બને છે. જોકે, આમ તો ઘણા ડ્રિંક્સ છે જે પીવાથી તમે તમારા દિવસની શરૂઆત કરી શકો છો. પરંતુ આ બધામાં સૌથી શ્રેષ્ઠ ઓપ્શન આમળાને પાણીમાં હળદર સાથે મિક્સ કરીને પીવું. શિયાળો હવે નજીક આવી રહ્યો છે અને શિયાળામાં કોઈપણ સ્વરૂપમાં આમળાનું સેવન સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે. આવી સ્થિતિમાં આમળાને પાણીમાં હળદર સાથે મિક્સ કરીને પીવાથી શરીર સ્વસ્થ રહે છે.
આ ડ્રિંક જોવામાં તો ખૂબ સિમ્પલ લાગે છે પરંતુ તેમાં એવા પોષક તત્વો હોય છે જે તમારી ઈમ્યુનિટી, સ્કિન, ડાઈઝેશન અને મૂડ બધુ જ સારું કરી દે છે. સવારે વહેલા 5:00 વાગ્યાની આસપાસ તેને પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે સમયે શરીર તેને સૌથી સારી રીતે શોષી લે છે. જાણો આમળા પાણી સાથે હળદર મિક્સ કરીને બનવાની રીત અને ફાયદાઓ.
સામગ્રી
આમળાં: 250-500 ગ્રામ (મોટા પીંઢાવાળા અથવા કાપેલા)
લીલી હળદર: 25 ગ્રામ અથવા 1-2 ઈંચ
આદુ: 25 ગ્રામ અથવા 2 ઈંચ
કોથમીર: ¼ કપ (વૈકલ્પિક)
મીઠું/સંચળ: ½ ચમચી અથવા સ્વાદ અનુસાર
પાણી: 1-2 ગ્લાસ
સાકર: 1-3 ચમચી (વૈકલ્પિક)
બનાવવાની રીત
આમળા, હળદર અને આદુને સારી રીતે ધોઈને કાપી લો. આમળા સાથે બધી સામગ્રી (કોથમીર, મીઠું, પાણી)ને બ્લેન્ડરમાં ક્રશ કરીલો અને જ્યુસ બનાવો. જરૂર પડે તો મસાલા અથવા ખાંડ ઉમેરો. રેસા દૂર કરવા માટે જ્યુસને સારી રીતે છાણી લો. તેને કોથમીર સાથે પીરસો. જો તેને સ્ટોર રાખવું હોય તો, ગળેલું જ્યુસ કાચના વાસણમાં ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે.
ફાયદાઓ
1. પેટને સ્વસ્થ રાખે છે
જો તમને ACDT કે પેટ ફૂલાવાની સમસ્યા રહે છે તો આ ડ્રિંક તમને રાહત આપશે. તે ડાઈઝેશન સુધારે છે, આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટમાં ગેસ અને હાર્ટબર્ન ઘટાડે છે. જ્યારે પેટ સ્વસ્થ રહે છે, ત્યારે મૂડ અને સ્કિન બંને સારા રહે છે.
2. સ્કિનને ગ્લોઈંગ બનાવે છે
જો તમને મોંઘા પ્રોડક્ટ્સ વિના ગ્લોઈંગ સ્કિન જોઈતી હોય, તો આ ડ્રિંક તમારા માટે છે. આમળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. હળદર રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. આનાથી સ્કિન અંદરથી સ્વચ્છ અને નેચરલી ગ્લોઈંગ દેખાઈ છે.
3. મૂડ સારો બનાવે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે
હળદરમાં રહેલું કર્ક્યુમિન મૂડ વધારે છે અને મગજને એક્ટિવ રાખે છે. તે તણાવ ઘટાડે છે અને ફોકસ વધારે કરે છે. આમળાનો ખાટો સ્વાદ તમને સવારે ફ્રેશ અને પોઝિટિવ અનુભવ કરાવે છે.
4. શરીરને ડિટોક્સ કરે છે
આમળા અને હળદરનું પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે તેને પીવાથી શરીર ફ્રેશ અને એનર્જેટિક અનુભવે છે.
5. ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે
આમળા વિટામિન-Cથી ભરપૂર હોય છે, જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે. હળદરમાં રહેલા એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. બંને મળીને દરરોજ સવારે શરીરને એક નેચરલ સુરક્ષા કવચ આપે છે, જે તમને દિવસભર હેલ્ધી રહેવામાં મદદ કરે છે.

