Healthy Breakfast: સવારના નાસ્તામાં બનાવો આયર્નથી ભરપૂર બીટરૂટ-પનીરના ચીલા, નોંધી લો રીત

જો તમે ડાયટમાં હેલ્ધી નાસ્તો પસંદ કરો છો અથવા રાત્રે ડિનરમાં કંઈક હલકું-ફુલકું પણ પૌષ્ટિક ખાવા માંગો છો, તો તમે બીટરૂટના ચીલા બનાવી શકો છો. બીટરૂટ ફાઈબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે, સાથે જ તે એન્ટી-ઓક્સિડન્ટનો પણ મોટો સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી હિમોગ્લોબિન લેવલ વધે છે, વજન ઝડપથી ઘટે છે અને તમારી ત્વચા પણ ચમકદાર બને છે. ચાલો જાણીએ, બીટરૂટ ચીલા બનાવવાની રીત:
જરૂરી સામગ્રી:
બીટરૂટ:1 નંગ
બેસન (ચણાનો લોટ): અડધો કપ
પનીર: અડધો કપ (છીણેલું)
ડુંગળી: 1 નંગ
ટામેટું: 1 નંગ
લીલા મરચાં: 1 નંગ
લસણની કળી: 2 નંગ
ધાણાજીરું પાવડર: 1 ચમચી
મેગી મસાલો: 1 ચમચી
મીઠું: સ્વાદ અનુસાર
બટર અથવા તેલ: જરૂર મુજબ
બનાવવાની રીત:
પહેલું સ્ટેપ: સૌથી પહેલા બીટરૂટ, ડુંગળી, ટમેટું, લીલા મરચાં અને લસણને મિક્સર જારમાં નાખીને એકદમ બારીક પીસી લો. આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો.
બીજું સ્ટેપ:હવે એક અલગ વાસણમાં બેસનનું ખીરું તૈયાર કરો. આ ખીરામાં પીસેલું બીટરૂટનું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.ત્યારબાદ તેમાં ધાણાજીરું પાવડર, મેગી મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. આ પેસ્ટને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
ત્રીજું સ્ટેપ: હવે ગેસ ચાલુ કરીને નોન-સ્ટિક પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે તેના પર થોડું બટર કે તેલ લગાવો. ત્યારબાદ ચમચાની મદદથી બેટર લો અને તેને પેન પર ગોળાકારમાં ફેલાવો. ઉપરથી થોડું બટર લગાવો અને બંને બાજુથી હલકું બ્રાઉન થાય ત્યાં સુધી ચઢાવો.
ગરમાગરમ અને હેલ્ધી બીટરૂટ ચીલા તૈયાર છે! તેને તમે ચટણી અથવા દહીં સાથે સર્વ કરી શકો છો.

