Recipe : નાસ્તા માટે ક્રિસ્પી કોર્ન ઘરે જ બનાવો, મહેમાન પણ ખાઈને કરશે વખાણ

ગરમાગરમ શેકેલી મકાઇ ખાવાની મજા જ અલગ હોય છે. કોર્નમાંથી અનેક પ્રકારની ફૂડ ડિશિઝ તૈયાર કરી શકાય છે. ક્રિસ્પી કોર્ન તેમાંથી એક છે. સ્વાદ અને પોષણથી ભરપૂર ક્રિસ્પી કોર્નને દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. બાળકો પણ સ્વીટ ક્રિસ્પી કોર્ન મન ભરીને ખાય છે. મિનિટોમાં તૈયાર થતા ક્રિસ્પી કોર્ન સ્નેક્સની બેસ્ટ રેસિપીમાંથી એક છે.
ક્રિસ્પી કોર્ન બનાવવાની સામગ્રી
- સ્વીટ કોર્ન - 2 કપ
- મકાઈનો લોટ - 1/4 કપ
- ચોખાનો લોટ - 1/4 કપ
- મેંદો - 1 ચમચી
- કાળા મરી પાવડર - 1 ચમચી
- જીરું પાવડર - 1/4 ચમચી
- કાશ્મીરી લાલ મરચું - 1/2 ચમચી
- આમચુર પાવડર - 1/2 ચમચી
- બારીક સમારેલી ડુંગળી - 2 ચમચી
- સમારેલા કેપ્સીકમ - 2 ચમચી
- કોથમીર ઝીણી સમારેલી - 2 ચમચી
- પાણી - 4-5 કપ
- તેલ - તળવા માટે
- મીઠું - જરૂર મુજબ
ક્રિસ્પી કોર્ન બનાવવાની રીત
ક્રિસ્પી કોર્ન એક સ્વાદથી ભરપૂર નાસ્તો છે. તેને બનાવવા માટે સૌપ્રથમ એક મોટું વાસણ લો, તેમાં 4 કપ પાણી ઉમેરો, એક ચમચી મીઠું ઉમેરો અને તેને ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં 2 કપ સ્વીટ કોર્ન નાખો. આ પછી, મકાઈને ઓછામાં ઓછા 1 મિનિટ માટે ઉકળવા દો. આ પછી, ગેસ બંધ કરો અને ગળણીની મદદથી સ્વીટ કોર્નને પાણીથી અલગ કરો.
હવે બાફેલી સ્વીટ કોર્નને બીજા વાસણમાં મૂકો અને તેમાં મકાઈનો લોટ, ચોખાનો લોટ, મેંદો, કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. આ પછી, સ્વીટ કોર્ન સાથે બધું બરાબર મિક્સ કરો. વધારાનો લોટ કાઢવા માટે સ્વીટ કોર્નને ચાળણીથી ચાળી લો.
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં સ્વીટ કોર્ન નાખીને ડીપ ફ્રાય કરો. સ્વીટ કોર્ન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી કિચન પેપર પર સ્વીટ કોર્ન કાઢી લો. હવે તળેલી સ્વીટ કોર્નમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, આમચુર પાવડર અને થોડું મીઠું ઉમેરો.
સ્વીટ કોર્ન સાથે બધો મસાલો બરાબર મિક્ષ કર્યા પછી તેમાં બારીક સમારેલી ડુંગળી, કેપ્સીકમ અને 2 ટેબલસ્પૂન કોથમીર નાખીને મિક્સ કરો. સ્વાદ અને પોષણથી ભરપૂર ક્રિસ્પી કોર્ન તૈયાર છે, તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

