Recipe : કોઈ જ ઝંઝટ વિના ફટાફટ બનાવી લો આમળાનો મુખવાસ, સ્ટોર કરીને રાખી શકશો આખું વર્ષ

શિયાળાની ઋતુ આવે એટલે આપણા બધાનાં ઘરમાં આમળા આવી જ જતાં હોય છે. આમળાની ઘણી પૌષ્ટિક વાનગીઓ બની શકે છે. આમળામાં ભરપૂર વિટામિન સી અને અન્ય પોષક તત્વો રહેલાં છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. હેલ્થ સારી કરવાથી લઈને વાળ અને સ્કિન માટે પણ આમળા લાભકારી છે. જેથી આજે અમે તમને આમળાનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મુખવાસ બનાવવાની રેસિપી જણાવવાના છીએ. જે ખૂબ જ સરળ છે અને તમે તેને આખું વર્ષ પણ સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો જાણી લો રેસિપી.
સામગ્રી
500 ગ્રામ આમળા
2 ચમચી શેકેલો અજમો
1 ચમચી સૂંઠ
1 ચમચી કાળા મરીનો પાઉડર
સિંધાલૂણ મીઠું સ્વાદ પ્રમાણે
બનાવવાની રીત
સૌથી પહેલાં આમળા સરખી રીતે ધોઈને ચોખ્ખા કપડાંથી લૂછીને કોરા કરી દો. હવે કોઈપણ છીણીની મદદથી આમળાને છીણીને તેની છીણ તૈયાર કરો. આ છીણને એક મોટી થાળીમાં લઈને તેમાં 2 ચમચી અધકચરો વાટેલો અજમો, સૂંઠ, કાળા મરીનો પાઉડર અને સિંધવ મીઠું મિક્સ કરી દો. બધું બરાબર મિક્સ કરીને તેને એ જ થાળીમાં આખી રાત રૂમમાં જ પંખા નીચે સૂકાવા દો. બીજા દિવસે અન્ય એક મોટી થાળીમાં છીણ લઈ લો અને રૂમમાં છાયડામાં 3 દિવસ મુખવાસ સૂકવી લો. મુખવાસનો રંગ થોડો ડાર્ક થવા લાગશે અને ક્રિસ્પી થઈ જાય એટલે એરટાઈટ જારમાં ભરી દો. તમે આખું વર્ષ તેને ખાઈ શકો છો.

