Recipe: સલાડ જ નહીં હવે કાકડીનું શાક પણ બનાવો, આ રહી રાજસ્થાની સ્પેશિયલ 'કાકડી દહીં મસાલા'ની રેસીપી

કાકડી દરેકને સલાડમાં ખાવી ગમે છે. પરંતુ જો તમે ઈચ્છો તો તેની મદદથી સ્વાદિષ્ટ અને તીખું શાક પણ બનાવી શકો છો. અહીં અમે રાજસ્થાની રીતે કાકડીનું શાક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, તમે પણ શીખી લો.
કાકડીમાં પાણીનું પ્રમાણ પુષ્કળ હોય છે, જેના કારણે તે ડિહાઇડ્રેશનથી રાહત આપે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, શરીરને ઠંડું રાખે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચનમાં સુધારો કરે છે. કાકડીને સલાડમાં અથવા શાક બનાવીને પણ ખાઈ શકાય છે.
કાકડીનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:
કાકડી: 6 નંગ
ડુંગળી: 1 નંગ (ઝીણી સમારેલી)
લીલા મરચાં: 2 નંગ (સમારેલા)
દહીં: 1 કપ
સરસવનું તેલ: 4 મોટી ચમચી
રાઈ અને જીરું: 1/2 નાની ચમચી
લસણની કળીઓ: 5-6 નંગ (વાટેલી)
લાલ મરચું પાવડર: 2 મોટી ચમચી
ધાણાજીરું પાવડર: 2 મોટી ચમચી
હળદર પાવડર: 1/4 નાની ચમચી
નમક: સ્વાદ મુજબ
કોથમીર: સમારેલી
કસૂરી મેથી: થોડી (વાટેલી)
કેવી રીતે બનાવશો કાકડીનું શાક:
તૈયારી: સૌથી પહેલા કાકડીને સારી રીતે ધોઈને ગોળ અથવા નાના ટુકડામાં કાપી લો. ડુંગળીને પણ ઝીણી સમારી લો અને લસણને વાટી લો. લીલા મરચાં પણ કાપીને તૈયાર રાખો.
કાકડીને સાંતળો: હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં કાપેલી કાકડી નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને હળદર નાખીને તેને બરાબર શેકી લો અને પછી એક વાસણમાં અલગ કાઢી લો.
મસાલો તૈયાર કરો: એક બાઉલમાં દહીં લો અને તેમાં લાલ મરચું, ધાણાજીરું અને હળદર જેવા બધા મસાલા ઉમેરો. આ મિશ્રણને બરાબર ફેંટી લો.
વઘાર: તે જ પેનમાં જીરું, રાઈ અને વાટેલું લસણ નાખો. આ બધું બરાબર સતળાઈ જાય એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.
ગ્રેવી: જ્યારે ડુંગળી સોનેરી રંગની થઈ જાય, ત્યારે તૈયાર કરેલું દહીંનું મિશ્રણ ઉમેરો અને સતત હલાવતા રહો. જ્યારે મસાલો તેલ છોડવા લાગે, ત્યારે તેમાં પહેલેથી સાંતળેલી કાકડી ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો અને ધીમી આંચ પર 7-8 મિનિટ સુધી ચઢવા દો.
ફિનિશિંગ: છેલ્લે કસૂરી મેથી અને લીલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લો.
ગરમાગરમ કાકડીનું શાક રોટલી સાથે સર્વ કરો.

