સુપરમાર્કેટના પ્રોટીન બારથી પણ શ્રેષ્ઠ છે આ દેશી નાસ્તા, ઘરઆંગણે જ ઉપલબ્ધ છે પ્રોટીનનો આ ખજાનો!

સોશિયલ મીડિયા પર આજકાલ દરેક બીજી પોસ્ટ પ્રોટીન વિશે હોય છે. પોતાની ડાયેટમાં પ્રોટીન કેવી રીતે સામેલ કરી શકાય, તેને લગતા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વ્યુઝ મેળવે છે. સુપરમાર્કેટના શેલ્ફ પર પણ હવે પ્રોટીન બાર, શેક અને ફોર્ટિફાઇડ સ્નેક્સ જેવી વસ્તુઓનો ભંડાર જોવા મળે છે. પરંતુ આ ન્યુટ્રિશન માર્કેટિંગથી ઘણા સમય પહેલાં આપણા ગામડાંઓમાં પરંપરાગત ખોરાકમાંથી જ રોજની જરૂરિયાતનું પ્રોટીન મળી જતું હતું.
હકીકતમાં, એક વયસ્ક વ્યક્તિને તેના શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. આ માટે ગામડાંના લોકો પ્રોટીન શેક અને બાર પર નિર્ભર નહોતા રહેતા, પરંતુ તેમના રોજિંદા ખોરાકમાં જ એવી વસ્તુઓ સામેલ હતી, જે પ્રોટીનનો ભંડાર છે. શેકેલું અનાજ, ડેરી પ્રોડક્ટ્સ અને કઠોળ આ જરૂરિયાતને ખૂબ જ આર્થિક અને સરળ રીતે પૂરી કરતાં હતાં. અહીં જાણો ગામડાંના આવા જ કેટલાક પરંપરાગત ખોરાક વિશે, જે પ્રોટીનથી ભરપૂર છે અને રોજિંદા ખોરાકમાં સરળતાથી સામેલ થઈ શકે છે.
શેકેલા ચણા
શેકેલા ચણા પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ એક ખૂબ જ સસ્તો અને ગમે ત્યાં સાથે લઈ જઈ શકાય તેવો સ્નેક છે. ગામડાંના લોકો તેને ખેતરમાં પોતાની સાથે લઈ જતા હતા અને કામની વચ્ચે ભૂખ લાગે ત્યારે ખાતા હતા. શેકેલા ચણા શાકાહારી લોકો માટે પ્રોટીનના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોતોમાંના એક છે.
ફણગાવેલા મગ
ફણગાવેલા મગ જૂના જમાનામાં ખાણીપીણીનો મહત્વનો હિસ્સો હતો. આ સરળતાથી તૈયાર થઈ જાય છે. પહેલાંના સમયમાં સલાડના રૂપમાં હળવા મસાલા, ડુંગળી અને લીંબુ ઉમેરીને તેને ખાવામાં આવતા હતા. આજે પણ લોકો ફણગાવેલા મગને પ્રોટીન માટે એક ઉત્તમ સ્નેક માને છે.
મગની દાળના પુડલા (ચિલા)
પલળેલી મગની દાળને વાટીને બનાવવામાં આવતો આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોય છે. વર્ષોથી લોકો તેને પોતાના ઘરોમાં બનાવતા આવ્યા છે. ઝટપટ બનતો આ નાસ્તો આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
સીંગદાણા (મગફળી)
મગફળી ગ્રામીણ ખાણીપીણીમાં હંમેશાં સામેલ રહી છે. તેને શેકીને, બાફીને કે ગોળ સાથે ખાવાથી પ્રોટીન પણ મળે છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેના પૌષ્ટિક ગુણોને કારણે જ તેને ગરીબોનું કાજુ પણ કહેવામાં આવે છે. ખેડૂતો તેને ખેતરમાં લઈ જતા અને બાળકો શાળાએ લઈ જતા હતા. ઓછા ખર્ચમાં આ ભરપૂર પ્રોટીન આપે છે.
ઘટ્ટ દહીં
દહીં પણ ગ્રામીણ ભારતના ખોરાકમાં હંમેશાં સામેલ રહ્યું છે. એક વાટકી ઘટ્ટ દહીં ખાવાથી ખોરાકનો સ્વાદ પણ વધે છે અને શરીરને પ્રોટીન પણ મળે છે. સાથે જ, આ પાચન માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

