Recipe : જમવાનો સ્વાદ બમણો કરી દેશે કાકડી-ફુદીનાની ચટણી, નોંધી લો સરળ રેસીપી

ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો પોતાના ખાવા-પીવામાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરી રહ્યા છે. ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે કાકડી ખૂબ જ સારો વિકલ્પ છે. તમે સલાડમાં કાકડી ખાઈ શકો છો. ઉપરાંત કાકડી અને ફુદીનાને મેળવીને સ્વાદિષ્ટ ચટણી પણ બનાવી શકાય છે. આ હળવી અને ઠંડક આપતી વાનગી છે, જે ખાતાની સાથે જ તાજગીનો અનુભવ કરાવે છે. કાકડી અને ફુદીનાની ચટણી ખાવાનો સ્વાદ અનેક ગણો વધારી દે છે. તેને રોટલી, પરાઠા, ભાત અથવા નાસ્તા સાથે ખાઈ શકાય છે. અહીં જાણો કાકડી-ફુદીનાની ચટણી બનાવવાની સરળ રેસીપી....
કાકડી-ફુદીનાની ચટણી બનાવવાની રીત
પહેલું સ્ટેપ
આ ચટણી બનાવવા માટે તમને જરૂરી સામગ્રીમાં 1 મધ્યમ કદની કાકડી, પુદીનાના પાન, 3 લીલા મરચાં, 4 લસણની કળીઓ, 1 ઇંચ આદુ, 1-2 ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી શેકેલું જીરું પાઉડર અને જરૂર મુજબ પાણી જોઈએ.
બીજું સ્ટેપ
સૌ પ્રથમ કાકડીને સારી રીતે ધોઈને છાલ ઉતારી લો. તમે ઇચ્છો તો છાલ સાથે પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે કાકડીના નાના ટુકડા કરો અને મિક્સર જારમાં કાકડી, પુદીનાં પાન, લીલા મરચાં, લસણ અને આદુ નાખીને પીસી લો.
ત્રીજું સ્ટેપ
હવે તેમાં મીઠું, શેકેલું જીરું પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી નાખીને બધું સરસ રીતે પીસી લો. ચટણીને થોડીવાર માટે ઠંડી થવા મૂકી દો. તૈયાર છે સ્વાદિષ્ટ કાકડી-પુદીનાની ચટણી.
ચોથું સ્ટેપ
તમે આ ચટણીને રોટલી, પરાઠા અથવા દાળ-ભાત સાથે ખાઈ શકો છો. ઘણા લોકો તેને સમોસા, પકોડા અથવા સેન્ડવિચ સાથે પણ ખૂબ પસંદ કરે છે. રોજના લંચમાં આ ચટણી ખાવાથી પેટ ઠંડું રહેવામાં મદદ મળે છે. કાકડી શરીરને હાઇડ્રેટ રાખે છે અને પુદીનો પેટને ઠંડક પહોંચાડે છે.

