મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

બિનઆરોગ્યપ્રદ આહારના કારણે થાય છે 50 ટકાથી વધુ બીમારી, ICMR દ્વારા જારી કરવામાં આવી માર્ગદર્શિકા

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 56.4 ટકા બીમારી બિનઆરોગ્યપ્રદ આહારને કારણે થાય છે. ઈન્

બિનઆરોગ્યપ્રદ આહારના કારણે થાય છે 50 ટકાથી વધુ બીમારી, ICMR દ્વારા જારી કરવામાં આવી માર્ગદર્શિકા

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં 56.4 ટકા બીમારી બિનઆરોગ્યપ્રદ આહારને કારણે થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બુધવારે આવશ્યક પોષક તત્વોની જરૂરિયાતોને પહોંચી વળવા અને સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગો (NCDs) ને રોકવા માટે 17 આહાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને અકાળે થતા મૃત્યુને અટકાવી શકાય

હેલ્થ રિસર્ચ બોડી હેઠળ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) એ જણાવ્યું હતું કે તંદુરસ્ત આહાર અને શારીરિક પ્રવૃત્તિ કોરોનરી હૃદય રોગ (CHD) અને હાયપરટેન્શન (HTN) ના નોંધપાત્ર પ્રમાણને ઘટાડી શકે છે અને ટાઈપ 2 ડાયાબિટીસને 80 ટકા સુધી અટકાવી શકે છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને અકાળ મૃત્યુને અટકાવી શકાય છે. ખાંડ અને ચરબીવાળા ખોરાકના વધુ પડતા વપરાશ, ઓછી શારીરિક પ્રવૃત્તિ, સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ અને વધુ વજનની સમસ્યાઓ અને વિવિધ પ્રકારના ખોરાકની મર્યાદિત પહોંચને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

આહાર માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરાયો

NINએ મીઠાનું સેવન મર્યાદિત કરવા, તેલનો ઓછો ઉપયોગ કરવા, યોગ્ય કસરત કરવા અને ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આઈટમ ઘટાડવા વિનંતી કરી છે. આ ઉપરાંત સ્થૂળતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું અને ફૂડ લેબલ વાંચીને અને હેલ્ધી ફૂડના વિકલ્પો પસંદ કરીને માહિતી મેળવવાનું પણ સૂચન કર્યું હતું. ભારતના લોકો માટે આહાર માર્ગદર્શિકા (DGIs) નો ડ્રાફ્ટ ICMR-NINના નિયામક ડો. હેમલતા આરની આગેવાની હેઠળ નિષ્ણાતોની બહુ-શિસ્ત કમિટિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેની ઘણી વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરવામાં આવી છે. DGIમાં 17 માર્ગદર્શિકા સૂચિબદ્ધ કરવામાં આવી છે.

ડો. હેમલતાએ આ વાત પર મૂક્યો ભાર

ડો. હેમલતાએ કહ્યું હતું કે 'DGI દ્વારા અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે તમામ પ્રકારના કુપોષણનો સૌથી વધુ તાર્કિક, ટકાઉ અને લાંબા ગાળાનો ઉકેલ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાકની ઉપલબ્ધતા, સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવાની છે. માર્ગદર્શિકામાં પુરાવા-આધારિત માહિતીનો સમાવેશ થાય છે જે રાષ્ટ્રીય પોષણ નીતિમાં દર્શાવેલ લક્ષ્યોની સિદ્ધિને સરળ બનાવશે. NINએ બિનસંક્રમિત રોગોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે '5-9 વર્ષની વયના 34 ટકા બાળકો હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સથી પીડાય છે. એક સંતુલિત આહારમાં અનાજ અને બાજરીમાંથી 45 ટકાથી વધુ તેમજ કઠોળ અને માંસમાંથી 15 ટકાથી વધુ કેલરી ન મળવી જોઈએ. માર્ગદર્શિકા કહેવામાં આવ્યું છે કે બાકીની કેલરી બદામ, શાકભાજી, ફળો અને દૂધમાંથી મળવી જોઈએ.

ભારતીય વસ્તીનો મોટો વર્ગ અનાજ પર ખૂબ નિર્ભર : NIN

આ ઉપરાંત NINએ વધુમાં જણાવ્યું કે 'કઠોળ અને માંસની મર્યાદિત ઉપલબ્ધતા અને ઊંચી કિંમતને કારણે ભારતીય વસ્તીનો મોટો વર્ગ અનાજ પર ખૂબ નિર્ભર છે. આને કારણે, આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ્સ (એમિનો એસિડ અને ફેટી એસિડ્સ) અને સૂક્ષ્મ પોષક તત્વોનું ઓછું સેવન થાય છે. આવશ્યક પોષક તત્વોનું ઓછું સેવન મેટાબોલીઝમને વિક્ષેપિત કરી શકે છે અને નાની ઉંમરથી જ ઇન્સ્યુલિન પ્રતિકાર અને સંબંધિત વિકૃતિઓનું જોખમ વધારી શકે છે.

આ સમાચાર શેર કરો