વજન ઘટાડવા માંગો છો તો ઠેકુઆ ખાવાનું બંધ ન કરો! એર ફ્રાયરમાં બનાવવાની આ રીતથી ઘટશે કેલરી

બિહાર અને ઝારખંડની પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ ઠેકુઆનો સ્વાદ ભાગ્યે જ કોઈને પસંદ ન હોય એવું બને. ઘઉંનો લોટ, ગોળ અને ઘીમાંથી તૈયાર થતી આ મીઠાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે કેલરીથી પણ ભરપૂર હોય છે. ખાસ કરીને જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ અથવા તમારી ડાયટનું ધ્યાન રાખતા હોવ તો ઠેકુઆ ખાતી વખતે તેની કેલરી વિશે જાણવું જરૂરી છે. સામાન્ય રીતે 35થી 40 ગ્રામ વજનના એક ઠેકુઆમાં આશરે 160થી 220 કેલરી હોય છે. જોકે, તેને બનાવવાની રીત પ્રમાણે કેલરીની માત્રામાં ફેરફાર થઈ શકે છે.
તેલમાં તળેલા અને એર ફ્રાયરમાં બનાવેલા ઠેકુઆમાં કેટલો તફાવત?
જો તમે ઠેકુઆને ઘી અથવા તેલમાં ડીપ ફ્રાય કરો છો, તો એક નંગમાં આશરે 160થી 220 કેલરી હોય છે. તેનું કારણ એ છે કે તળતી વખતે ઠેકુઆ અમુક પ્રમાણમાં તેલ અથવા ઘી શોષી લે છે. બીજી તરફ, એર ફ્રાયરમાં ઓછા તેલનો ઉપયોગ કરીને બનાવેલા એક ઠેકુઆમાં આશરે 120થી 170 કેલરી હોય છે. જોકે, કેલરીની આ માત્રા રેસિપી અને ઠેકુઆના કદ પર આધારિત છે.
એટલે કે એર ફ્રાયરમાં ઠેકુઆ બનાવવાથી તેની કેલરી ઘટાડી શકાય છે, પરંતુ તે સંપૂર્ણપણે કેલરીમુક્ત બનતું નથી. ઘઉંના લોટ, ગોળ અને ઘીમાંથી મળતી કેલરી તેમાં યથાવત રહે છે.
એર ફ્રાયરમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ ઠેકુઆ
- ઠેકુઆ બનાવવા માટે એક કપ ઘઉંનો લોટ, અડધો કપ ગોળ, 2થી 3 ચમચી ઘી, થોડું વરિયાળી અને જરૂરિયાત મુજબ પાણી લો.
- સૌપ્રથમ ગોળને થોડા હૂંફાળા પાણીમાં ઓગાળી લો. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, વરિયાળી અને ઘી નાખીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે ગોળનું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લો.
- હવે લોટના નાના-નાના લૂઆ બનાવીને તેને ઠેકુઆનો આકાર આપો. ઇચ્છો તો કોઈ મોલ્ડ અથવા કાંટાની મદદથી તેના પર સુંદર ડિઝાઇન પણ બનાવી શકો છો.
ત્યારબાદ એર ફ્રાયરને 160થી 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રીહીટ કરો. ઠેકુઆ પર હળવું ઘી અથવા તેલ લગાવીને એર ફ્રાયરની બાસ્કેટમાં ગોઠવો. તેને આશરે 10થી 15 મિનિટ સુધી પકાવો. વચ્ચે એક વખત ઠેકુઆને પલટાવી દો, જેથી બંને બાજુથી સરખી રીતે શેકાઈ જાય. જોકે, ઠેકુઆની જાડાઈ અને એર ફ્રાયરના પ્રકાર પ્રમાણે પકવવાનો સમય બદલાઈ શકે છે.
વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો કેટલા ઠેકુઆ ખાવા જોઈએ?
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો ઠેકુઆને સંપૂર્ણપણે ખાવાનું છોડી દેવાની જરૂર નથી. પરંતુ તેનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ક્યારેક એક નાનું ઠેકુઆ ખાવાથી તમારી ડાયટ પર કોઈ ખાસ અસર થતી નથી.
જોકે, દરરોજ વધુ પ્રમાણમાં ઠેકુઆ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે ગોળ અને ઘી બંનેમાં કેલરીનું પ્રમાણ હોય છે. એર ફ્રાયરમાં બનાવેલા ઠેકુઆ પસંદ કરવાથી તેલનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ ઉપરાંત, ઠેકુઆ બનાવતી વખતે વધુ પડતો ગોળ અને ઘી ઉમેરવાનું પણ ટાળવું જોઈએ.
ધ્યાનમાં રાખો કે ગોળમાં પણ મીઠાશ અને કેલરી હોય છે. તેથી તેને ખાંડથી સંપૂર્ણપણે અલગ અથવા કેલરી વગરનો વિકલ્પ સમજવાની ભૂલ ન કરવી. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો સ્વાદની સાથે ખોરાકનું પ્રમાણ અને કેલરીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.










