VIDEO: કેલ્શિયમ ખાવા છતાં હાડકાં કેમ પોલા થાય છે? આ ઝેર સમાન વસ્તુઓ છે જવાબદાર!
આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મજબૂત હાડકાં, મજબૂત દાંત, યોગ્ય બ્લડ પ્રેશર અને સ્નાયુઓનું યોગ્ય રીતે કામ કરવું- આ બધા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. જ્યારે શરીરમાં કેલ્શિયમનું સ્તર ઘટવા લાગે છે, ત્યારે હાડકાં અંદરથી નબળાં અને પોલાં થવા લાગે છે. આનાથી ઓસ્ટિઓપોરોસિસ (Osteoporosis) અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે.
આપણામાંથી ઘણા લોકો કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ, દહીં અને લીલાં શાકભાજી તો ખાય છે, છતાં શરીરમાં કેલ્શિયમની ઉણપ રહે છે. શું તમે જાણો છો આવું શા માટે થાય છે? વાસ્તવમાં, આપણી રોજિંદી આહારશૈલીમાં કેટલીક એવી વસ્તુઓ સામેલ હોય છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણ (Absorption)ને રોકે છે અને હાડકાંમાં જમા થયેલા કેલ્શિયમને પણ સોષી લે છે. અહીં જાણો ખાવા-પીવાની એ 8 વસ્તુઓ વિશે જે તમારા હાડકાંને નબળાં બનાવી રહી છે:
ખાવા-પીવાની 8 વસ્તુઓ, જે હાડકાં કરી નાખે નબળાં
સોફ્ટ ડ્રિંક્સ (Soft Drinks & Sodas)
પાર્ટી હોય કે કોઈ ખાસ પ્રસંગ, સોફ્ટ ડ્રિંક્સનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. પરંતુ સોડા અને એરેટેડ ડ્રિંક્સમાં 'ફોસ્ફોરિક એસિડ' (Phosphoric Acid) પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ એસિડ પેટમાં જઈને કેલ્શિયમના શોષણમાં અવરોધ ઊભો કરે છે અને હાડકાંમાંથી કેલ્શિયમ બહાર કાઢવાનું કામ કરે છે.
વધુ પડતી ચા અને કોફી (Caffeinated Drinks)
સવારની શરૂઆત ચા કે કોફીથી કરવી એ લગભગ દરેક ભારતીયની આદત બની ચૂકી છે. જોકે, તેમાં રહેલું કેફીન શરીરમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન (શોષણ) ઘટાડી દે છે. વધુ પડતા કેફીનના સેવનથી પેશાબ વાટે કેલ્શિયમ શરીરની બહાર નીકળી જાય છે.
જરૂરિયાત કરતા વધુ મીઠું (High Sodium Foods)
વધુ પડતું મીઠું કે નમકીન સ્નેક્સ ખાવાની આદત પણ હાડકાં માટે જોખમી છે. જ્યારે તમે વધુ સોડિયમ લો છો, ત્યારે શરીર તેને પેશાબના રસ્તે બહાર કાઢે છે અને આ પ્રક્રિયામાં સોડિયમની સાથે-સાથે કેલ્શિયમ પણ વહી જાય છે.
રેડ અને પ્રોસેસ્ડ મીટ (Red & Processed Meats)
રેડ મીટ (જેમ કે મટન) અને પ્રોસેસ્ડ મીટમાં પ્રોટીન તો ભરપૂર હોય છે, પરંતુ વધુ પડતા એનિબલ પ્રોટીનનું સેવન શરીરમાં એસિડનું સ્તર વધારી દે છે. આ એસિડને ન્યુટ્રલ કરવા માટે શરીર હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચવા લાગે છે. આ સિવાય તેનાથી યુરિક એસિડ પણ વધે છે.
વધુ પડતી ગળી વસ્તુઓ (Sweets & Bakery Items)
કેક, પેસ્ટ્રી, કેન્ડી અને કુકીઝ જેવી રિફાઇન્ડ શુગર અને રિફાઇન્ડ કાર્બ્સથી ભરપૂર વસ્તુઓ માત્ર તમારું વજન જ નથી વધારતી, પરંતુ કેલ્શિયમના શોષણમાં પણ અવરોધ ઊભો કરે છે. ખાંડથી શરીરમાં બળતરા (Inflammation) વધે છે, જેનાથી હાડકાં નબળાં પડે છે.
દારૂ અને આલ્કોહોલ (Alcohol)
આલ્કોહોલનું વધુ પડતું સેવન વિટામિન Dના નિર્માણ અને કેલ્શિયમના શોષણ, બંનેને અસર કરે છે. લાંબા સમય સુધી દારૂ પીવાથી હાડકાંનું ઘનત્વ (Bone Density) ઘટી જાય છે, જેનાથી ફ્રેક્ચરનું જોખમ અનેકગણું વધી જાય છે.
વધુ તળેલી વસ્તુઓ (Oily & Fried Foods)
સમોસા, ભજીયા અને ફ્રાઇડ ચિકન જેવી તળેલી વસ્તુઓ સ્વાસ્થ્યની દુશ્મન છે. તેમાં રહેલા ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટ શરીરમાં બળતરા પેદા કરે છે અને પાચનક્રિયા બગાડે છે, જેથી ખોરાકમાંથી કેલ્શિયમ શરીરને મળી શકતું નથી.
પાલક અને ઓક્સલેટ્સવાળા ખાદ્ય પદાર્થો (High Oxalate Foods)
જોકે પાલક અને બીટ સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તેમાં 'ઓક્સલેટ' (Oxalates) નામનું તત્વ હોય છે. આ તત્વ કેલ્શિયમ સાથે જોડાઈને એવું કમ્પાઉન્ડ બનાવી લે છે જેને શરીર સોષી શકતું નથી. તેથી જો તમે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓ ખાતા હોવ, તો ઓક્સલેટ યુક્ત ખાદ્ય પદાર્થોનું મર્યાદિત સેવન કરો.
હાડકાંને મજબૂત રાખવા શું કરવું?
કેલ્શિયમ રિચ ડાયેટ લો: દૂધ, દહીં, પનીર, તલ, રાગી અને લીલાં પાંદડાંવાળા શાકભાજીને આહારમાં સામેલ કરો.
વિટામિન D3 ખૂબ જ જરૂરી: કેલ્શિયમને સોષવા માટે શરીરને વિટામિન Dની જરૂર હોય છે. આ માટે રોજ 15-20 મિનિટ તડકામાં બેસો.
નિયમિત વ્યાયામ: રોજિંદી વોક, યોગ કે વેઇટ-બેરિંગ એક્સરસાઇઝ કરવાથી હાડકાં મજબૂત રહે છે.
મજબૂત હાડકાં જ સ્વસ્થ જીવનનો આધાર છે. તમારી ખાવા-પીવાની આદતોમાં થોડો ફેરફાર કરીને અને આ 8 વસ્તુઓનું મર્યાદિત કે બંધ સેવન કરીને તમે તમારા હાડકાંનું આયુષ્ય વધારી શકો છો અને ઘડપણમાં પણ ચુસ્ત-દુરુસ્ત રહી શકો છો!

