health Tips : દિવસમાં કેટલા ગ્લાસ દૂધ પીવું જોઈએ? કેલ્શિયમની ઉણપ હોય તો જાણી લો

દરેકના ઘરમાં દૂધ આવે છે અને સવાર-સાંજ પીવાય છે. કારણકે, દૂધને આરોગ્ય માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. દૂધમાં પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન D, વિટામિન B12, ફોસ્ફરસ અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે. દૂધને કૅલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. કૅલ્શિયમ આપણા શરીરની હાડકાં, દાંત અને મસલ્સને મજબૂત રાખવા માટે જરૂરી હોય છે. આજના સમયમાં બદલતી લાઇફસ્ટાઇલ, સરખું ડાયટ ન હોવું અને સૂર્યપ્રકાશના અભાવને કારણે લોકોમાં કૅલ્શિયમની ઉણપ સામાન્ય બની ગઈ છે. આવા સમયે દૂધનું નિયમિત સેવન ન માત્ર શરીરને પોષણ આપે છે, પરંતુ હાડકાંને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. આથી મસલ્સને પણ મજબૂતી મળે છે અને ઓવરઓલ હેલ્થ બૂસ્ટ થાય છે.
રોજ કેટલું દૂધ પીવું જોઈએ?
હેલ્થ એક્સપર્ટ્સના મતે, દરેક વ્યક્તિની ઉંમર, લિંગ અને શારીરિક ક્ષમતા પર આધાર રાખીને દૂધની જરૂરિયાત અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે વયસ્કોને એક દિવસમાં 2 ગ્લાસ એટલે કે લગભગ 400થી 500 મિલીલીટર દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. બાળકો અને કિશોરો માટે આ માત્રા થોડી વધુ હોય છે, કારણ કે તેમના શરીરનો વિકાસ ઝડપથી થાય છે અને હાડકાંને વધુ કૅલ્શિયમની જરૂર હોય છે. વૃદ્ધોને પણ રોજ ઓછામાં ઓછા 2 ગ્લાસ દૂધ જરૂર લેવું જોઈએ, જેથી ઉંમર સાથે થતી હાડકાંની નબળાઈથી બચી શકાય. દૂધ પીવાથી કૅલ્શિયમ જ નહીં, પરંતુ પ્રોટીન પણ સારી માત્રામાં મળે છે.
કૅલ્શિયમની કમી દૂર કરે છે દૂધ
કૅલ્શિયમ શરીરમાં હાડકાં અને દાંત માટે જરૂરી હોય છે. જ્યારે શરીરમાં કૅલ્શિયમની ઉણપ થાય છે, ત્યારે હાડકાં નબળા થવા લાગે છે, સાંધામાં દુખાવો, દાંતની નબળાઈ અને મસલ્સમાં ખેંચ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. દૂધ કૅલ્શિયમનો સૌથી સરળ સ્ત્રોત છે. 1 ગ્લાસ દૂધમાં લગભગ 250થી 300 મિલીગ્રામ કૅલ્શિયમ હોય છે, જે આપણી રોજની જરૂરિયાતનો મોટો ભાગ પૂરો કરે છે. દૂધમાં રહેલું વિટામિન D કૅલ્શિયમને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે.
દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત
દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલા માનવામાં આવે છે. આ સમયે શરીર આરામની સ્થિતિમાં હોય છે અને પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે. આ ઉપરાંત સવારે ખાલી પેટ અથવા નાસ્તા સાથે પણ દૂધ લઈ શકાય છે. કેટલાક લોકો દૂધમાં હળદર, મધ અથવા બદામ મિક્સ કરીને પીવે છે, જેનાથી તેનો પોષણ મૂલ્ય વધે છે. હા, દૂધ સાથે ખૂબ ખાટા અથવા ખારા પદાર્થો ખાવાથી બચવું જોઈએ, કારણ કે તે પાચન પર અસર કરી શકે છે.

